અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરાનું સોશિયલ મીડિયા મારફતે ઓનલાઈન જાતીય શોષણ કરવાના ગંભીર કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ સોશિયલ મીડિયા પર પોતાની ઓળખ હિન્દુ યુવક તરીકે આપી સગીરાનો વિશ્વાસ જીત્યો હતો અને બાદમાં તેને બ્લેકમેલ કરી અશ્લીલ વીડિયો કોલ તેમજ શારીરિક સંબંધ માટે દબાણ કર્યું હતું. પોલીસે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાંથી આરોપીની ધરપકડ કરી છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ અને જિલ્લા પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. સગીરાઓ સામે થતા ગુનાઓને રોકવા માટે ચાલી રહેલી વિશેષ કામગીરી દરમિયાન આ કેસનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: $857,600માં વેચાઇ ચંદ્ર પર જીવ બચાવનાર પ્લાસ્ટિક પેન : આ પેન ના હોત તો, મૃત્યુ પામ્યાં હોત નીલ આર્મસ્ટ્રોંગ, જાણો કઈ રીતે પેને બચાવ્યું હતું આખું ચંદ્ર મિશન
'સોનુ' નામથી બનાવી હતી ખોટી ઓળખ
પોલીસ તપાસ મુજબ, ફેબ્રુઆરી 2026 દરમિયાન 'Achat' નામની મેસેજિંગ એપ્લિકેશન મારફતે આરોપીએ 'સોનુ' નામથી પ્રોફાઇલ બનાવી સગીરાનો સંપર્ક કર્યો હતો. તેણે પોતાની ઉંમર 23 વર્ષ અને પોતે હિન્દુ તથા અવિવાહિત હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ વોટ્સએપ પર સંપર્ક વધારી છેલ્લા બે મહિનાથી સગીરા પર અવારનવાર ન્યૂડ વીડિયો કોલ કરવા અને રૂબરૂ મળી શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવતું હતું.
પોલીસના જણાવ્યા મુજબ, સગીરાએ ના પાડતાં આરોપીએ તેની અંગત તસવીરો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. વધુમાં તેણે કપટપૂર્વક સગીરાના જીમેલ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના પાસવર્ડ મેળવી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નજર રાખી અને પોતાની સૂચના મુજબ વર્તવા માટે દબાણ કર્યું હતું.
આ પણ વાંચો: ભરતી દરમ્યાન જંબુસરના દરિયાકાંઠે પહોંચ્યો લાલ રંગનો Navigation Buoy : લોકોમાં ભારે કૂતૂહલતા! શું આ છે કોઈ મોટા ખતરાનો સંકેત
પરિણીત હોવા છતાં ખોટી ઓળખ આપી હોવાનો આરોપ
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આરોપી વાસ્તવમાં મુસ્લિમ સમાજનો પરિણીત વ્યક્તિ છે અને તેને એક સંતાન પણ છે. જોકે, સગીરાનો વિશ્વાસ જીતવા માટે તેણે પોતાની ધાર્મિક ઓળખ અને વૈવાહિક સ્થિતિ છુપાવી પોતાને હિન્દુ અને કુંવારા યુવક તરીકે રજૂ કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, આ રીતે ખોટી ઓળખ ઉભી કરી સગીરાનું જાતીય શોષણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સગીરાએ સમગ્ર ઘટના અંગે પોતાની માતાને જાણ કરતાં કણભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS), પોક્સો એક્ટ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
ટેક્નિકલ સર્વેલન્સથી આરોપીની ધરપકડ
પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને સાયબર એનાલિસિસના આધારે આરોપીનું લોકેશન શોધી કાઢી મધ્યપ્રદેશના ગ્વાલિયરથી બિટ્ટુખાન ઉર્ફે 'સોનુ' નુરહીશખાન (ઉંમર 25 વર્ષ)ની ધરપકડ કરી હતી. સમગ્ર કામગીરીમાં કણભા પોલીસ, અસલાલી પોલીસ અને એલસીબીની સંયુક્ત ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચો: આખરે કેવી રીતે પકડાઈ રામ મંદિરની દાન ચોરી? : રૂ.40,000ની એક ગડ્ડીએ ખોલી કરોડોના કૌભાંડની પોલ
પોલીસે વાલીઓ અને વિદ્યાર્થીઓને કરી અપીલ
આ કેસ બાદ કણભા પોલીસે વાલીઓ અને વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્લિકેશન પર અજાણ્યા લોકો સાથે મિત્રતા કરતી વખતે સાવચેતી રાખવા અપીલ કરી છે. પોલીસે જણાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિની ઓળખ, ઉંમર અથવા અન્ય વિગતોની ખાતરી કર્યા વિના વિશ્વાસ ન કરવો, સોશિયલ મીડિયા એકાઉન્ટના પાસવર્ડ કોઈની સાથે શેર ન કરવા અને બ્લેકમેલ અથવા ધમકી મળે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. પોલીસે વાલીઓને બાળકોના મોબાઇલ ઉપયોગ પર નિયમિત નજર રાખવા અને તેમની સાથે ખુલ્લી ચર્ચા કરવાની પણ સલાહ આપી છે.
નોંધનીય છે કે આ કેસમાં ભોગ બનનાર સગીરાની ઓળખ પોક્સો એક્ટ અને કિશોર ન્યાય અધિનિયમની જોગવાઈઓ મુજબ ગુપ્ત રાખવામાં આવી છે. પોલીસની તપાસ હજુ ચાલુ છે અને કેસ સંબંધિત વધુ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ સામે આવી શકે છે.





