Home Gujarat Prantij Vadrad Patiya Youth Body Found Sabarkantha

માથા પર ગંભીર ઈજાઓ, જાનવરનો હુમલો કે અકસ્માત? : પ્રાંતિજમાં યુવકના મોતે ઉભા કર્યા અનેક સવાલ

bike
Published by: Chintan Chavda
Last Updated: Jul 16, 2026, 08:50 AM IST

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં રહસ્યમય સંજોગોમાં એક યુવકનું મોત થતાં અનેક સવાલો ઉભા થયા છે. પ્રાંતિજના વદરાડ પાટિયા નજીક એક યુવકની લાશ વિચિત્ર હાલતમાં મળી આવતાં સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પ્રાંતિજ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

પ્રાથમિક માહિતી મુજબ, મૃતક યુવકના માથાના ભાગે ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. ઉપરાંત ચહેરા અને માથાના ભાગે જાનવરે હુમલો કર્યો હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને પોલીસે વન વિભાગની મદદ પણ લીધી છે, જેથી ઘટનાના તમામ પાસાઓની તપાસ થઈ શકે.

આ પણ વાંચો : સંખેડાના રામપુરા ગામે જૂની અદાવતમાં યુવકની હત્યા : તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો, આરોપી કલાકોમાં ઝડપાયો

અમદાવાદથી બાઈક પર પરત ફરી રહ્યો હતો યુવક

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ પ્રાંતિજ તાલુકાના લાલપુર ગામના રહેવાસી તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ, યુવક અમદાવાદથી બાઈક પર પોતાના ગામ લાલપુર પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન વદરાડ પાટિયા નજીક આ દુર્ઘટના સર્જાઈ હોવાનું અનુમાન છે.

ઘટનાસ્થળેથી યુવકની બાઈક પણ મળી આવી છે. જોકે, બાઈક અને મૃતદેહની સ્થિતિને જોતા માત્ર અકસ્માતથી મોત થયું હોવાનું સ્પષ્ટ કહી શકાય તેવી સ્થિતિ નથી. તેથી પોલીસે અકસ્માત, જાનવરનો હુમલો અથવા અન્ય કોઈ કારણ સહિત તમામ સંભવિત દિશામાં તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો : રાજકોટમાં વધુ એક હિટ એન્ડ રન અકસ્માત : જામટાવર ચોક પાસે ટ્રકની અડફેટે મહિલાનું મોત, પુત્રનો આબાદ બચાવ

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ થશે કારણ સ્પષ્ટ

પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સામે આવે તેવી શક્યતા છે. હાલ પ્રાંતિજ પોલીસ ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી રહી છે તેમજ મૃતકના પરિવારજનો અને અન્ય સંબંધિત લોકોના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે. સાથે જ વન વિભાગના અધિકારીઓ પણ સ્થળનું નિરીક્ષણ કરીને જાનવર દ્વારા હુમલો થયો હતો કે નહીં તે અંગે તપાસ કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now