Patan News: અષાઢ સુદ બીજના પાવન અવસરે પાટણના પ્રસિદ્ધ જગદીશ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની 144મી ભવ્ય રથયાત્રા પરંપરાગત રીતે વાજતે-ગાજતે નીકળી હતી. ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના દર્શન માટે શહેરભરમાં શ્રદ્ધાળુઓનો વિશાળ જનસાગર ઉમટ્યો હતો. શહેરના રાજમાર્ગો પર "જય રણછોડ માખણ ચોર"ના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
ગુજરાતની બીજી અને દેશની ત્રીજી સૌથી મોટી રથયાત્રાનું ઐતિહાસિક મહત્ત્વ
ગુજરાતની બીજા ક્રમની અને દેશની ત્રીજા ક્રમની ગણાતી પાટણની આ ઐતિહાસિક રથયાત્રાને લઈ વહેલી સવારથી જ જગદીશ મંદિર ખાતે ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મંદિર પરિસરમાં કીડીયારું ઊભરાયું હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. શુભ મુહૂર્તમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની પ્રતિમાઓને સુશોભિત ચાંદીના રથોમાં બિરાજમાન કરાયા બાદ મહાઆરતી યોજાઈ હતી.
જનપ્રતિનિધિઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં ટ્રસ્ટ દ્વારા સન્માન
રથયાત્રામાં પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ, હુડકોના ડિરેક્ટર કે.સી. પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ, વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.
₹2.75 લાખની બોલી સાથે હરેશભાઈ જોશીએ સતત 15મી વખત ઉતારી મહાઆરતી
ભગવાનની મહાઆરતીની બોલી દરમિયાન શ્રદ્ધાળુ હરેશભાઈ જોશીએ ₹2.75 લાખની બોલી બોલાવી સતત 15મી વખત ભગવાનની દિવ્ય આરતી ઉતારવાનો લ્હાવો લીધો હતો. સંગીતની મધુર સુરાવલીઓ વચ્ચે યજમાન પરિવાર દ્વારા ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની આરતી ઉતારવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત હજારો ભક્તો ભક્તિભાવમાં લીન બન્યા હતા.
શહેરના રાજમાર્ગો પર ભગવાનના દર્શન માટે ઉમટ્યું માનવ મહેરામણ
ત્યારબાદ રાજકીય આગેવાનોના હસ્તે ત્રણેય રથોને પ્રસ્થાન કરાવવામાં આવ્યા હતા. ભગવાન જગન્નાથજી નગરજનોને દર્શન આપવા શહેરના મુખ્ય માર્ગો પર નીકળતા માર્ગો પર ઠેરઠેર ભાવિકોએ પુષ્પવર્ષા કરી, પૂજા-અર્ચના અને આરતી દ્વારા ભગવાનનું સ્વાગત કર્યું હતું. સમગ્ર યાત્રામાર્ગ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો.
125થી વધુ ઝાંખીઓ અને શૌર્ય પ્રદર્શન બન્યા આકર્ષણનું કેન્દ્ર
રથયાત્રાનું વધુ એક મુખ્ય આકર્ષણ 125થી વધુ સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક ઝાંખીઓ રહી હતી. બાળકો અને યુવાનો વિવિધ પૌરાણિક પાત્રોની વેશભૂષામાં જોડાયા હતા. પટણી સમાજના યુવાનો દ્વારા મલ્લયુદ્ધના દાવપેચ અને ભગવાન પરશુરામના જીવંત પાત્રો રજૂ કરવામાં આવ્યા હતા, જ્યારે વિશ્વ હિન્દુ પરિષદની દુર્ગા વાહિનીની યુવતીઓએ લાઠી અને તલવારબાજીના શૌર્ય પ્રદર્શન કરીને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદ રથયાત્રાનો સૌથી ભાવુક પ્રસંગ : મોસાળ સરસપુરમાં ભરાયું ભગવાનનું મામેરું
ટ્રસ્ટ અને શ્રદ્ધાળુઓએ વ્યક્ત કર્યો આનંદ
જગદીશ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી પીયૂષભાઈ આચાર્યએ જણાવ્યું હતું કે પાટણની રથયાત્રા વર્ષોથી ધાર્મિક પરંપરા, ભક્તિ અને સામાજિક એકતાનું પ્રતિક રહી છે. જ્યારે હરેશભાઈ જોશીએ ભગવાન જગન્નાથજીની આરતી ઉતારવાનો અવસર મળવો પોતાના જીવનનું સૌભાગ્ય ગણાવ્યું હતું.






