Gujarat Rain News: ગુજરાતમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. રાજ્યમાં એકસાથે લો-પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ સક્રિય થતાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. અષાઢી બીજના પવિત્ર પર્વે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા 24 કલાકમાં 118 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જ્યારે આજે સવારે સુધી 31 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સુરત જિલ્લાના કામરેજમાં અંદાજે 2 ઇંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને આજે અમદાવાદમાં થન્ડરસ્ટોર્મ, તેજ પવન અને વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવાની અને ખુલ્લા વિસ્તારોમાં અનાવશ્યક અવરજવર ટાળવાની સલાહ આપી છે.
સૌરાષ્ટ્રમાં અષાઢી બીજે મેઘમહેર
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં પણ વરસાદે જોરદાર વાપસી કરી છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ અને વંથલી સહિતના વિસ્તારોમાં સવારથી જ વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. ગીર સોમનાથ જિલ્લાના ઉના, તાલાલા, જાવંત્રી, પાણીકોઠા, વડાલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. અષાઢી બીજના પવિત્ર દિવસે વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા ઘણા દિવસોથી ગરમી અને બફારાથી પરેશાન લોકોને રાહત મળી છે, જ્યારે ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે.
અમરેલી, બગસરા અને નવસારીમાં ખેડૂતોમાં ખુશી
અમરેલી શહેર તેમજ બગસરા પંથકમાં પણ વરસાદે જોરદાર એન્ટ્રી કરી છે. અમરેલી શહેર ઉપરાંત વડેરા, રંગપુર સહિતના ગામોમાં સારા વરસાદથી ખેતરોમાં નવી આશા જાગી છે. ખેડૂતોએ આ વરસાદને ખરીફ પાક માટે લાભદાયક ગણાવ્યો છે.
નવસારી જિલ્લામાં દસ દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થયો હતો. જોકે પ્રારંભિક ઝાપટાં બાદ વરસાદ ધીમો પડતાં ડાંગરની ખેતી કરતા ખેડૂતોમાં ફરી ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે ડાંગરના પાકને હજુ સતત વરસાદની જરૂર છે.
પાટણમાં મધરાતે વરસ્યો વરસાદ
પાટણ જિલ્લામાં લાંબા વિરામ બાદ મધરાત્રિથી વરસાદ શરૂ થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે. પાટણ શહેરમાં અંદાજે 17 મિમી વરસાદ નોંધાયો, જ્યારે સરસ્વતી તાલુકામાં 25 મિમી વરસાદ પડ્યો હતો. હારીજ, સમી અને ચાણસ્મા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને સૂકાઈ રહેલા પાકને નવજીવન મળ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
રાજકોટ, ખેડા અને અરવલ્લીમાં પણ વરસાદી માહોલ
રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સવારથી ધીમીધારે વરસાદ વરસ્યો હતો. બીજી તરફ ખેડા જિલ્લામાં નેશનલ હાઈવે-48 પર ભારે વરસાદને કારણે વાહનોની અવરજવર ધીમી પડી હતી અને વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી.
અરવલ્લીના મોડાસા અને માલપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડતાં સુકાઈ રહેલા પાકને રાહત મળી છે.
આ પણ વાંચો: ગુજરાત ભાજપે 2027 વિધાનસભા ચૂંટણી માટે શરૂ કરી તૈયારીઓ : અમિત શાહની હાજરીમાં કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠક
સિઝનમાં હજુ પણ 28 ટકા વરસાદની ઘટ
રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો હોવા છતાં કુલ સિઝનના વરસાદના આંકડા હજુ ચિંતાજનક છે. ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 162.8 મિમી (6.42 ઇંચ) વરસાદ નોંધાયો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન સામાન્ય રીતે 226.1 મિમી વરસાદ થવો જોઈએ. આ પ્રમાણે રાજ્યમાં હજુ પણ સરેરાશ કરતાં અંદાજે 28 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આગામી દિવસોમાં સારો વરસાદ થશે તો ખેતી અને જળાશયો માટે સ્થિતિ વધુ અનુકૂળ બની શકે છે.






