સાસણ (ગીર): ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી સિંહોના માનવ પર વધતા હુમલાની ઘટનાઓને પગલે વન વિભાગ હરકતમાં આવ્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સાસણ ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. મુખ્ય વન સંરક્ષક (PCCF) બી.પી. પતિની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા માટે નવી વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત સંબંધિત અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન સિંહો અને દીપડાઓની વધતી અવરજવર, માનવ વસાહતોની નજીક તેમની હાજરી અને તેના કારણે ઊભી થતી સુરક્ષાની સ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. વન વિભાગે હવે પરંપરાગત પેટ્રોલિંગ સાથે અદ્યતન ટેકનોલોજીનો વધુ અસરકારક ઉપયોગ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.
થર્મલ ડ્રોન અને AI આધારિત મોનિટરિંગ પર ભાર
જૂનાગઢ વાઈલ્ડ લાઈફ સર્કલના મુખ્ય વન સંરક્ષક (CF) ડો. રામ રતન નાલાએ જણાવ્યું કે, વન વિભાગ હવે સિંહ અને દીપડાની હિલચાલ પર વધુ અસરકારક રીતે નજર રાખવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરશે.
આ યોજના હેઠળ થર્મલ ડ્રોન, પ્રી-એલાર્મિંગ સિસ્ટમ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત મોનિટરિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. થર્મલ ડ્રોન રાત્રિના સમયે પણ વન્ય પ્રાણીઓની હિલચાલ શોધી શકશે, જ્યારે AI આધારિત સિસ્ટમ સિંહો અને દીપડાઓના ગતિવિધિના પેટર્નનું વિશ્લેષણ કરીને જોખમી વિસ્તારો અંગે અગાઉથી ચેતવણી આપવામાં મદદરૂપ બનશે. વન વિભાગનું માનવું છે કે આ ટેકનોલોજીનો ઉપયોગ વધારવાથી વન્ય પ્રાણીઓની હિલચાલ અંગે સમયસર માહિતી મળશે અને માનવ વસાહતોને અગાઉથી સાવચેત કરી શકાશે.
આ પણ વાંચો: GPSCના હજારો ઉમેદવારો માટે મોટા સમાચાર : હવે અસફળ ઉમેદવારોને પણ મળશે રોજગારીની તક
વધતા હુમલાથી ગ્રામજનોમાં ચિંતા
ગીરની બોર્ડર પર આવેલા અનેક ગામોમાં છેલ્લા કેટલાક સમયથી સિંહોની અવરજવર વધી હોવાના અહેવાલો સામે આવ્યા છે. કેટલીક ઘટનાઓમાં સિંહોએ માનવ પર હુમલો કરતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને વહેલી સવારે અને મોડી સાંજે ખેતરમાં જતા ખેડૂતો તેમજ પશુપાલકોમાં ચિંતા વધી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે સિંહો હવે માત્ર જંગલ પૂરતા મર્યાદિત રહ્યા નથી, પરંતુ ગામોની સીમા સુધી આવી રહ્યા છે. જેના કારણે દૈનિક જીવન અને ખેતીના કામકાજ પર પણ અસર પડી રહી છે.
હાઈટેક યોજનાઓ કેટલી અસરકારક રહેશે?
વન વિભાગે ટેકનોલોજી આધારિત મોનિટરિંગ સિસ્ટમ અમલમાં મૂકવાનો નિર્ણય જાહેર કર્યો છે, પરંતુ સ્થાનિક લોકોમાં હજુ પણ અનેક સવાલો છે. ગ્રામજનોનું માનવું છે કે માત્ર ટેકનોલોજી પૂરતી નથી, પરંતુ મેદાનમાં વન વિભાગની ઝડપી કામગીરી, સતત પેટ્રોલિંગ અને સમયસર ચેતવણી પણ એટલી જ જરૂરી છે. ઘણા લોકોનું કહેવું છે કે જો જોખમી વિસ્તારોમાં અગાઉથી સચોટ માહિતી અને ચેતવણી મળી રહે તો અકસ્માતો અને હુમલાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો શક્ય બની શકે છે. જોકે, આ નવી વ્યવસ્થા વાસ્તવમાં કેટલી અસરકારક સાબિત થશે તે તેના અમલીકરણ પર નિર્ભર રહેશે.
આ પણ વાંચો: 28 વર્ષ સુધી પોલીસને ચકમો આપતો ચોરીનો આરોપી ઝડપાયો : સુરત ક્રાઈમ બ્રાંચે દિલ્હીથી દબોચ્યો





