Urban Challenge Fund: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના શહેરી વિકાસને નવી દિશા આપવા શરૂ કરાયેલા અર્બન ચેલેન્જ ફંડ હેઠળ અમદાવાદ શહેરને મોટી ભેટ મળી છે. શહેરના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે 6 મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સને કુલ ₹2,719 કરોડની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં રૂ.6,475 કરોડની સહાયના ભાગરૂપે અમદાવાદ સહિત ગુજરાતના શહેરોને પણ મોટો ફાયદો થવાનો છે. આ પ્રોજેક્ટ્સનો મુખ્ય હેતુ શહેરમાં ગટર વ્યવસ્થા, પાણીનું સ્માર્ટ સંચાલન, ટ્રાફિક મેનેજમેન્ટ અને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નાગરિકોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે.
અમદાવાદમાં અમલમાં આવનારા મુખ્ય પ્રોજેક્ટ્સ
કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સમાં નીચેના મહત્વના કામોનો સમાવેશ થાય છે:
અમદાવાદના જૂના અને જર્જરિત ગટર નેટવર્કનું પુનર્વસન (Rehabilitation)
સમગ્ર શહેર માટે ઈન્ટેલિજન્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ
પશ્ચિમ ઝોન માટે ઈન્ટિગ્રેટેડ સ્લજ મેનેજમેન્ટ ફેસિલિટી
ઈન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ મેનેજમેન્ટ સિસ્ટમ (ITMS) તથા ઓટોમેટેડ ફેર કલેક્શન સિસ્ટમ

ગટર નેટવર્ક બનશે સંપૂર્ણ સ્માર્ટ
આ પ્રોજેક્ટ અમલમાં આવ્યા બાદ અમદાવાદના ગટર નેટવર્કનું આધુનિકીકરણ થશે. વર્ષો જૂની અને નુકસાનગ્રસ્ત ગટર લાઈનોને નવી ટેક્નોલોજીથી મજબૂત બનાવવામાં આવશે, જેના કારણે ગટર ઓવરફ્લો, લીકેજ અને વારંવાર સર્જાતી ગંદકી જેવી સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થવાની આશા છે. સાથે જ સમગ્ર ગટર અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમનું રિયલ-ટાઇમ ડિજિટલ મોનિટરિંગ શક્ય બનશે. સ્માર્ટ સેન્સર અને ડિજિટલ ટેક્નોલોજીની મદદથી ગટર લાઈનમાં ક્યાં સમસ્યા સર્જાઈ છે તેની તાત્કાલિક જાણ થઈ શકશે અને ઝડપી કાર્યવાહી કરી શકાશે.
અમદાવાદ શહેરને થનારા લાભ
1) અમદાવાદ શહેરના ગટર નેટવર્કના રીહેબીલીટેશનથી ગટર ઓવરફ્લો તથા લીકેજ જેવી સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે.
2) સમગ્ર ગટર અને સ્ટોર્મ વોટર સિસ્ટમનું રિયલ-ટાઇમ ડિજિટલ મોનિટરિંગ અને સ્માર્ટ સંચાલન શક્ય બનશે.
3) ગટરનાં સ્લજમાંથી બાયોગેસ અને ગ્રીન એનર્જીના ઉત્પાદનથી પર્યાવરણને અનુકૂળ અને સર્ક્યુલર ઈકોનોમીને પ્રોત્સાહન મળશે.
ગટરના સ્લજમાંથી બનશે બાયોગેસ અને ગ્રીન એનર્જી
આ યોજનાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ ઈન્ટિગ્રેટેડ સ્લજ મેનેજમેન્ટ ફેસિલિટી છે. ગટર શુદ્ધિકરણ પ્રક્રિયામાંથી નીકળતા સ્લજનો વૈજ્ઞાનિક રીતે ઉપયોગ કરીને બાયોગેસ અને ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરવામાં આવશે.
આ પહેલથી કચરાનું અસરકારક સંચાલન થશે, પ્રદૂષણમાં ઘટાડો થશે અને પર્યાવરણમૈત્રી વિકાસને વેગ મળશે. સાથે જ સર્ક્યુલર ઈકોનોમીના મોડલને પણ પ્રોત્સાહન મળશે, જેમાં કચરાને જ ઉપયોગી સંસાધનમાં ફેરવવામાં આવે છે.
આ પણ વાંચોઃ આખરે કેવી રીતે પકડાઈ રામ મંદિરની દાન ચોરી? : રૂ.40,000ની એક ગડ્ડીએ ખોલી કરોડોના કૌભાંડની પોલ
પાણી અને ટ્રાફિક વ્યવસ્થા પણ બનશે સ્માર્ટ
ઈન્ટેલિજન્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા પાણીના વિતરણ અને વપરાશનું ડિજિટલ નિયંત્રણ થશે, જેના કારણે પાણીની બરબાદી ઘટાડવામાં મદદ મળશે. બીજી તરફ, ઈન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ મેનેજમેન્ટ સિસ્ટમ (ITMS) અને ઓટોમેટેડ ફેર કલેક્શન સિસ્ટમના અમલથી ટ્રાફિકનું વધુ કાર્યક્ષમ સંચાલન થશે તેમજ જાહેર પરિવહન સેવાઓ વધુ આધુનિક અને સરળ બનશે.
અમદાવાદને મળશે લાંબા ગાળાનો લાભ
આ તમામ પ્રોજેક્ટ્સના અમલ બાદ શહેરમાં સ્વચ્છતા, પાણી વ્યવસ્થાપન, ટ્રાફિક નિયંત્રણ અને ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોમાં ગુણાત્મક સુધારો જોવા મળશે. ડિજિટલ ટેક્નોલોજી આધારિત આ પ્રોજેક્ટ્સ અમદાવાદને વધુ આધુનિક, પર્યાવરણમૈત્રી અને સ્માર્ટ શહેર તરીકે વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.






