Home Gujarat Savarkundla Sukanera Dam Narmada Water Arrival Amreli News

સાવરકુંડલાને મળ્યું નર્મદાનું અમૃતજળ : સુકાનેરા ડેમ સુધી પહોંચ્યા નીર, અષાઢી બીજે વરસાદથી ખુશી બમણી

સુકાનેરા ડેમ ખાતે નર્મદાના નીર પહોંચ્યા તેની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jul 16, 2026, 10:05 AM IST

Amreli News: અમરેલી જિલ્લાના સાવરકુંડલા માટે અષાઢી બીજનો પવિત્ર દિવસ બેવડી ખુશીઓ લઈને આવ્યો છે. એક તરફ મેઘરાજાએ વરસાદ વરસાવી લોકોને રાહત આપી, તો બીજી તરફ વર્ષોથી રાહ જોવાતું નર્મદાનું પાણી સુકાનેરા ડેમ અને આંબાની ખોડિયાર સુધી પહોંચતા સમગ્ર પંથકમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાના હેતુથી હાથ ધરાયેલા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ રૂ. 14 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી પાઇપલાઇન મારફતે નર્મદાના નીર પહોંચાડવામાં આવ્યા છે.

નવા નીરને જનપ્રતિનિધિઓએ આવકાર્યું

સુકાનેરા ડેમ ખાતે નર્મદાના પાણીના આગમનને સ્થાનિક લોકો અને જનપ્રતિનિધિઓએ આવકાર્યો હતો. આ પ્રસંગે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ સુકાનેરા ડેમ તેમજ આંબાની ખોડિયાર ખાતે નર્મદાના નીરનું સ્વાગત કર્યું હતું. તેમણે આ પ્રોજેક્ટને સાવરકુંડલાના લોકો માટે ઐતિહાસિક ગણાવી જણાવ્યું કે લાંબા સમયથી શહેર અને આસપાસના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા હતી, જેને ધ્યાનમાં રાખીને આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. સાવરકુંડલા શહેરમાં વર્ષોથી લોકો ભૂગર્ભના પાણી પર નિર્ભર રહ્યા છે. ભૂગર્ભ જળમાં ક્ષારનું પ્રમાણ અને પાણીની ગુણવત્તા અંગે વારંવાર પ્રશ્નો ઊભા થતા રહ્યા છે. આરોગ્ય નિષ્ણાતો પણ શુદ્ધ પીવાના પાણીની ઉપલબ્ધતા પર ભાર મૂકતા રહ્યા છે. આવી સ્થિતિમાં નર્મદાનું શુદ્ધ પાણી શહેર સુધી પહોંચાડવાનો નિર્ણય સ્થાનિક નાગરિકો માટે રાહતરૂપ માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: અષાઢી બીજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : અમરેલીના અનેક ગામોમાં વરસ્યો વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર

14 કરોડના ખર્ચે નખાઈ પાઈપ લાઈન

આ પ્રોજેક્ટ હેઠળ રૂ. 14 કરોડના ખર્ચે આધુનિક પાઇપલાઇન નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે, જેના માધ્યમથી નર્મદાનું પાણી સુકાનેરા ડેમ સુધી પહોંચાડવામાં આવ્યું છે. આગામી સમયમાં આ પાણીનું શુદ્ધિકરણ કરીને સાવરકુંડલા શહેર અને આસપાસના વિસ્તારોમાં પીવાના પાણી તરીકે વિતરણ કરવામાં આવશે. આ યોજના અમલમાં આવતા ઉનાળાની ઋતુમાં પાણીની અછતની સમસ્યા પણ મોટા પ્રમાણમાં હળવી બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મહેશ કસવાલાએ લીઘો શ્રેય

આ પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાલાએ જણાવ્યું હતું કે સાવરકુંડલાના નાગરિકોને સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવું તેમની પ્રાથમિકતા રહી છે. તેમણે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને સાકાર કરવામાં સરકાર અને સંબંધિત વિભાગોના સહયોગનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ તેમણે આ કામગીરીનો શ્રેય લેતાં જણાવ્યું કે સતત પ્રયાસોના પરિણામે આજે નર્મદાનું પાણી સાવરકુંડલા સુધી પહોંચ્યું છે. આ દરમિયાન અષાઢી બીજના પાવન દિવસે સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પણ નોંધાયા હતા. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે વરસાદ આશીર્વાદ સમાન બન્યો છે. વરસાદ અને નર્મદાના નીર. આ બંને ખુશીઓ એકસાથે મળતાં સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ : આજે 31 તાલુકામાં મેઘમહેર; સુરતના કામરેજમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ

ખેડૂતોને થશે ફાયદો

ખેડૂતોનું માનવું છે કે સમયસર પડેલા વરસાદથી ખરીફ પાકની વાવણીને વેગ મળશે, જ્યારે નર્મદાના પાણીથી પીવાના પાણીની ચિંતા પણ ઓછી થશે. સ્થાનિક નાગરિકોએ પણ આ પ્રોજેક્ટને આવકારતાં જણાવ્યું કે શુદ્ધ પાણીની ઉપલબ્ધતા આરોગ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને નર્મદાના પાણીથી શહેરના હજારો લોકોને સીધો લાભ મળશે.

સાવરકુંડલા માટે નર્મદાના નીરનું આગમન માત્ર પાણી પુરવઠાની યોજના નથી, પરંતુ સમગ્ર વિસ્તારના વિકાસ માટેનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. એક તરફ અષાઢી બીજે મેઘરાજાની મહેર અને બીજી તરફ નર્મદાના અમૃતજળનું આગમન. આ બંને પ્રસંગોએ સાવરકુંડલાના લોકો માટે આ દિવસને યાદગાર બનાવી દીધો છે. આગામી સમયમાં આ યોજના સંપૂર્ણ રીતે કાર્યરત બનતાં શહેરના નાગરિકોને નિયમિત અને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી મળી રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now