Vadodara News: વડોદરા સ્થિત કેન્દ્રિય ગતિશક્તિ વિશ્વવિદ્યાલયમાં ચોથા દીક્ષાંત સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પંડિત દીનદયાળ ઉપાધ્યાય સભાગૃહ ખાતે યોજાયેલા આ સમારોહમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ભારતના "મેટ્રો મેન" તરીકે જાણીતા ઈ. શ્રીધરન, વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશી, રાજમાતા શુભાંગીરાજે ગાયકવાડ, ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. (ડૉ.) મનોજ ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
દીક્ષાંત સમારોહ દરમિયાન વિવિધ વિદ્યાશાખાના કુલ 121 વિદ્યાર્થીઓને તેમની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓની વર્ષો સુધીની મહેનતને ઔપચારિક માન્યતા મળી હતી. પરિવારજનો અને શિક્ષકોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓએ ડિગ્રી પ્રાપ્ત કરી નવા વ્યાવસાયિક જીવનની શરૂઆત કરી હતી.
પ્રથમ વખત વર્કિંગ પ્રોફેશનલ્સને એમબીએ ડિગ્રી
આ વર્ષના દીક્ષાંત સમારોહની એક વિશેષ સિદ્ધિ એ રહી કે પ્રથમ વખત મેટ્રો રેલ મેનેજમેન્ટ તેમજ લોજિસ્ટિક્સ એન્ડ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ જેવા વિશિષ્ટ અભ્યાસક્રમોમાં કાર્યરત વ્યાવસાયિકોને એમબીએની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. દેશના ઝડપથી વિકસતા પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને ધ્યાનમાં રાખીને આવા વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વિશ્વવિદ્યાલય દ્વારા વિવિધ અભ્યાસક્રમોમાં શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રદર્શન કરનાર પાંચ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત બે વિદ્યાર્થીઓને તેમના નવતર સંશોધન અને પ્રોજેક્ટ માટે "આઉટસ્ટેન્ડિંગ પ્રોજેક્ટ એવોર્ડ" એનાયત કરવામાં આવ્યો હતો, જ્યારે એક વિદ્યાર્થીને "બેસ્ટ ગ્રેજ્યુએટિંગ સ્ટુડન્ટ–2026" તરીકે સન્માનિત કરવામાં આવ્યો હતો.
અમદાવાદમાં AMCની મોટી કાર્યવાહી : 75 હજાર સ્નેક્સ પેકેટનું વેચાણ બંધ, અમરાઈવાડીનું એકમ સીલ
ઈ. શ્રીધરનને વિશ્વવિદ્યાલયની પ્રથમ માનદ પીએચ.ડી.
સમારોહની સૌથી વિશેષ ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે "મેટ્રો મેન ઓફ ઇન્ડિયા" તરીકે જાણીતા ઈ. શ્રીધરનને પરિવહન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે તેમના દાયકાઓના અસાધારણ યોગદાનને માન્યતા આપતાં ગતિશક્તિ વિશ્વવિદ્યાલયની પ્રથમ માનદ પીએચ.ડી. (Honorary Doctorate) એનાયત કરવામાં આવી હતી. ભારતમાં દિલ્હી મેટ્રો સહિત અનેક મહત્વપૂર્ણ રેલ અને મેટ્રો પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂર્ણ કરાવવામાં ઈ. શ્રીધરનની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. તેમની કાર્યશૈલી, સમયબદ્ધ આયોજન અને પારદર્શક અમલીકરણને કારણે તેઓ દેશના આધુનિક પરિવહન ક્ષેત્રના પ્રેરણાસ્રોત તરીકે ઓળખાય છે.
વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા અપીલ
સમારોહને સંબોધતા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ ડિગ્રી પ્રાપ્ત કરનારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે શિક્ષણ દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન માત્ર વ્યક્તિગત કારકિર્દી માટે નહીં પરંતુ દેશના સર્વાંગી વિકાસ માટે પણ ઉપયોગી બનવું જોઈએ. તેમણે યુવાનોને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં પોતાની ક્ષમતા અને કુશળતાનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. સાંસદ ડૉ. હેમાંગ જોશી તેમજ ઈ. શ્રીધરને પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે દેશ ઝડપથી આધુનિક પરિવહન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નવા યુગમાં પ્રવેશી રહ્યો છે. આવા સમયમાં ગતિશક્તિ વિશ્વવિદ્યાલયમાંથી અભ્યાસ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓ પાસે રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપવાની વિશાળ તક છે. તેમણે વિદ્યાર્થીઓને સતત નવીનતા, સંશોધન અને જવાબદારીની ભાવના સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી હતી.
રાજકોટમાં સોફાના કારખાનામાં ભીષણ આગ : માલિકના જમાઈનું ગૂંગળાઈ જવાથી કરુણ મોત
ગતિશક્તિ વિશ્વવિદ્યાલય દેશના પરિવહન, લોજિસ્ટિક્સ, રેલવે, એવિએશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટે વિશેષ કુશળ માનવસંસાધન તૈયાર કરતું અગ્રણી શિક્ષણ કેન્દ્ર બની રહ્યું છે. ચોથા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓની સિદ્ધિઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં શિક્ષણ અને સંશોધનની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો હતો.





