Home Gujarat Vadodara Vadodara Jarod Monkey Terror Forest Department Captures

વાઘોડિયાના જરોદ ગામમાં દીપડા બાદ હવે 'કપિરાજ'નો આતંક : 4 લોકોને બચકા ભર્યા, આખરે વન વિભાગે પાંજરે પૂર્યા

વનવિભાગના અધિકારીઓ
Published by: Chintan Chavda
Last Updated: Jul 17, 2026, 09:18 AM IST

વડોદરા: વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ ગામમાં છેલ્લા ત્રણ દિવસથી એક આક્રમક વાંદરાએ ભારે આતંક મચાવતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગામના ડેરીવાળા ફળિયા સહિતના વિસ્તારોમાં આ વાંદરાએ અનેક લોકો પર હુમલા કર્યા હતા. ઘટનામાં બે મહિલાઓ અને બે પુરુષો સહિત ચારથી વધુ લોકોને ઇજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આખરે વન વિભાગે પાંજરું ગોઠવી આ વાંદરાને પકડી લેતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

જરોદ ગામમાં છેલ્લા ત્રણ દિવસથી લોકો માટે સામાન્ય જીવન મુશ્કેલ બની ગયું હતું. ગામમાં જ્યાં પણ લોકો દેખાતા ત્યાં વાંદરો હુમલો કરવાનો પ્રયાસ કરતો હોવાથી લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ખાસ કરીને ડેરીવાળા ફળિયા વિસ્તારમાં વાંદરાના હુમલાના બનાવો વધુ નોંધાયા હતા.

આ પણ વાંચો: ચોમાસા વચ્ચે જ વડોદરામાં જળ કટોકટીના એંધાણ : આજવા સરોવર ચિંતાજનક સપાટીએ, અનેક વિસ્તારોમાં ટેન્કર રાજ

બે મહિલાઓ અને બે પુરુષો સહિત ચારથી વધુ લોકો પર હુમલો

સ્થાનિકોના જણાવ્યા મુજબ, આક્રમક બનેલા વાંદરાએ ટૂંકા ગાળામાં જ બે મહિલાઓ અને બે પુરુષો સહિત ચારથી વધુ લોકોને બચકા ભરી ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સતત હુમલાઓને કારણે ગ્રામજનોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું.

ગામના રહેવાસીઓના જણાવ્યા મુજબ, છેલ્લા ત્રણ દિવસ દરમિયાન બાળકોને ઘરની બહાર રમવા મોકલવામાં આવતા નહોતા, જ્યારે વૃદ્ધો અને મહિલાઓ પણ જરૂરી કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા હતા.

આ પણ વાંચો: દાહોદના ઝાલોદમાં કરુણાંતિકા : 23 વર્ષીય માતાએ 3 અને 1.5 વર્ષની દીકરીઓ સાથે લગાવી મોતની છલાંગ!

હાથમાં લાકડીઓ લઈને બહાર નીકળવાની નોબત

વાંદરાના આતંકને કારણે ગામમાં લોકો સુરક્ષા માટે હાથમાં લાકડીઓ અથવા ડંડા રાખીને બહાર નીકળવા મજબૂર બન્યા હતા. ગ્રામજનો સતત ભયના માહોલમાં જીવતા હોવાથી સ્થાનિક સ્તરે વન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

તાજેતરમાં જ વાઘોડિયા તાલુકાના અન્ય વિસ્તારમાં દીપડાના હુમલાની ઘટના સામે આવી હતી. તે પછી આ વાંદરાના આતંકે ગ્રામજનોની ચિંતા વધુ વધારી હતી.

વન વિભાગે પાંજરું ગોઠવી વાંદરાને ઝડપી પાડ્યો

ગ્રામજનોની રજૂઆત બાદ વન વિભાગની ટીમ તાત્કાલિક જરોદ ગામે પહોંચી હતી. વનકર્મીઓએ વાંદરાને સુરક્ષિત રીતે પકડવા માટે લોખંડનું પાંજરું ગોઠવ્યું અને તેમાં ખોરાક મૂકી તેને પાંજરામાં લાવવાનો પ્રયાસ કર્યો હતો.

વન વિભાગની સતત મહેનત બાદ આક્રમક વાંદરો આખરે પાંજરામાં કેદ થયો હતો. વાંદરો પકડાયા બાદ ગ્રામજનોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોએ વન વિભાગની ત્વરિત કામગીરીની પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો: મધ્ય ગુજરાતમાં જળસંકટના એંધાણ : કડાણા-ભાદર ડેમમાંથી સિંચાઈનું પાણી બંધ, ખેડૂતોમાં ચિંતા

વન વિભાગ દ્વારા વાંદરાને યોગ્ય સ્થળે ખસેડવાની અને તેના સ્વાસ્થ્યની તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે જંગલી પ્રાણીઓ જોવા મળે તો તેમની નજીક જવાનું ટાળવું અને તાત્કાલિક વન વિભાગને જાણ કરવી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now