Home Gujarat Surat Surat Pal Perfume Trader Kidnap Extortion Three Accused Arrest

સુરતમાં પર્ફ્યુમ વેપારીના અપહરણનો પ્રયાસ નિષ્ફળ : ₹10 લાખની ખંડણી માંગનાર 3 આરોપી ઝડપાયા

surat police
Published by: Chintan Chavda
Last Updated: Jul 16, 2026, 09:37 AM IST

સુરતના અડાજણ-પાલ વિસ્તારમાં પર્ફ્યુમના વેપારીનું અપહરણ કરીને રૂ. 10 લાખની ખંડણી વસૂલવાના કાવતરાનો પાલ પોલીસે ભેદ ઉકેલી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. વેપારીએ હિંમત દાખવી બૂમાબૂમ કરતાં આરોપીઓ પોતાનું કાવતરું સફળ ન થતાં સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ તપાસ અને સતત વોચના આધારે ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પાલ પોલીસના જણાવ્યા મુજબ, પર્ફ્યુમનો વ્યવસાય કરતા જૈમીન સુરેશભાઈ ડોબરિયા પોતાની ઓફિસમાંથી નીચે પાર્કિંગમાં ઉતરી રહ્યા હતા ત્યારે સ્પ્લેન્ડર બાઈક પર બે અજાણ્યા યુવકો આવ્યા હતા. બાઈક પર પાછળ બેઠેલો શખ્સ નીચે ઉતરી વેપારીનું નામ પૂછ્યા બાદ તેના ગળા પાસે ચપ્પા જેવી વસ્તુ બતાવી રૂ. 10 લાખની ખંડણીની માંગ કરી હતી.

આ પણ વાંચો : સંખેડાના રામપુરા ગામે જૂની અદાવતમાં યુવકની હત્યા : તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો, આરોપી કલાકોમાં ઝડપાયો

વેપારીને બાઇક પર બેસાડવાનો પ્રયાસ, પરંતુ હિંમતથી બચી ગયો

આરોપીઓએ વેપારીને ધમકી આપતાં કહ્યું હતું કે, "10 લાખ રૂપિયા આપ અને બાઇક પર બેસી જા." સાથે જ "તેરા ગેમ યશને બજા ડાલા હૈ" જેવી ધમકી પણ ઉચ્ચારી હતી. ત્યારબાદ વેપારીને બળજબરીપૂર્વક બાઈક પર બેસાડીને લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જોકે, વેપારીએ હિંમત દાખવી જોરજોરથી બૂમાબૂમ શરૂ કરી હતી. ઘટના બપોરના સમયે બનતાં આસપાસ લોકોની અવરજવર હતી. લોકો ભેગા થવાની શક્યતા જોઈ બંને હુમલાખોરો ગભરાઈ ગયા અને વેપારીને છોડીને સ્થળ પરથી ફરાર થઈ ગયા.

ગભરાયેલા વેપારીએ ચાર દિવસ બાદ નોંધાવી ફરિયાદ

ઘટના બાદ વેપારી ભારે ગભરાઈ ગયા હતા. શરૂઆતમાં તેઓ પોલીસ ફરિયાદ નોંધાવવા પણ અચકાતા હતા. જોકે, ચાર દિવસ બાદ તેમણે પાલ પોલીસ મથકે પહોંચી સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ઘટનાની ગંભીરતા સમજી તરત જ તપાસ શરૂ કરી હતી. ફરિયાદી આરોપીઓને ઓળખતા ન હોવાથી પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ એકત્ર કર્યા અને અનેક દિવસ સુધી તેમની હિલચાલ પર નજર રાખી હતી.

આ પણ વાંચો : રાજકોટમાં વધુ એક હિટ એન્ડ રન અકસ્માત : જામટાવર ચોક પાસે ટ્રકની અડફેટે મહિલાનું મોત, પુત્રનો આબાદ બચાવ

CCTV અને રેકીથી ખુલ્યો ભેદ

પાલ પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એ. ભટ્ટે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ છેલ્લા ત્રણ દિવસથી વેપારીની રેકી કરી રહ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં બંને શંકાસ્પદ યુવકોની હિલચાલ કેદ થઈ હતી. ત્યારબાદ ટેકનિકલ તપાસ અને બાતમીના આધારે પોલીસે ત્રણ આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.

ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ દેવ અનિલભાઈ પટેલ, યશ રાજેશભાઈ બારૈયા અને યશ દિનેશભાઈ ગળચર તરીકે થઈ છે.

પૂર્વ કર્મચારીએ જ ઘડ્યું હતું કાવતરું

તપાસમાં સૌથી મહત્વનો ખુલાસો એ થયો કે મુખ્ય આરોપી યશ રાજેશભાઈ બારૈયા લગભગ દોઢ વર્ષ પહેલાં ફરિયાદી જૈમીન ડોબરિયાની પર્ફ્યુમની દુકાનમાં નોકરી કરતો હતો. નોકરી દરમિયાન તેને વેપારીના ધંધા અને નાણાકીય લેવડદેવડ વિશે સારી માહિતી હતી.

નોકરી છોડી દીધા બાદ યશ બેરોજગાર હતો. પોલીસના જણાવ્યા મુજબ તેને લાગતું હતું કે વેપારી પાસે મોટી રકમનો વ્યવહાર થતો હોવાથી અપહરણ કરીને સરળતાથી ખંડણી મેળવી શકાય. આ વિચાર સાથે તેણે અન્ય બે સાથીદારોને સાથે રાખીને સમગ્ર કાવતરું રચ્યું હતું.

આ પણ વાંચો: માથા પર ગંભીર ઈજાઓ, જાનવરનો હુમલો કે અકસ્માત? : પ્રાંતિજમાં યુવકના મોતે ઉભા કર્યા અનેક સવાલ

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ નથી, છતાં ગંભીર કાવતરું

પીઆઈ બી.એ. ભટ્ટે જણાવ્યું કે ત્રણેય આરોપીઓ સામે અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી. તેમ છતાં તેમણે ગંભીર પ્રકારનું અપહરણ અને ખંડણીનું કાવતરું ઘડ્યું હતું, જે કાયદા મુજબ સાત વર્ષ સુધીની સજાને પાત્ર ગુનો છે.

હાલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. આરોપીઓએ અગાઉ આવી કોઈ ઘટના આચરી છે કે નહીં, અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ અને ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર અંગે પણ તપાસ ચાલી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now