Home Gujarat Gandhinagar Pre Ipo Instagram Cyber Fraud 69 Lakh

ઈન્સ્ટાગ્રામની IPO જાહેરાતે લેબ ટેકનિશિયનને બનાવ્યા સાયબર ઠગાઈનો શિકાર : ગાંધીનગરની મહિલા સાથે ₹69.63 લાખની ઓનલાઈન છેતરપિંડી

ઈન્સ્ટાગ્રામ પર પ્રી-IPO જાહેરાતના બહાને ગાંધીનગરની મહિલા સાથે થયેલી ઓનલાઈન સાયબર
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 16, 2026, 01:40 PM IST

Gandhinagar News: ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં માઇક્રોબાયોલોજી વિભાગમાં ફરજ બજાવતી મહિલા લેબ ટેકનિશિયન સાથે પ્રી-IPO એલોટમેન્ટના નામે અંદાજે ₹69.63 લાખની ઓનલાઈન છેતરપિંડીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર દેખાયેલી "Tired Of Zero Allotment?" નામની જાહેરાત પર ક્લિક કર્યાના થોડા જ સમયમાં મહિલા સાયબર ગઠિયાઓની જાળમાં ફસાઈ ગઈ હતી. સમગ્ર મામલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધાયો છે.

વોટ્સએપ ગ્રૂપ, PDF અને લિંકથી જીત્યો વિશ્વાસ

જાહેરાતમાં વિગતો ભર્યા બાદ મહિલાને 'IIFL WEALTH MANAGEMENT-5' નામના વોટ્સએપ ગ્રૂપમાં ઉમેરવામાં આવી હતી. અહીં પ્રી-IPO રોકાણ અંગે આકર્ષક માહિતી શેર કરવામાં આવતી હતી. ત્યારબાદ 'યતીન શાહ' નામના વ્યક્તિએ મહિલાનો સંપર્ક કરીને PDF ફાઇલ અને એક લિંક મોકલી હતી. લિંક મારફતે એગ્રીમેન્ટ અને નોમિની ફોર્મ ભરાવી સહી કરાવવામાં આવી હતી તેમજ યુઝરનેમ અને પાસવર્ડ આપીને સમગ્ર પ્રક્રિયાને વિશ્વસનીય હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.

શરૂઆતમાં રૂપિયા પરત આપીને ફસાવ્યા

સાયબર ગઠિયાઓએ શરૂઆતમાં મહિલાને ₹2 લાખ રોકાણ કરવા જણાવ્યું હતું. રોકાણ બાદ નકલી એપમાં નફો દર્શાવવામાં આવ્યો અને વિશ્વાસ જીતવા માટે ₹68 હજાર ઉપાડવાની પણ મંજૂરી આપવામાં આવી હતી. પૈસા પરત મળતા મહિલાને યોજના સાચી હોવાનું લાગ્યું અને ત્યારબાદ તેણે અલગ-અલગ તબક્કે એક્સિસ બેંક, બંધન બેંક અને IDBI બેંકના ખાતાઓમાં કુલ ₹70.31 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરી દીધી.

₹1 કરોડથી વધુ નફો બતાવી વધુ રૂપિયા પડાવ્યા

ઠગોએ નકલી એપમાં મહિલાનું રોકાણ વધીને ₹1.02 કરોડથી વધુનું થયું હોવાનું દર્શાવ્યું હતું. જ્યારે મહિલાએ પોતાની રકમ પરત માંગતા આરોપીઓએ પ્રોફિટ રિલીઝ કરવા માટે 10 ટકા કમિશન તરીકે વધુ ₹10.26 લાખ જમા કરાવવા જણાવ્યું. આ રકમ ચૂકવ્યા બાદ પણ કોઈ પૈસા પરત ન મળતાં અને સતત નવી માંગણીઓ થતાં આખરે મહિલાને સાયબર ફ્રોડનો ભોગ બની હોવાનો અહેસાસ થયો.

1930 હેલ્પલાઇન પર ફરિયાદ, પોલીસે તપાસ શરૂ કરી

છેતરપિંડીનો ભોગ બન્યાની જાણ થતાં મહિલાએ તાત્કાલિક રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ગાંધીનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી સમગ્ર નાણાકીય વ્યવહારો, બેંક ખાતાઓ અને આરોપીઓના ડિજિટલ ટ્રેલની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો
: ઓડિશાના પુરી જગન્નાથ રથયાત્રામાં નાસભાગ : 1 શ્રદ્ધાળુનું મોત; 100થી વધુ ઘાયલ, ભારે વરસાદ વચ્ચે યાત્રા રુટ પર 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ હાજર

સાયબર ક્રાઈમથી બચવા નિષ્ણાતોની સલાહ

સાયબર નિષ્ણાતોના જણાવ્યા મુજબ સોશિયલ મીડિયા પર દેખાતી ઊંચા નફાની જાહેરાતો, પ્રી-IPO એલોટમેન્ટ અથવા ગેરંટીવાળા રિટર્નના દાવાઓથી સાવચેત રહેવું જોઈએ. કોઈપણ રોકાણ કરતા પહેલાં સંબંધિત કંપની અને પ્લેટફોર્મની અધિકૃતતા ચકાસવી, અજાણી લિંક પર ક્લિક ન કરવું તેમજ વ્યક્તિગત દસ્તાવેજો અને બેંક વિગતો અજાણ્યા લોકો સાથે શેર ન કરવી જોઈએ. શંકાસ્પદ વ્યવહાર જણાય તો તાત્કાલિક 1930 હેલ્પલાઇન અથવા નજીકના સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી જોઈએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now