સુરત શહેરમાં માર્ગોની ગુણવત્તા અને સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. ઉધના વિસ્તારમાં ગણેશ ડેરી નજીક અચાનક રોડ ધસી પડતાં મોટો ભુવો સર્જાયો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલો અમૂલના દૂધથી ભરેલો આઇસર ટેમ્પો ભુવામાં ફસાઈ ગયો હતો. ઘટનાને પગલે થોડા સમય માટે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, ટેમ્પો રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક રસ્તો ધસી પડ્યો હતો. જેના કારણે ટેમ્પોના આગળનો ભાગ ભુવામાં ખાબકી ગયો હતો અને વાહન આગળથી ઊંચકાઈ ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ હોવાનું સામે આવ્યું નથી. જોકે, વાહનને નુકસાન પહોંચ્યું હતું અને ટ્રાફિક પર પણ અસર પડી હતી.
આ પણ વાંચો : રાજકોટમાં વધુ એક હિટ એન્ડ રન અકસ્માત : જામટાવર ચોક પાસે ટ્રકની અડફેટે મહિલાનું મોત, પુત્રનો આબાદ બચાવ
15 દિવસ પહેલાં જ થયો હતો રસ્તાનો સમારકામ
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જે સ્થળે ભુવો પડ્યો છે ત્યાં માત્ર 15 દિવસ પહેલાં જ રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું હતું. તેમ છતાં આટલા ટૂંકા સમયમાં ફરી રોડ ધસી પડતાં સુરત મહાનગરપાલિકાની કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
સ્થાનિક રહિશોએ આક્ષેપ કર્યો કે રોડના સમારકામમાં યોગ્ય ગુણવત્તા જાળવવામાં આવી નથી, જેના કારણે થોડા જ દિવસોમાં રસ્તો ફરી બેસી ગયો. તેમણે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.
આ પણ વાંચો : સંખેડાના રામપુરા ગામે જૂની અદાવતમાં યુવકની હત્યા : તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો, આરોપી કલાકોમાં ઝડપાયો
પાલિકાની કામગીરી સામે ઉઠ્યો રોષ
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા હતા અને પાલિકાની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. લોકોનું કહેવું છે કે શહેરમાં વારંવાર રોડ ધસી પડવાની ઘટનાઓ સામે આવી રહી છે, છતાં કાયમી ઉકેલ લાવવા માટે અસરકારક પગલાં લેવામાં આવતા નથી.
ઘટનાની જાણ થતાં સંબંધિત વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. ભુવાની આસપાસ બેરિકેડિંગ કરીને વાહન વ્યવહારને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. સાથે જ ટેમ્પોને બહાર કાઢવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: માથા પર ગંભીર ઈજાઓ, જાનવરનો હુમલો કે અકસ્માત? : પ્રાંતિજમાં યુવકના મોતે ઉભા કર્યા અનેક સવાલ
હાલ રોડ ધસી પડવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક રીતે ભૂગર્ભમાં લાઇન લીકેજ, નબળી ભરાવટ અથવા બિનગુણવત્તાયુક્ત સમારકામ જેવા મુદ્દાઓ પણ તપાસના કેન્દ્રમાં હોવાનું માનવામાં આવે છે.





