Mehsana News: ગુજરાત ATS દ્વારા જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammed) સાથે સંકળાયેલા હોવાની શંકાના આધારે ઝડપાયેલા પાંચ આરોપીઓને મહેસાણા જિલ્લાના કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ATSએ અગાઉ ઝડપાયેલા આઠ શંકાસ્પદોની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે આ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. કોર્ટએ ATSની દલીલોને માન્ય રાખી તમામ આરોપીઓના આઠ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ પાંચ શંકાસ્પદો સામે ATSની તપાસ તેજ
પકડાયેલા શંકાસ્પદોમાં બિલાલ આબિદભાઈ શેરા, મહંમદ અયુબ કડીવાલા, મોહમ્મદ પાલનપુરી ઉર્ફે ખળી અયુબ સુણસરા, શફિઅ રઈસ મુખી અને મોહમ્મદહસન હનીફભાઈ કરડીયાનો સમાવેશ થાય છે. ATS હવે તેમના સંપર્કો, પ્રવૃત્તિઓ અને સંગઠન સાથેના સંભવિત સંબંધોની ઊંડાણપૂર્વક તપાસ કરશે.
ટાઈમ બોમ્બ બનાવવાના પ્રયાસની તપાસ
ATSના જણાવ્યા અનુસાર આરોપી મહંમદ અયુબ કડીવાલાએ ટાઈમ બોમ્બ બનાવવાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી સામે આવી છે. તપાસ એ દિશામાં આગળ વધશે કે બોમ્બ બનાવવા માટેનું મટીરિયલ ક્યાંથી મેળવવામાં આવ્યું, તેને ક્યાં સંતાડવામાં આવ્યું અને તેનો ઉપયોગ ક્યાં કરવાનો હતો.
જેહાદી સાહિત્યના સ્ત્રોતની પણ તપાસ
રિમાન્ડ દરમિયાન ATS જૈશ-એ-મોહમ્મદ સાથે સંબંધિત જેહાદી પુસ્તકો આરોપીઓ સુધી કેવી રીતે પહોંચ્યા, કોણે આપ્યા અને હાલ તે પુસ્તકો ક્યાં છુપાવવામાં આવ્યા છે તેની પણ તપાસ કરશે. ડિજિટલ ઉપકરણો, દસ્તાવેજો અને અન્ય પુરાવાઓની ફોરેન્સિક તપાસ પણ હાથ ધરવામાં આવશે.
13 મુદ્દાના આધારે રિમાન્ડ મંજૂર
આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર પી.આર. દંતાણીએ કોર્ટ સમક્ષ કુલ 13 મુદ્દાઓ રજૂ કરીને પોલીસ રિમાન્ડની માંગ કરી હતી. તેમાં આતંકી નેટવર્ક, ડિજિટલ પુરાવા, વિસ્ફોટક સામગ્રી, નાણાકીય વ્યવહારો અને અન્ય સંભવિત કડીઓની તપાસનો સમાવેશ થાય છે. કોર્ટએ રજૂ થયેલી દલીલોને ધ્યાનમાં રાખી પાંચેય આરોપીઓના આઠ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ પણ વાંચો: જંતર-મંતર પર સોનમ વાંગચુકને મળ્યા અરવિંદ કેજરીવાલ : ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની કરી માંગ
તપાસ બાદ વધુ ખુલાસાની શક્યતા
ATSનું માનવું છે કે પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછથી આતંકી નેટવર્ક, સ્થાનિક સંપર્કો અને અન્ય સંભવિત સંડોવણી અંગે મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને અધિકારીઓએ વધુ વિગતો જાહેર કરી નથી.





