Home Gujarat Surat Surat Airport Azerbaijan Aircraft Distress Signal Elt Alert Cospas Sarsat Daman Surat Atc

શું અઝરબૈજાનનું વિમાન ગુમ થયું? : સુરત ATCને સેટેલાઈટથી એલર્ટ મળતા ગુજરાતના દરિયાકાંઠે હાઈએલર્ટ

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી એલર્ટ દરમિયાન તૈનાત સુરક્ષા અને રાહત ટીમો.
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 16, 2026, 05:29 PM IST

Surat News: દક્ષિણ ગુજરાત અને દમણના દરિયાઈ વિસ્તારમાં સંભવિત વિમાની કટોકટીની આશંકા વચ્ચે સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગુરુવારે ભારે દોડધામ મચી ગઈ હતી. અઝરબૈજાનમાં નોંધાયેલ એક વિમાનમાંથી ઈમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર (ELT) દ્વારા ડિસ્ટ્રેસ સિગ્નલ પ્રસારિત થતાં સુરત એર ટ્રાફિક કંટ્રોલ (ATC) અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ને COSPAS-SARSAT સેટેલાઈટ સિસ્ટમ મારફતે એલર્ટ પ્રાપ્ત થયું હતું.

એરપોર્ટ પર તાત્કાલિક ઈમરજન્સી પ્લાન અમલમાં

ડિસ્ટ્રેસ એલર્ટ મળતા જ સુરત એરપોર્ટ પર એરપોર્ટ ઈમરજન્સી પ્લાન (AEP) અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અમલમાં મુકવામાં આવ્યા હતા. CISF, એરપોર્ટ ફાયર એન્ડ રેસ્ક્યુ ટીમ, મેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ અને એર ટ્રાફિક કંટ્રોલ સહિતની તમામ ઈમરજન્સી એજન્સીઓને તાત્કાલિક એલર્ટ કરીને સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રાખવામાં આવી હતી.

કોસ્ટ ગાર્ડ સાથે સતત સંકલન

દમણ નજીકના દરિયાઈ વિસ્તારમાંથી મળેલા એલર્ટને પગલે ભારતીય કોસ્ટ ગાર્ડ અને અન્ય સંબંધિત સંરક્ષણ એજન્સીઓ સાથે સતત સંપર્ક રાખીને સમગ્ર વિસ્તારનું મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. સત્તાવાળાઓએ દરિયાઈ વિસ્તાર પર કડક નજર રાખી હતી જેથી કોઈપણ સંભવિત ઘટના બને તો તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.

વિમાનનું સ્થાન હજુ સ્પષ્ટ નહીં

સુરત ATCને એલર્ટ મળ્યા બાદ દેશના અન્ય એરપોર્ટ સાથે પણ સંપર્ક સાધવામાં આવ્યો હતો. જોકે લાંબા સમય સુધી કોઈ એરપોર્ટ પર આ વિમાનના લેન્ડિંગની માહિતી મળી નહોતી. પ્રાથમિક આશંકા મુજબ વિમાન પરત ફરી ગયું હોઈ શકે અથવા ભારતની નજીક આવેલા અન્ય કોઈ દેશમાં સુરક્ષિત રીતે ઉતર્યું હોઈ શકે છે. સત્તાવાળાઓ આ અંગે વધુ માહિતી મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે.

આ પણ વાંચો:
મહેસાણા ATS કેસ : જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 5 શંકાસ્પદ આરોપીઓ 8 દિવસના પોલીસ રિમાન્ડ પર

મુસાફરો પર કોઈ અસર નહીં

આ સમગ્ર હાઈએલર્ટ દરમિયાન સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન સંપૂર્ણપણે સામાન્ય રહ્યા હતા. કોઈપણ ફ્લાઇટ રદ કે વિલંબિત થઈ નહોતી અને મુસાફરોને પણ કોઈ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નહોતો. એરપોર્ટ પ્રશાસને જણાવ્યું કે સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને તમામ એજન્સીઓ સતર્ક રહીને કામગીરી કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now