Home Gujarat Vadodara Vadodara Ajwa Road Scorpio Dispute Lilaba Nagar Bapod Police

વડોદરાના આજવા રોડ પર સ્કોર્પિયો ચાલકનો આતંક : જૂની અદાવતમાં લોકો પર કાર ચઢાવવાનો પ્રયાસ, પથ્થરમારો થતા અફરાતફરી

સ્કોર્પિયો ચાલકનો આતંક
Published by: OBS Bureau
Last Updated: Jul 17, 2026, 12:18 PM IST

Vadodara News: સંસ્કારી નગરી વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ ગુનેગારો બેફામ બન્યા છે. શહેરના આજવા રોડ પર આવેલી એક સોસાયટીમાં જૂની અદાવતને પગલે સ્કોર્પિયો કારના ચાલકે આતંક મચાવ્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. આ હુમલામાં સ્કોર્પિયો ચાલકે સ્થાનિક લોકો પર ગાડી ચઢાવી દઈ તેમને કચડી નાખવાનો ઓચિંતો પ્રયાસ કર્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ અને ભયનો માહોલ સર્જાયો હતો.

જૂની અદાવતમાં આખી સોસાયટીને બાનમાં લીધી

મળતી માહિતી મુજબ, આ ચકચારી ઘટના આજવા રોડ સ્થિત આવેલા લીલાબા નગરમાં બની હતી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, કોઈ જૂની અદાવત અથવા અંગત અણબનાવને કારણે એક માથાભારે સ્કોર્પિયો ચાલક ફૂલ સ્પીડે સોસાયટીમાં ધસી આવ્યો હતો. તેણે ત્યાં ઉભેલા કેટલાક યુવકો અને સ્થાનિક લોકો પર સીધી જ કાર ચઢાવવાનો ઘાતક પ્રયાસ કર્યો હતો. લોકોએ સમયસૂચકતા વાપરીને પોતાનો જીવ બચાવવા આમ-તેમ દોડવું પડ્યું હતું.

બનાસકાંઠામાં ડ્રગ્સ નેટવર્ક સામે SOGની મોટી કાર્યવાહી : ₹6 કરોડથી વધુની પ્રતિબંધિત ટ્રામાડોલ ગોળીઓ જપ્ત

સ્કોર્પિયો ચાલકના આ ખુલ્લેઆમ આતંકને જોઈને સોસાયટીના યુવકો પણ રોષે ભરાયા હતા. સ્થાનિક યુવકોએ સ્વબચાવમાં અને કાર ચાલકને રોકવા માટે તેની સ્કોર્પિયો ગાડી પર ભારે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પથ્થરમારાને કારણે કારના કાચ તૂટી ગયા હતા અને વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું. હંગામો વધતા આખરે સ્કોર્પિયો ચાલક ગાડી લઈને ત્યાંથી નાસી છૂટ્યો હતો.

ન્યાય મેળવવા ગયેલા ફરિયાદીઓ જ બન્યા ભોગ!

આ જીવલેણ હુમલા બાદ લીલાબા નગરના ભયભીત અને આક્રોશિત રહીશો મોટી સંખ્યામાં ન્યાયની આશા સાથે નજીકના બાપોદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. જોકે, પોલીસ સ્ટેશનમાં બનેલી ઘટનાએ સ્થાનિકોના આક્રોશમાં ઘી હોમવાનું કામ કર્યું હતું.

જામનગરમાં પર્જન્ય યજ્ઞ દરમિયાન જ વરસ્યો વરસાદ : ઇન્દ્રદેવને રિઝવવા માટે કરાઈ વિશેષ પ્રાર્થના

સ્થાનિકોનો ગંભીર આક્ષેપ

"અમે જ્યારે બાપોદ પોલીસ સ્ટેશનમાં સ્કોર્પિયો ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાવવા ગયા, ત્યારે પોલીસે અમારી ફરિયાદ સાંભળવાને બદલે અથવા હુમલાખોરને પકડવાને બદલે ઉલટાનું ન્યાય માંગવા આવેલા ફરિયાદી યુવકોને જ પકડીને લોકઅપમાં બેસાડી દીધા હતા!"

પોલીસની કામગીરી સામે સવાલો

ફરિયાદીઓને જ લોકઅપમાં પૂરી દેવાના પોલીસના આ કથિત વલણથી સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને પોલીસ સ્ટેશન પરિસરમાં જ હોબાળો મચી ગયો હતો. ગુનેગારોને છાવરવામાં આવી રહ્યા છે કે શું? તેવા સવાલો અત્યારે લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. હાલમાં આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ હસ્તક્ષેપ કરે અને લીલાબા નગરના રહીશોને પૂરતી સુરક્ષા સાથે ન્યાય મળે તેવી માંગ પ્રબળ બની છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ સમગ્ર મામલે તપાસ કરી સત્ય બહાર લાવે તે જરૂરી બન્યું છે.

"દીવા-માનતા કરો પણ સારા કર્મ વગર કુદરત સાથ નહીં આપે" : લાખણીમાં અંધશ્રદ્ધા સામે ગર્જ્યા સાંસદ ગેનીબેન ઠાકોર


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now