FIFA World Cup 2026 : ફૂટબોલના સૌથી મોટા મહાકુંભ એટલે કે FIFA World Cup 2026 માટે ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ પોતાની કમર કસી લીધી છે. મુખ્ય કોચ લિયોનેલ સ્કેલોનીએ આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ માટે 26 સભ્યોની મજબૂત ટીમની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ વખતે પણ ટીમની કમાન દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સીના હાથમાં સોંપવામાં આવી છે. ગત ટર્મની વિજેતા ટીમ આ વખતે પણ પોતાના ટાઇટલને ડિફેન્ડ કરવાના મજબૂત ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.
મેસ્સી સંભાળશે કમાન
આગામી ફિફા વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાની ટીમ લિયોનેલ મેસ્સીના પ્રભાવશાળી નેતૃત્વ હેઠળ રમશે. આ જાહેરાત બાદ આર્જેન્ટિના સહિત દુનિયાભરના મેસ્સીના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે, મેસ્સીના કરિયરનો આ છઠ્ઠો વર્લ્ડ કપ હશે. ટીમની ફોરવર્ડ લાઇન એટલે કે આક્રમણની જવાબદારી મેસ્સીની સાથે ઇન્ટર મિલાનના સ્ટાર લૌટારો માર્ટિનેઝ અને એટ્લેટિકો મેડ્રિડના જુલિયન અલ્વારેઝ પર રહેશે.
યુવા ખેલાડીઓને તક
આર્જેન્ટિનાના મુખ્ય કોચ લિયોનેલ સ્કેલોનીએ આ વખતે મોટો નિર્ણય લેતા ટીમમાં સંતુલન જાળવવા માટે કેટલાક નવા અને પ્રતિભાશાળી ચહેરાઓને સ્થાન આપ્યું છે. ટીમમાં સામેલ થયેલા નવા યુવા ખેલાડીઓમાં વેલેન્ટિન બાર્કો, જોસ મેન્યુઅલ લોપેઝ અને નિકો પાઝ જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે, જેઓ વર્લ્ડ કપના મોટા મંચ પર પોતાનો દમ બતાવવા માટે તૈયાર છે.
એશિયન U-20 એથ્લેટિક્સમાં વલસાડના રાહુલે ભારતનો 'વટ રાખ્યો'!: ડેકાથલોનમાં ગોલ્ડ સાથે બનાવ્યો રાષ્ટ્રીય રેકોર્ડ
ખેલાડીઓની ફિટનેસ ચિંતા
કેપ્ટન મેસ્સીને ટીમમાં સામેલ તો કરાયા છે પરંતુ હાલ તેમની ફિટનેસ ચિંતાનો વિષય છે. તાજેતરમાં જ ઇન્ટર મિયામી વતી રમતી વખતે ઈજાના કારણે તેમણે મેદાન છોડવું પડ્યું હતું. ક્લબના જણાવ્યા મુજબ મેસ્સી હેમસ્ટ્રિંગના થાકથી પીડાઈ રહ્યો છે. આ સિવાય ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝ આંગળીના ફ્રેક્ચરથી અને ડિફેન્ડર ક્રિશ્ચિયન રોમેરો ઘૂંટણની ઈજા સામે ઝઝૂમી રહ્યા છે. કોચ સ્કેલોનીએ જણાવ્યું કે, મેડિકલ ટીમ આ તમામ ખેલાડીઓની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
મોટા નામો બહાર
આ વખતના ટીમ સિલેક્શનમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, 2022 નો વર્લ્ડ કપ જીતનારી ટીમના 9 મહત્વના ખેલાડીઓને આ વર્ષની ટીમમાં સ્થાન મળ્યું નથી. આ બહાર થયેલા ખેલાડીઓમાં એન્જલ ડી મારિયા, પાઉલો ડાયબાલા, માર્કોસ એકુના અને ફ્રાન્કો અરમાની જેવા દિગ્ગજ ફૂટબોલરોના નામ સામેલ છે.
Lionel Messiના જીવનમાં છે આ ખાસ નંબરનો જાદુ: અપાવે છે અઢળક સંપત્તિ અને પ્રસિદ્ધિ
મેચનું ટાઇમ ટેબલ
ફૂટબોલનો આ રોમાંચક મહાકુંભ 11 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે. આર્જેન્ટિના ટૂર્નામેન્ટમાં પોતાની સફરની શરૂઆત 17 જૂન 2026 ના રોજ અલ્જેરિયા સામે રમીને કરશે. આ ઓપનિંગ મેચ બાદ આર્જેન્ટિનાની આગામી ટક્કર ઑસ્ટ્રિયા અને જોર્ડનની મજબૂત ટીમો સામે થશે.
આર્જેન્ટિનાની સ્ક્વોડ
ગોલકીપર્સ : એમિલિયાનો માર્ટિનેઝ, ગેરોનિમો રુલી, જુઆન મુસો
ડિફેન્ડર્સ : લિયોનાર્ડો બાલેર્ડી, નિકોલસ ટાગ્લિયાફિકો, ગોન્ઝાલો મોન્ટીલ, લિસાન્ડ્રો માર્ટિનેઝ, ક્રિસ્ટિયન રોમેરો, નિકોલસ ઓટામેન્ડી, ફેકુન્ડો મેડિના, નાહુએલ મોલિના
મિડફિલ્ડર્સ : લીએન્ડ્રો પેરેડેસ, રોડ્રિગો ડી પોલ, વેલેન્ટિન બાર્કો, જીઓવાની લો સેલ્સો, એક્ઝિકેલ પેલેસીઓસ, એલેક્સિસ મેક એલિસ્ટર, એન્ઝો ફર્નાન્ડીઝ
ફોરવર્ડ્સ : જુલિયન આલ્વારેઝ, લિયોનેલ મેસ્સી, નિકો ગોન્ઝાલેઝ, થિયાગો અલ્માડા, જિયુલિયાનો સિમોન, નિકો પાઝ, જોસ મેન્યુઅલ લોપેઝ, લૌટારો માર્ટિનેઝ





