Home Gujarat Ahmedabad Amc Action Amraiwadi Snacks Distributor Stop Sale 1500kg

અમદાવાદમાં AMCની મોટી કાર્યવાહી : 75 હજાર સ્નેક્સ પેકેટનું વેચાણ બંધ, અમરાઈવાડીનું એકમ સીલ

Ahmedabad News
Published by: OBS Bureau
Last Updated: Jul 17, 2026, 01:38 PM IST

Ahmedabad News: અમદાવાદમાં ખાદ્ય સુરક્ષાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આરોગ્ય વિભાગે વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. બાપુનગર વિસ્તારમાંથી અગાઉ લેવામાં આવેલા "બચ્ચો કા પાસ્તા" નામના સ્નેક્સના નમૂનામાં પ્રતિબંધિત ઓઇલ સોલ્યુબલ ડાઈ (Oil Soluble Dye) મળી આવતા તેની તપાસને આગળ વધારવામાં આવી હતી. આ તપાસના આધારે ગુરુવારે અમરાઈવાડી વિસ્તારમાં આવેલા એક સ્નેક્સ વિતરક એકમ પર દરોડા સમાન તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં આશરે 75 હજાર સ્નેક્સ પેકેટનું વેચાણ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવ્યું છે.

AMCના આરોગ્ય વિભાગના ફૂડ વિભાગે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ દરમિયાન મળેલા જથ્થામાં વિવિધ પ્રકારના સ્નેક્સનો સમાવેશ થાય છે અને તે સબસ્ટાન્ડર્ડ અથવા અસુરક્ષિત હોવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વેચાણ રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેચાણ માટે રાખવામાં આવેલા અંદાજે 1,500 કિલોગ્રામ જેટલા સ્નેક્સનો જથ્થો સ્ટોપ સેલ હેઠળ લેવામાં આવ્યો છે, જેની અંદાજિત બજાર કિંમત લગભગ રૂ. 3.75 લાખ જેટલી હોવાનું જણાવાયું છે.

ગુજરાત ATSની મોટી કાર્યવાહી : કડી કોર્ટમાં 8 શંકાસ્પદ આતંકીઓ રજૂ કરાયા, 5 આરોપીના વધુ 7 દિવસના રિમાન્ડ મંજૂર

અમન સેલ્સ એજન્સીનું એકમ સીલ

ફૂડ વિભાગની તપાસ અમરાઈવાડી સ્થિત અમન સેલ્સ એજન્સી, સી-69/1202, શિવાનંદનગર, નાગરવેલ હનુમાન મંદિર નજીક આવેલી વિતરણ એજન્સીમાં કરવામાં આવી હતી. વિભાગના જણાવ્યા મુજબ આ એકમમાંથી વિવિધ બ્રાન્ડના સ્નેક્સનું વિતરણ કરવામાં આવતું હતું. તપાસ દરમિયાન મોટી માત્રામાં સ્નેક્સનો જથ્થો મળી આવતા સમગ્ર એકમને સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે.

AMCએ અગાઉ "બચ્ચો કા પાસ્તા"ના નમૂનામાં પ્રતિબંધિત રંગનો ઉપયોગ થયેલો હોવાનું જાહેર આરોગ્ય પ્રયોગશાળાની તપાસમાં સામે આવ્યા બાદ સંબંધિત ઉત્પાદક સામે દંડાત્મક તેમજ Food Safety and Standards Act, 2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારબાદ સપ્લાય ચેઇનની તપાસ દરમિયાન આ વિતરણ એકમ સુધી પહોંચવામાં આવ્યું હતું.

સાત ખાદ્ય નમૂનાઓ લેબમાં તપાસ માટે મોકલાયા

તપાસ દરમિયાન અધિકારીઓએ કુલ સાત અલગ-અલગ પ્રકારના ખાદ્ય ઉત્પાદનોના નમૂનાઓ એકત્ર કરીને જાહેર આરોગ્ય પ્રયોગશાળામાં વિશ્લેષણ માટે મોકલ્યા છે. તેમાં કેચ-અપ કચોરી, સોયા ચીપ્સ, બચ્ચો કા પાસ્તા, બિલુ પોપ કોર્ન, પાસ્તા કા નાસ્તા, મસ્તી કી પાઠશાલા નમકીન તેમજ ગ્રીન એપલ ફ્લેવરની સુગર બોઇલ્ડ કન્ફેક્શનરીનો સમાવેશ થાય છે. હવે આ તમામ નમૂનાઓના લેબોરેટરી રિપોર્ટના આધારે નક્કી થશે કે ઉત્પાદનો ફૂડ સેફ્ટીના ધોરણોને અનુરૂપ છે કે નહીં. જો નમૂનાઓમાં ખામી અથવા પ્રતિબંધિત તત્ત્વો મળી આવશે તો સંબંધિત ઉત્પાદક અને વિતરક સામે વધુ કડક કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

બાવળા પોલીસની મોટી કાર્યવાહી : વાડામાંથી નશાકારક કફ સીરપનો વાણિજ્યિક જથ્થો ઝડપાયો, બે આરોપીની ધરપકડ

સિદ્ધપુરના ઉત્પાદન એકમ સુધી પહોંચી તપાસ

તપાસ દરમિયાન પ્રાપ્ત વિગતો અનુસાર આ ઉત્પાદનોનું ઉત્પાદન પાટણ જિલ્લાના સિદ્ધપુર નજીક સુજાનપુર હાઈવે પર આવેલી ધારીવાલા ફૂડ્સ નામની ઉત્પાદન એકમમાં થતું હોવાનું સામે આવ્યું છે. AMCએ આ માહિતી રાજ્ય સરકારના સંબંધિત ફૂડ સેફ્ટી અધિકારીઓને મોકલી આપી છે જેથી ઉત્પાદન એકમ સામે પણ જરૂરી તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શકાય. આ કાર્યવાહીથી માત્ર વિતરણ એકમ પૂરતી તપાસ મર્યાદિત ન રહેતા સમગ્ર ઉત્પાદન અને સપ્લાય ચેઇનની તપાસ કરવામાં આવી રહી હોવાનું સ્પષ્ટ થાય છે. જો ઉત્પાદન એકમમાં પણ ખાદ્ય સુરક્ષાના નિયમોનો ભંગ થયો હોવાનું સામે આવશે તો રાજ્ય સ્તરે પણ કાર્યવાહી થઈ શકે છે.

પ્રતિબંધિત ડાઈ કેમ જોખમી માનવામાં આવે છે?

ખાદ્ય પદાર્થોમાં ઓઇલ સોલ્યુબલ ડાઈનો ઉપયોગ ભારતીય ફૂડ સેફ્ટી ધોરણો હેઠળ પ્રતિબંધિત છે. આવા રંગોનો ઉપયોગ ખાદ્ય પદાર્થોને આકર્ષક દેખાવ આપવા માટે કરવામાં આવતો હોય છે, પરંતુ તે આરોગ્ય માટે નુકસાનકારક બની શકે છે. ખાસ કરીને બાળકોમાં આવા પદાર્થોના લાંબા ગાળાના સેવનથી આરોગ્ય પર પ્રતિકૂળ અસર થવાની શક્યતા રહેતી હોવાથી નિયમનકારી સંસ્થાઓ આવા મામલાઓને ગંભીરતાથી લે છે. ખાદ્ય સુરક્ષા નિષ્ણાતો વારંવાર સલાહ આપે છે કે ગ્રાહકોએ પેકેટબંધ નાસ્તા ખરીદતી વખતે ઉત્પાદક, લેબલિંગ, લાઇસન્સ નંબર અને ગુણવત્તા સંબંધિત વિગતો ચકાસવી જોઈએ. જો કોઈ ખાદ્ય પદાર્થની ગુણવત્તા અંગે શંકા હોય તો તેની જાણ સંબંધિત સત્તાધિકારીને કરવી જોઈએ.

બિટ્ટુખાને 'સોનું' બની સગીરાનું કર્યું ઓનલાઈન જાતીય શોષણ : ગણતરીના કલાકોમાં ઝડપાયો આરોપી, હિન્દુ ઓળખ આપી મિત્રતા કર્યાનો આરોપ

AMCની ચેતવણી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા કોઈપણ ખાદ્ય ઉત્પાદક, વિતરક અથવા વેપારી સામે Food Safety and Standards Act, 2006 તેમજ GPMC Act હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વિભાગે જણાવ્યું છે કે શહેરમાં નિયમિત સેમ્પલિંગ અને નિરીક્ષણની કામગીરી આગળ પણ ચાલુ રહેશે જેથી અસુરક્ષિત ખાદ્ય પદાર્થો બજારમાં પહોંચતા અટકાવી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now