ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસાની ઋતુ શરૂ થતાં જ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના સંભવિત ફેલાવાને રોકવા માટે રાજ્યના આરોગ્ય વિભાગે રાજ્યવ્યાપી અભિયાન તેજ કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં ‘રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ’ અંતર્ગત નિવારક પગલાં યુદ્ધના ધોરણે અમલમાં મૂકવામાં આવ્યા છે. મેલેરિયાના વહેલા નિદાનથી લઈને મચ્છરોના બ્રીડિંગ સ્થળોના નાશ અને ઘર-ઘર સર્વેલન્સ સુધીની કામગીરીને વધુ ગતિ આપવામાં આવી છે.
આરોગ્ય વિભાગના આંકડા મુજબ વર્ષ 2026 દરમિયાન અત્યાર સુધીમાં મેલેરિયાની તપાસ માટે 94 લાખથી વધુ લોહીના નમૂનાઓ લેવામાં આવ્યા છે, જે રાજ્ય માટે નોંધપાત્ર સિદ્ધિ માનવામાં આવી રહી છે. તપાસ દરમિયાન મેલેરિયા પોઝિટિવ આવેલા તમામ 486 દર્દીઓને સરકારી આરોગ્ય તંત્ર દ્વારા સંપૂર્ણપણે નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે. વહેલા નિદાન અને સમયસર સારવારને કારણે ગંભીર પરિસ્થિતિઓ અટકાવવામાં મદદ મળી હોવાનું આરોગ્ય વિભાગનું માનવું છે.
આ પણ વાંચો: સુમુલ ડેરી ચૂંટણી : 16 બેઠકોનું ચિત્ર આજે થશે સ્પષ્ટ; 9 બેઠકો માટે મતગણતરી શરૂ
ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા માટે પણ સઘન દેખરેખ
મેલેરિયા ઉપરાંત ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા જેવા વાયરસજન્ય રોગો સામે પણ આરોગ્ય વિભાગે સઘન દેખરેખ શરૂ કરી છે. રાજ્યની મેડિકલ કોલેજો સાથે સંકળાયેલી 42 હોસ્પિટલોમાં વિશેષ નિદાન કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાં ડેન્ગ્યુ માટે અત્યાર સુધીમાં 65,293 સીરમ સેમ્પલ અને ચિકુનગુનિયા માટે 9,963 સીરમ સેમ્પલની તપાસ કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગનું કહેવું છે કે ચોમાસા દરમિયાન આવા રોગોના કેસોમાં વધારો થવાની શક્યતા રહેતી હોવાથી સમયસર તપાસ અને સારવાર માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે. જિલ્લાઓ અને તાલુકા સ્તરે પણ આરોગ્ય કેન્દ્રોને જરૂરી દવાઓ, ટેસ્ટ કિટ્સ અને તબીબી સાધનસામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
6.51 કરોડ લોકોનું સર્વેલન્સ, 19,500થી વધુ ટીમો મેદાનમાં
રાજ્યભરમાં હાઉસ-ટુ-હાઉસ સર્વેલન્સ અભિયાનના બીજા તબક્કા હેઠળ 19,500થી વધુ આરોગ્ય ટીમોએ 6.51 કરોડથી વધુની વસ્તીને આવરી લીધી છે. આ અભિયાન દરમિયાન ઘેરઘેર જઈને તાવ સહિતના લક્ષણો ધરાવતા લોકોની તપાસ કરવામાં આવી હતી.
સર્વેક્ષણ દરમિયાન મેલેરિયાના 28 નવા કેસો શોધી કાઢવામાં આવ્યા હતા અને તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર વહેલી તકે દર્દીઓની ઓળખ થવાથી રોગના વધુ ફેલાવાને રોકવામાં મદદ મળે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ : IMDએ 48 કલાક માટે આપી મોટી ચેતવણી
29 લાખ બ્રીડિંગ સાઇટ્સનો નાશ, લાખો ઘરોમાં ફોગિંગ
મચ્છરોના પ્રજનનને અટકાવવા માટે રાજ્યભરમાં વ્યાપક સ્વચ્છતા અને નિયંત્રણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 29 લાખથી વધુ મચ્છર ઉત્પત્તિના સ્થળોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. ઉપરાંત, ત્રણ લાખથી વધુ ઘરોમાં ફોગિંગ કરીને મચ્છરોના ઉપદ્રવને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
કાયમી પાણી ભરાઈ રહેતા 4,998 સ્થળોએ મચ્છરના લાર્વાનો નાશ કરતી 'લાર્વીવોરસ' (પોરાભક્ષક) માછલીઓ છોડવામાં આવી છે. આ જૈવિક પદ્ધતિને મચ્છરોના પ્રજનનને રોકવા માટે અસરકારક માનવામાં આવે છે અને તેનો ઉપયોગ લાંબા ગાળાના નિયંત્રણ માટે કરવામાં આવે છે.
સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ ઝુંબેશ
રાજ્યના સંવેદનશીલ ગણાતા 24 જિલ્લાનાં 116 ગામોમાં રહેતી અંદાજે 1.06 લાખની વસ્તીને જંતુનાશક દવાના પ્રથમ રાઉન્ડ હેઠળ આવરી લેવામાં આવી છે. આરોગ્ય વિભાગે જાહેરાત કરી છે કે આ ઝુંબેશનો બીજો રાઉન્ડ 1 ઓગસ્ટ, 2026થી શરૂ કરવામાં આવશે.
આ વિસ્તારોમાં આરોગ્ય કર્મચારીઓ નિયમિત દેખરેખ રાખી રહ્યા છે અને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ સાથે સંકલન કરીને મચ્છરોના પ્રજનન સ્થળો દૂર કરવાની કામગીરી પણ ચાલુ રાખવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ : IMDએ 48 કલાક માટે આપી મોટી ચેતવણી
જનસહભાગિતાથી રોગચાળો રોકવા અપીલ
આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજ્યના તમામ સરપંચો, સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ અને નાગરિકોને મચ્છરજન્ય રોગો સામેની લડતમાં સક્રિય સહભાગી બનવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે માત્ર સરકારી પ્રયાસો પૂરતા નથી, પરંતુ દરેક નાગરિક પોતાના ઘર અને આસપાસ પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખે તે પણ એટલું જ જરૂરી છે.
આરોગ્ય વિભાગે રાજ્યભરમાં મેલેરિયા વિરોધી દવાઓ, જંતુનાશકો અને લાર્વીસાઈડ્સનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવ્યો છે. સાથે જ સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા લોકોને મચ્છરજન્ય રોગોથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે. રાજ્યભરની સ્થિતિ પર દૈનિક, સાપ્તાહિક અને માસિક ધોરણે સતત મોનિટરિંગ કરીને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું પણ વિભાગે જણાવ્યું છે.






