ગુજરાતના વલસાડ જિલ્લાના ચરવાડા ગામના 18 વર્ષીય રાહુલ જાખરે આંતરરાષ્ટ્રીય રમતગમતના મંચ પર રાજ્ય અને દેશનું ગૌરવ વધાર્યું છે. હોંગકોંગ (ચીન) ખાતે યોજાયેલી 22મી એશિયન અન્ડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં રાહુલે ડેકાથલોન સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતીને ભારતીય એથ્લેટિક્સના ઇતિહાસમાં મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાવી છે.
દસ ઇવેન્ટ ધરાવતી અત્યંત પડકારજનક ડેકાથલોન સ્પર્ધામાં રાહુલે કુલ 7,185 પોઈન્ટ મેળવી માત્ર ગોલ્ડ મેડલ જ જીત્યો નથી, પરંતુ અંડર-20 વર્ગમાં ભારતનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ પોતાના નામે નોંધાવ્યો છે. આ સિદ્ધિ સાથે રાહુલ એશિયાના શ્રેષ્ઠ યુવા ડેકાથલિટ તરીકે ઉભરી આવ્યા છે અને વૈશ્વિક ક્રમમાં પણ ટોચના ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું છે.
વાપીના મેદાનથી એશિયાના વિજેતા મંચ સુધીની સફર
મૂળ રાજસ્થાનના સિકર જિલ્લાના વતની અને છેલ્લા ત્રણ દાયકાથી વાપીમાં સ્થાયી થયેલા પરિવારમાં જન્મેલા રાહુલની સફળતા સંઘર્ષ, સમર્પણ અને સતત મહેનતનું જીવંત ઉદાહરણ છે. તેમના પિતા બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા છે, જ્યારે રાહુલે રમતગમત ક્ષેત્રે પોતાની અલગ ઓળખ ઉભી કરી છે.
આજે એશિયાના વિજેતા મંચ સુધી પહોંચેલા રાહુલની સફર કોઈ સુનિયોજિત યોજના સાથે નહીં, પરંતુ એક સંયોગથી શરૂ થઈ હતી. થોડાં વર્ષો પહેલાં તેઓ પોતાના પિતા સાથે સાંજના સમયે વાપીના એક મેદાનમાં ફરવા ગયા હતા. ત્યાં કેટલાક ખેલાડીઓને દોડતા અને તાલીમ લેતા જોઈ તેમની અંદર જિજ્ઞાસા જાગી હતી.
રાહુલ યાદ કરે છે કે જ્યારે તેમણે ખેલાડીઓને પૂછ્યું કે તેઓ શું કરી રહ્યા છે, ત્યારે જવાબ મળ્યો કે તેઓ એથ્લેટિક્સ સ્પર્ધાઓ માટે તૈયારી કરી રહ્યા છે. આ વાતે તેમને એટલી પ્રેરણા આપી કે બીજા જ દિવસે તેઓ પણ મેદાનમાં દોડવા પહોંચી ગયા. એ ક્ષણ તેમની જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ.
આ પણ વાંચો: દિલ્હી પોલીસનું મોટું આતંકવાદ વિરોધી ઓપરેશન : ISI સાથે જોડાયેલા 9 શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા, દાઉદ નેટવર્કના તારની તપાસ
ખેલ મહાકુંભથી શરૂ થઈ સફળતાની ઉડાન
એથ્લેટિક્સ પ્રત્યે રસ વધતા રાહુલે પોતાની શાળા તરફથી ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો. લાંબી કૂદ (લૉંગ જમ્પ) સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતતાં તેમના આત્મવિશ્વાસમાં વધારો થયો અને તેમણે રમતગમતને ગંભીરતાથી અપનાવવાનો નિર્ણય લીધો.
આરંભિક તાલીમ બનાસકાંઠા જિલ્લાના ગઢ ખાતે આવેલી ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS)માં કોચ વિપુલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ શરૂ થઈ હતી. કોચોએ તેમની પ્રતિભાને વહેલી તકે ઓળખી લીધી હતી. ત્યારબાદ વર્ષ 2024 માં તેમને નડિયાદ સ્થિત હાઈ-પરફોર્મન્સ સેન્ટર (HPC)માં ઉચ્ચ સ્તરની તાલીમ માટે પસંદ કરવામાં આવ્યા.
નડિયાદના આ કેન્દ્રમાં કોચ શિવમ ઉપાધ્યાય, ધર્મેન્દ્ર પરમાર અને સતેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ રાહુલે ડેકાથલોન સહિતની સંયુક્ત ઇવેન્ટ્સમાં પોતાની ક્ષમતાઓને વધુ નીખારી.
ડેકાથલોન: એથ્લેટિક્સની સૌથી કઠિન સ્પર્ધાઓમાંની એક
રાહુલના કોચ શિવમ ઉપાધ્યાયના જણાવ્યા મુજબ ડેકાથલોન એ એથ્લેટિક્સની સૌથી મુશ્કેલ અને સર્વાંગી ક્ષમતાની કસોટી કરતી સ્પર્ધાઓમાંની એક ગણાય છે. તેમાં ખેલાડીએ 100 મીટર દોડ, લાંબી કૂદ, શોટપુટ, ઊંચી કૂદ, 400 મીટર દોડ, 110 મીટર હર્ડલ્સ, ડિસ્કસ થ્રો, પોલ વોલ્ટ, જેવલિન થ્રો અને 1,500 મીટર દોડ સહિત કુલ દસ અલગ-અલગ ઇવેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડે છે.
આ તમામ ઇવેન્ટ્સમાં સંતુલિત અને સતત પ્રદર્શન કરવું ખૂબ પડકારજનક હોય છે. રાહુલે 7,185 પોઈન્ટ મેળવી માત્ર ગોલ્ડ જ જીત્યો નહીં પરંતુ ભારતીય અંડર-20 વર્ગનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપ્યો.
આ પણ વાંચો: 15 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ : 90 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો તમારા રાજ્યની સ્થિતિ
ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સ્વપ્ન
હોંગકોંગથી વાતચીત દરમિયાન રાહુલે પોતાની સફળતા પાછળ રહેલા તમામ કોચ અને માર્ગદર્શકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે ગુજરાત સરકારે ખેલાડીઓને ઉત્તમ સુવિધાઓ અને તક ઉપલબ્ધ કરાવી છે, જેના કારણે યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવાની તક મળી રહી છે.
રાહુલે કહ્યું કે તેમનું આગામી લક્ષ્ય કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે. તે માટે તેઓ વધુ મહેનત અને તૈયારી સાથે આગળ વધવા પ્રતિબદ્ધ છે.
ગુજરાતના રમતગમત માળખાની સફળતા
નાયબ મુખ્યમંત્રી અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ રાહુલને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે રાજ્યમાં રમતગમત માટે ઊભું કરાયેલું મજબૂત માળખું અને ખેલાડીઓને આપવામાં આવતી સુવિધાઓના કારણે આવી પ્રતિભાઓ આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું નામ રોશન કરી રહી છે.
તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં વિશ્વસ્તરીય રમતગમત સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. ખાસ કરીને 2030ના કોમનવેલ્થ ગેમ્સના આયોજનને ધ્યાનમાં રાખીને રાજ્યમાં રમતગમત ક્ષેત્રે મોટા પ્રમાણમાં રોકાણ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: NEET UG 2026 Re-examને લઈને મોટું અપડેટ! : ફી રિફંડની સમયમર્યાદા લંબાઈ, જાણો સિટી સ્લિપ અને એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરશો
નડિયાદ સ્થિત હાઈ-પરફોર્મન્સ સેન્ટર હાલમાં ગુજરાતના સૌથી અદ્યતન રમતગમત કેન્દ્રોમાંનું એક છે, જ્યાં 200થી વધુ ખેલાડીઓને વિશેષ કોચિંગ, સ્પોર્ટ્સ સાયન્સ સપોર્ટ અને આધુનિક તાલીમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
રાહુલ જાખરની આ સિદ્ધિ માત્ર એક વ્યક્તિગત સફળતા નથી, પરંતુ ગુજરાતના રમતગમત માળખાની અસરકારકતા અને યુવા પ્રતિભાઓની ક્ષમતાનો જીવંત પુરાવો છે. વાપીના એક સામાન્ય મેદાનથી શરૂ થયેલી સફર આજે એશિયાના સર્વોચ્ચ મંચ સુધી પહોંચી છે અને હવે દેશને રાહુલ પાસેથી ભવિષ્યમાં વધુ મોટી સિદ્ધિઓની અપેક્ષા છે.






