ગાંધીનગર: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ અને નવીન પહેલ કરવામાં આવી છે. GPSCના સચિવ સુધિર પટેલે 'અવસર મોડ્યુલ' શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નવી વ્યવસ્થા હેઠળ GPSCની વિવિધ ભરતી પ્રક્રિયામાં અસફળ રહેલા તેમજ વેઇટિંગ લિસ્ટમાં સ્થાન મેળવનારા ઉમેદવારોને રોજગારીની નવી તકો ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ પહેલનો મુખ્ય હેતુ સ્પર્ધાત્મક પરીક્ષામાં લાયકાત હોવા છતાં સરકારી નોકરી મેળવી શક્યા ન હોય એવા ઉમેદવારોને અન્ય યોગ્ય સંસ્થાઓ સુધી પહોંચાડવાનો છે. સરકારના વિવિધ વિભાગો, જાહેર ક્ષેત્રની સંસ્થાઓ (PSUs) તેમજ ખાનગી કંપનીઓ ઉમેદવારોની લાયકાતના આધારે તેમની માહિતી મેળવી શકશે અને જરૂરિયાત મુજબ રોજગારીની તક આપી શકશે.
ઉમેદવારની સંમતિ બાદ જ શેર થશે માહિતી
GPSC દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઉમેદવારોની વ્યક્તિગત માહિતી તેમની સ્પષ્ટ અને પૂર્વ સંમતિ વિના કોઈપણ સંસ્થા સાથે શેર કરવામાં આવશે નહીં. આ માટે ઉમેદવારોએ GPSC-OJAS પોર્ટલ પર જઈને ઓનલાઈન સંમતિ આપવી પડશે. સંમતિની પ્રક્રિયાને સુરક્ષિત બનાવવા માટે ઉમેદવારના નોંધાયેલા મોબાઇલ નંબર અને ઈ-મેલ આઈડી પર OTP મોકલવામાં આવશે. OTP વેરિફિકેશન પૂર્ણ થયા બાદ જ ઉમેદવારની સંમતિ માન્ય ગણાશે. આ સમગ્ર પ્રક્રિયા ડિજિટલ અને પારદર્શક રીતે અમલમાં મૂકવામાં આવશે.
છેલ્લા પાંચ વર્ષના ઉમેદવારોને મળશે લાભ
GPSCના જણાવ્યા મુજબ આ પહેલનો લાભ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વર્ગ-1 અને વર્ગ-2ની ભરતી પ્રક્રિયામાં ભાગ લેનારા ઉમેદવારોને મળશે. ખાસ કરીને એવા ઉમેદવારો, જેઓ અંતિમ પસંદગીમાં સ્થાન મેળવી શક્યા નથી અથવા વેઇટિંગ લિસ્ટમાં રહ્યા છે, તેઓ માટે આ મોડ્યુલ નવી કારકિર્દીની તકો ઊભી કરી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા માટે વર્ષો સુધી મહેનત કરનારા ઘણા ઉમેદવારો માત્ર મર્યાદિત જગ્યાઓને કારણે પસંદગી મેળવી શકતા નથી. આવા ઉમેદવારોની ક્ષમતા અને અનુભવનો લાભ અન્ય સંસ્થાઓને પણ મળી રહે તે હેતુથી આ મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: રાજકોટ જિલ્લાના પડધરીમાં વીજપોલના વળતરના મુદ્દે ખેડૂતોનું આંદોલન તેજ : 3 દિવસના પ્રતિક ઉપવાસની શરૂઆત
GPSC માત્ર મધ્યસ્થી તરીકે કરશે કામગીરી
GPSCએ સ્પષ્ટ કર્યું છે કે આ સમગ્ર પ્રક્રિયામાં આયોગ માત્ર એક મધ્યસ્થી તરીકે કામગીરી કરશે. ઉમેદવારોની પસંદગી, ભરતી અથવા નિમણૂકની પ્રક્રિયામાં GPSCની કોઈ સીધી ભૂમિકા રહેશે નહીં. ઉમેદવાર અને સંબંધિત સરકારી વિભાગ, જાહેર ક્ષેત્રની સંસ્થા અથવા ખાનગી કંપની વચ્ચેની ભરતી પ્રક્રિયા તેમની પોતાની નીતિ અને નિયમો અનુસાર હાથ ધરવામાં આવશે. આથી GPSC માત્ર લાયક ઉમેદવારો અને રોજગારી આપતી સંસ્થાઓ વચ્ચે એક વિશ્વસનીય સેતુ તરીકે કામ કરશે, જેથી બંને પક્ષોને તેનો લાભ મળી શકે.
'અવસર' મોડ્યૂલમાં મહત્વપૂર્ણ બાબતો
માહિતીની સુરક્ષા (Data Privacy): આયોગ દ્વારા સંસ્થાને આપવામાં આવેલી માહિતીનો ઉપયોગ સંસ્થા રોજગારીનો અવસર આપવા સિવાય બીજા કોઈ હેતુ માટે ઉપયોગ કરી શકશે નહીં તથા તે બીજા કોઈને શેર કરી શકશે નહીં, તેવી સંસ્થા પાસેથી બાંહેધરી લેવામાં આવશે અને ડેટાની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી સંસ્થાની રહેશે. આયોગ દ્વારા ઉમેદવારોના ડેટાની સુરક્ષાનું ચુસ્ત પાલન કરવામાં આવશે. આ પ્લેટફોર્મ પર નોંધાયેલ પાત્ર સંસ્થાઓ સાથે ઉમેદવારની વિગતો જેવી કે ઉમેદવારનું નામ, મોબાઈલ નંબર, ઇમેઇલ આઇડી અને શૈક્ષણિક લાયકાત જ શેર કરવામાં આવશે. આયોગ પાસેથી માહિતી મેળવ્યા બાદ જે તે સંસ્થાને યોગ્ય લાગે તે ઉમેદવારોને સંસ્થાની ભરતી પ્રક્રિયામાંથી પસાર થયા બાદ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
ઉમેદવારની પૂર્વ સંમતિ (Candidate Consent)
આ પ્લેટફોર્મ પર ઉમેદવારની વિગતો તેમની ઈચ્છા અને પૂર્વ સંમતિ બાદ જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ભવિષ્યમાં આવનારી નવીન જાહેરાતો માટે ઉમેદવારો અરજી કરતી વખતે જ GPSC-OJAS પોર્ટલ પર આ અંગે ઓનલાઇન સંમતિ આપી શકશે.
ભૂતકાળની ભરતીના ઉમેદવારો માટે અવસર
આયોગ દ્વારા લેવાયેલી અને છેલ્લા પ(પાંચ) વર્ષમાં પૂર્ણ થયેલી વર્ગ-1 અને વર્ગ-2ની ભરતી પ્રક્રિયાના આખરી પરિણામમાં અસફળ અને પ્રતિક્ષાયાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારો આ યોજનાનો લાભ લઈ શકે તે માટે GPSC-OJAS પોર્ટલ પર 'અવસર' મોડ્યૂલમાં જઇને ઓનલાઇન સંમતિ પત્રક સબમિટ કરી શકશે. ઉમેદવારે જાહેરાત ક્રમાંક તથા કન્ફર્મેશન નંબર આપીને સંમતિ આપવાની રહેશે. ઉમેદવાર જે તે જાહેરાતનું વર્ષ સિલેક્ટ કરતાં તેને તે વર્ષની તમામ જાહેરાતોની વિગતો ઉપલબ્ધ થશે તથા જો ઉમેદવાર કન્ફર્મેશન નંબર ભૂલી ગયા હોય તો તેઓની કન્ફર્મેશન નંબર મેળવવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. કોઈ ઉમેદવારની જગ્યાએ બીજા કોઈ ઉમેદવાર આવી સંમતિ આપી ન શકે તે હેતુથી ઓટીપીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઉમેદવારના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને રજીસ્ટર્ડ ઈ-મેલ આઇ.ડી. પર ઓટીપી જશે અને આ ઓટીપી દાખલ કર્યા બાદ જ સંમતિની પ્રક્રિયા પૂર્ણ થશે.
પાત્રતા માપદંડ
આ પ્લેટફોર્મ પર માત્ર કાયદેસર રીતે સ્થાપિત સરકારી વિભાગો, PSUs અને આયોગ દ્વારા માન્ય રાખેલ ખાનગી કંપનીઓને જ ઉમેદવારોની જરૂરિયાત મુજબ નિયંત્રિત એક્સેસ આપવામાં આવશે.
આયોગની ભૂમિકા 'અવસર' અંતર્ગત ગુજરાત જાહેર સેવા આયોગ માત્ર એક 'માધ્યમ'તરીકે કાર્ય કરશે. આ પ્લેટફોર્મ મારફતે મળનારી ખાનગી કે જાહેર ક્ષેત્રની નોકરીની શરતો, વેતન ધોરણ, સેવા નિયમો કે કાનૂની વિવાદો બાબતે આયોગની કોઈ સત્તાવાર કે કાનૂની જવાબદારી રહેશે નહીં. આયોગ પાસે અવસરના નિયમોમાં ગમે ત્યારે ફેરફાર કરવાની અબાધિત સત્તા રહેશે.
લાયક ઉમેદવારોને આ અંગેની વધુ માહિતી માટે આયોગની સત્તાવાર વેબસાઇટ https://gpsc.gujarat.gov.in અને GPSC-OJAS પોર્ટલ જોતા રહેવા માટે જણાવવામાં આવે છે.





