અષાઢી બીજના પાવન દિવસે સમગ્ર કચ્છમાં કચ્છી નવા વર્ષની ઉજવણી અને ભગવાન જગન્નાથની રથયાત્રાનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ત્યારે આ ઉજવણી વચ્ચે કચ્છ જિલ્લામાં સતત બે વખત ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ગણતરીની બે મિનિટના અંતરે આવેલા આંચકાઓને કારણે અનેક વિસ્તારોમાં લોકો સાવચેતીના ભાગરૂપે ઘરની બહાર દોડી આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, કચ્છના સરહદી વિસ્તાર ખાવડા અને ઐતિહાસિક ધરોહર માટે જાણીતા ધોળાવીરા પંથકમાં બપોરના સમયે ધરતી ધ્રૂજી હતી. સતત બે આંચકા અનુભવાતા સ્થાનિકોમાં થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો.
આ પણ વાંચો: કૃષિ ક્ષેત્રે ગુજરાતની મોટી સિદ્ધિ : મુખ્યમંત્રી સમક્ષ રજૂ થયો રાષ્ટ્રીય એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ
ખાવડા નજીક 3.6ની તીવ્રતાનો પ્રથમ આંચકો
ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા મુજબ, પ્રથમ ભૂકંપનો આંચકો બપોરે 2:20 કલાકે નોંધાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 માપવામાં આવી હતી. તેનું કેન્દ્રબિંદુ ખાવડાથી અંદાજે 32 કિલોમીટર દૂર નોંધાયું હતું.
ભૂકંપની તીવ્રતા સામાન્ય કરતાં વધુ અનુભવાતા ખાવડા સહિત આસપાસના ગામોમાં પણ લોકોને ધરતી ધ્રૂજ્યાનો અનુભવ થયો હતો. ઘણા લોકો સાવચેતીના ભાગરૂપે ઘરની બહાર નીકળી આવ્યા હતા.
બે મિનિટ બાદ ધોળાવીરા નજીક ફરી ધરતી ધ્રૂજી
પ્રથમ આંચકાના માત્ર બે જ મિનિટ બાદ, બપોરે 2:22 કલાકે કચ્છમાં ભૂકંપનો બીજો આંચકો નોંધાયો હતો. આ વખતે ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી અંદાજે 32 કિલોમીટર દૂર નોંધાયું હતું. બીજા આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 નોંધાઈ હતી.
સતત બે વખત આવેલા આંચકાઓને કારણે સ્થાનિક લોકોમાં ચિંતા જોવા મળી હતી. જોકે, સદનસીબે બંને ભૂકંપમાં કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયાના અહેવાલ સામે આવ્યા નથી.
આ પણ વાંચો: આવી ગયો PM કિસાનના 24 માં હપ્તાની આતુરતાનો અંત! : ક્યારે એકાઉન્ટમાં આવશે રૂપિયા? જાણો તમામ માહિતી
કચ્છ ભૂકંપ સંવેદનશીલ વિસ્તાર
કચ્છ જિલ્લો દેશના સૌથી વધુ ભૂકંપ સંવેદનશીલ વિસ્તારોમાંનો એક માનવામાં આવે છે. વર્ષ 2001ના વિનાશક ભૂકંપ બાદ આ વિસ્તારમાં નાના-મોટા આંચકાઓ સમયાંતરે નોંધાતા રહે છે. ભૂકંપ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આવા હળવા આંચકાઓ ભૂગર્ભમાં ઊર્જાના વિસર્જનનો ભાગ હોઈ શકે છે, તેમ છતાં સતત દેખરેખ રાખવી જરૂરી બને છે.
પ્રશાસન દ્વારા હાલ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તંત્રએ નાગરિકોને અફવાઓથી દૂર રહી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા તેમજ કોઈ અસામાન્ય પરિસ્થિતિ જણાય તો તાત્કાલિક સ્થાનિક તંત્રને જાણ કરવા અપીલ કરી છે.






