ગાંધીનગર: ગુજરાત સરકારે જમીન સંબંધિત કાયદાઓમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે આઝાદી બાદ પ્રથમ વખત 75 વર્ષ જૂના ટુકડા ધારા-1947માં વ્યાપક સુધારા કર્યા છે. આ સુધારાઓને રાજ્યપાલ તેમજ રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ હવે તેનો અમલ થશે. સરકારના જણાવ્યા મુજબ આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતો, જમીન ધારકો અને મિલકત ખરીદનારાઓને સીધો લાભ મળશે તેમજ વર્ષોથી ચાલતા અનેક જમીન સંબંધિત વિવાદોનો અંત આવવાની આશા છે. રાજ્ય સરકારનું કહેવું છે કે લાંબા સમયથી ટુકડા ધારા સંબંધિત નિયમોમાં રહેલી અસંગતતા અને વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ જોગવાઈઓને કારણે જમીનના વ્યવહારોમાં મુશ્કેલીઓ ઊભી થતી હતી. નવા સુધારાઓ બાદ સમગ્ર રાજ્યમાં એકસરખી વ્યવસ્થા અમલમાં આવશે, જેના કારણે જમીનના વ્યવહારો વધુ સરળ, પારદર્શક અને ઝડપી બનશે.
1948થી થયેલા તમામ ભંગ થશે નિયમિત
સરકારના સૌથી મહત્વપૂર્ણ નિર્ણયોમાં એક એવો છે કે વર્ષ 1948થી અત્યાર સુધી ટુકડા ધારાના ભંગના તમામ કેસોને કોઈપણ દંડ અથવા પેનલ્ટી વિના નિયમિત (રેગ્યુલરાઈઝ) કરવામાં આવશે. વર્ષોથી આવા કેસોમાં ફસાયેલા ખેડૂતો અને જમીન ધારકોને હવે મોટી રાહત મળશે. અત્યાર સુધી ટુકડા ધારાના ભંગને કારણે અનેક જમીન માલિકોને કાયદાકીય કાર્યવાહી, વિવાદો અને વહીવટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હવે નવા સુધારા બાદ આવા જૂના કેસોના નિરાકરણનો માર્ગ સરળ બનશે.
સમગ્ર રાજ્યમાં 10 ગુંઠાનો એકસમાન નિયમ
રાજ્ય સરકારે સમગ્ર ગુજરાત માટે 10 ગુંઠાનો એકસમાન નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી વિવિધ વિસ્તારોમાં જુદા-જુદા નિયમો હોવાના કારણે જમીનના લે-વેચમાં અનેક પ્રકારની ગૂંચવણ ઊભી થતી હતી. નવા નિયમ બાદ રાજ્યભરમાં એકસરખું માપદંડ લાગુ પડશે, જેના કારણે જમીનના વેચાણ, ખરીદી અને દસ્તાવેજી પ્રક્રિયામાં સરળતા આવશે. સરકારનું માનવું છે કે આ નિર્ણયથી વહીવટી પ્રક્રિયા વધુ સુગમ બનશે અને સ્થાનિક સ્તરે થતા વિવાદોમાં પણ ઘટાડો થશે.
શહેરી વિસ્તારોને મળશે મોટી રાહત
નવા સુધારાનો સૌથી મોટો લાભ શહેરી વિસ્તારોને મળશે. સરકારના નિર્ણય મુજબ હવે શહેરી વિસ્તારો ટુકડા ધારાની અસરથી સંપૂર્ણપણે મુક્ત રહેશે. આ નિર્ણયના કારણે શહેરોમાં બિનખેતી (NA)ની મંજૂરી મેળવવાની પ્રક્રિયા વધુ ઝડપી બનશે. ઉપરાંત બાંધકામ, જમીનના વિકાસ અને મિલકતના લે-વેચના વ્યવહારોમાં પણ ઝડપ આવશે. રિયલ એસ્ટેટ ક્ષેત્રને પણ આ નિર્ણયથી પ્રોત્સાહન મળશે તેવી શક્યતા છે.
ખેડૂતો અને જમીન ધારકોને થશે સીધો લાભ
સરકારના જણાવ્યા મુજબ આ સુધારાનો લાભ રાજ્યના લાખો ખેડૂતો અને જમીન ધારકોને મળશે. વર્ષોથી જમીનના વિવાદોમાં સમય અને નાણાંનો મોટો વ્યય થતો હતો. નવા કાયદાકીય સુધારાઓના કારણે આવા વિવાદોમાં ઘટાડો થશે અને સામાન્ય નાગરિકોને ઝડપી રાહત મળશે. જમીન સંબંધિત કેસોમાં લાંબી કાયદાકીય પ્રક્રિયાના કારણે ખેડૂતોને આર્થિક અને માનસિક તકલીફોનો સામનો કરવો પડતો હતો. હવે પ્રક્રિયા સરળ બનતાં તેઓને પોતાના જમીનના હક્કોનો ઉપયોગ વધુ સરળતાથી કરી શકશે.
આ પણ વાંચો: ગીરમાં સિંહોના વધતા હુમલાથી તંત્ર હરકતમાં : હવે થર્મલ ડ્રોન અને AIથી રાખાશે નજર






