Bharuch News: અષાઢી બીજના પાવન અવસરે ભરૂચમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની ભવ્ય રથયાત્રા પરંપરાગત રીતે નીકળી હતી. અંદાજે 250 વર્ષથી પણ વધુ જૂની આ રથયાત્રા ભરૂચની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભાવિકો રથયાત્રામાં જોડાઈ ભગવાનના દર્શનનો લાભ લે છે.
ફૂરજા બંદરેથી શરૂ થઈ હોવાનો સ્થાનિક દાવો
સ્થાનિક ઐતિહાસિક પરંપરા અને ભોઈ સમાજના જણાવ્યા મુજબ ભરૂચની રથયાત્રાની શરૂઆત ફૂરજા બંદરેથી થઈ હતી. એક સમયનું ફૂરજા બંદર દેશ-વિદેશના વેપારનું મહત્વપૂર્ણ કેન્દ્ર હતું, જ્યાં ઓડિશાથી વેપારીઓ અને નાવિકો આવતા હતા. તેમના સંપર્કમાં આવેલા ભોઈ સમાજમાં ભગવાન જગન્નાથ પ્રત્યેની આસ્થા જાગી અને ત્યારબાદ ફૂરજા વિસ્તારમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાનું મંદિર નિર્માણ કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
અમદાવાદની રથયાત્રા સાથે ઐતિહાસિક જોડાણની માન્યતા
સ્થાનિક માન્યતા મુજબ ભરૂચમાં શરૂ થયેલી રથયાત્રાની પરંપરાનો પ્રભાવ બાદમાં અમદાવાદ સુધી પહોંચ્યો હતો. નર્મદા કિનારેથી શરૂ થયેલી આ ધાર્મિક પરંપરા સાબરમતીના કિનારા સુધી પહોંચી હોવાનું સ્થાનિક ઇતિહાસકારો અને ભોઈ સમાજના આગેવાનો જણાવે છે. જોકે, આ દાવા અંગે અલગ-અલગ ઐતિહાસિક અભિપ્રાયો પણ જોવા મળે છે.
શહેરભરમાં ભક્તિમય માહોલ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત
રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતાં ઠેરઠેર ભાવિકો દ્વારા ભગવાનનું પુષ્પવર્ષા અને આરતી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર યાત્રા દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ શકે. ભરૂચ એસપી સહિતના અધિકારીઓ સમગ્ર વ્યવસ્થા પર નજર રાખી રહ્યા હતા.
આ પણ વાંચો: અષાઢી બીજે કચ્છમાં 2 ભુકંપ : માત્ર 3 મિનિટમાં 2 આંચકા, ધ્રુજી ઊઠ્યુ ધોળાવીરા!
પરંપરા અને આસ્થાનું જીવંત પ્રતિક
ભરૂચની આ ઐતિહાસિક રથયાત્રા માત્ર ધાર્મિક પ્રસંગ જ નહીં પરંતુ શહેરની સાંસ્કૃતિક વિરાસતનું પણ પ્રતિક છે. પેઢી દર પેઢી ચાલતી આ પરંપરાને જાળવવામાં સ્થાનિક સમાજ, મંદિર ટ્રસ્ટ અને હજારો ભાવિકો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. દર વર્ષે આ રથયાત્રા ભરૂચના ધાર્મિક જીવનમાં વિશેષ સ્થાન ધરાવે છે.





