Home Gujarat Banaskantha Tharad Sog Tramadol Drugs Seizure Ndps 2026

બનાસકાંઠામાં ડ્રગ્સ નેટવર્ક સામે SOGની મોટી કાર્યવાહી : ₹6 કરોડથી વધુની પ્રતિબંધિત ટ્રામાડોલ ગોળીઓ જપ્ત

2 આરોપીઓ
Published by: Chintan Chavda
Last Updated: Jul 17, 2026, 11:57 AM IST

બનાસકાંઠાના વાવ-થરાદ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ પ્રતિબંધિત માદક દવાઓના ગેરકાયદે વેપાર સામે મોટી કાર્યવાહી કરતાં કુલ ₹6.89 કરોડથી વધુ કિંમતની ટ્રામાડોલ ગોળીઓનો જથ્થો જપ્ત કર્યો છે. સમગ્ર કાર્યવાહીમાં કુલ 8,060 પ્રતિબંધિત ટ્રામાડોલ ગોળીઓ સાથે અન્ય મુદ્દામાલ મળી કુલ ₹6,89,77,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કેસમાં થરાદના મેડિકલ સ્ટોર સંચાલક સહિત બે આરોપીઓની ધરપકડ કરી એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

વાવ-થરાદ જિલ્લા પોલીસના જણાવ્યા મુજબ, બનાસકાંઠા રેન્જના આઈજી પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરેયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં 'ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે પ્રતિબંધિત માદક દવાઓના ગેરકાયદે વેપાર સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ગોડાઉનમાંથી 7,400 ટ્રામાડોલ ગોળીઓ મળી

DYSP શિલ્પા ભારાઈએ જણાવ્યું કે 15 જુલાઈ, 2026ના રોજ થરાદના માધવ કોમ્પ્લેક્ષના પ્રથમ માળે આવેલા એક ગોડાઉન પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ત્યાંથી કાયદાથી નિયંત્રિત અને પ્રતિબંધિત ટ્રામાડોલની કુલ 7,400 ગોળીઓ મળી આવી હતી. આ દવાઓની કિંમત ₹6,87,13,600 હોવાનું પોલીસનું કહેવું છે. મોબાઇલ સહિત અન્ય મુદ્દામાલ સાથે કુલ ₹6,87,23,600નો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.

તપાસમાં સામે આવ્યું કે આ ગોડાઉન મફાભાઈ નાગજીભાઈ રબારીના કબ્જામાં હતું. આરોપી 'સીકોતેર મેડિકલ' નામની પોતાની ફર્મના લાયસન્સનો કથિત રીતે દુરુપયોગ કરી ડીસામાં આવેલી પટેલ મેડિકલ પાસેથી ટ્રામાડોલ દવાઓ ખરીદતો હતો. જોકે, આ દવાઓ મેડિકલ સ્ટોરમાં રાખવાના બદલે પાછળ આવેલા ગોડાઉનમાં સંગ્રહ કરીને પ્રિસ્ક્રિપ્શન વગર ગ્રાહકોને વેચાણ કરતો હોવાનો આરોપ છે.

આ પણ વાંચો: લો બોલો, હવે ભાજપ સરકાર અમદાવાદની ગટર લાઈનોને પણ બનાવશે ડિજિટલ! : 6 મેગા પ્રોજેક્ટને ₹2,719 કરોડની મંજૂરી, ગુજરાત માટે PM મોદીએ આપ્યાં ₹6475 કરોડ

પૂછપરછમાં સામે આવ્યું વધુ એક નામ

મુખ્ય આરોપીની ધરપકડ બાદ SOG દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં અન્ય વ્યક્તિને પણ ટ્રામાડોલનો જથ્થો સપ્લાય કર્યાની કબૂલાત મળી હોવાનું પોલીસે જણાવ્યું છે. આ માહિતીના આધારે પોલીસે ધાનેરા તાલુકાના ચોથા નેસડા ગામમાં દરોડો યોજ્યો હતો.

ત્યાંથી વિક્રમભાઈ નાગજીભાઈ રાજપૂત પાસેથી વધુ 660 ટ્રામાડોલ ગોળીઓ મળી આવી હતી. આ જથ્થાની કિંમત ₹2,64,000 હોવાનું પોલીસે જણાવ્યું છે. અન્ય મુદ્દામાલ સાથે કુલ ₹2,74,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિક્રમ રાજપૂતની પણ ધરપકડ કરી તેની સામે પણ થરાદ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: 14 દિવસ પૂરા થતાં વધુ 10 દિવસના રિમાન્ડની માંગ : ગુજરાત ATS એ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 8 આતંકીઓને કડી કોર્ટમાં રજૂ કર્યા

બંને કેસમાં કુલ ₹6.89 કરોડનો મુદ્દામાલ જપ્ત

પોલીસના જણાવ્યા મુજબ, બંને કાર્યવાહીમાં કુલ 8,060 પ્રતિબંધિત ટ્રામાડોલ ગોળીઓ મળી આવી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹6,89,77,600 થાય છે. બંને આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

તપાસ એજન્સી હવે આ પ્રતિબંધિત દવાઓનો સપ્લાય ચેઇન, અન્ય ખરીદદારો, સપ્લાયરો અને સંભવિત નેટવર્ક અંગે તપાસ કરી રહી છે. પોલીસનું માનવું છે કે તપાસ આગળ વધતાં આ કેસમાં વધુ મહત્વના ખુલાસા થઈ શકે છે અને અન્ય લોકોની સંડોવણી પણ સામે આવી શકે છે.

આ પણ વાંચો: શું કોરોના ફરી ફેલાઈ રહ્યો છે? : આ રાજ્યમાં 12 નવા કેસ, 4 મોત બાદ આરોગ્ય તંત્ર એલર્ટ; ખાસ વોર્ડ શરૂ

ગુજરાત પોલીસ છેલ્લા કેટલાક સમયથી પ્રતિબંધિત માદક દવાઓના ગેરકાયદે વેપાર સામે સતત ઝુંબેશ ચલાવી રહી છે. તબીબી ઉપયોગ માટે નિયંત્રિત દવાઓનું લાયસન્સ હોવા છતાં તેનો ગેરકાયદે ઉપયોગ અથવા પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ એનડીપીએસ એક્ટ હેઠળ ગંભીર ગુનો ગણાય છે. પોલીસ દ્વારા આવા કેસોમાં સપ્લાય ચેઇન સુધી પહોંચી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા તપાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now