સુરતના સાયણ-હજીરા આઉટર રિંગ રોડ પર અષાઢી બીજના પાવન દિવસે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક યુવતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું છે, જ્યારે તેની બહેનપણી ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ભગવાન જગન્નાથના દર્શન માટે ઇસ્કોન મંદિરે જઈ રહેલી બંને વિદ્યાર્થીનીઓની મોપેડને બેફામ દોડતા ટ્રકે ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન સાથે ફરાર થઈ જતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, કતારગામ વિસ્તારમાં રહેતી 18 વર્ષીય રિયા કુંભાણી અને તેની 20 વર્ષીય બહેનપણી ઉર્વિષા બાંભણિયા બી.કોમમાં અભ્યાસ કરે છે. અષાઢી બીજના અવસરે બંને કોલેજનું કામ પૂર્ણ કર્યા બાદ જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે મોપેડ પર નીકળી હતી. આ દરમિયાન સાયણ-હજીરા આઉટર રિંગ રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે તેમની મોપેડને જોરદાર ટક્કર મારી હતી.
આ પણ વાંચો: ઓડિશાથી ટ્રેનમાં લાવવામાં આવતો 21.40 કિલો પ્રતિબંધિત ગાંજો જપ્ત : સુરત રેલવે સ્ટેશન પાસે SOGની મોટી કાર્યવાહી
ઘટનાસ્થળે જ રિયાનું મોત, ઉર્વિષા ગંભીર
અકસ્માત એટલો ભયાનક હતો કે રિયા કુંભાણીને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ઉર્વિષા બાંભણિયાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બાદમાં તેની સ્થિતિ ગંભીર જણાતા વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
ટ્રક ચાલક ફરાર, પોલીસે તપાસ શરૂ કરી
જહાંગીરપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી જરૂરી પંચનામું સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે તેની સામે બેદરકારીપૂર્વક વાહન હંકારી અકસ્માત સર્જવાનો ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય ટેક્નિકલ પુરાવાના આધારે ફરાર ચાલકને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધરાયા છે.
આ પણ વાંચો: સુરતમાં ફરી રોડ ધસી પડ્યો : ઉધના વિસ્તારમાં ભુવામાં અમૂલનો ટેમ્પો ફસાયો, પાલિકાની કામગીરી સામે ઉઠ્યા સવાલ
ભારે વાહનોના અકસ્માતોને લઈને ઉઠ્યા પ્રશ્નો
તાજેતરના સમયમાં સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વાહનોની અડફેટે આવી જીવ ગુમાવવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વ્યસ્ત માર્ગો પર ટ્રકોની બેફામ દોડ અને ટ્રાફિક નિયમોના પાલન અંગે વારંવાર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આ બનાવ બાદ પણ સ્થાનિકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. લોકો દ્વારા ભારે વાહનોની અવરજવર પર કડક નિયંત્રણ અને અસરકારક ટ્રાફિક અમલવારીની માંગ ઉઠી રહી છે.





