દેશના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. એક તરફ વરસાદના કારણે લોકોને કાળઝાળ ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી રહી છે, તો બીજી તરફ અનેક રાજ્યોમાં આંધીઓ અને વાવાઝોડાંએ ભારે નુકસાન પણ પહોંચાડ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી ત્રણ દિવસ માટે દેશના ઓછામાં ઓછા 15 રાજ્યોમાં વરસાદ, ગાજવીજ અને તેજ પવનની ચેતવણી જાહેર કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 70 થી 90 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. જેના કારણે વૃક્ષો ધરાશાયી થવા, વીજ પુરવઠામાં ખલેલ પહોંચવા અને પરિવહન વ્યવસ્થાને અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ચોમાસું કેરળ તરફ આગળ વધી રહ્યું છે
IMD અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગામી સાત દિવસમાં કેરળમાં પ્રવેશ કરી શકે છે. જોકે હવામાન નિષ્ણાતોએ આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં થોડું નબળું રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશભરમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાઈ શકે છે. વરસાદનો લોંગ પિરિયડ એવરેજ (LPA) આશરે 90 ટકા રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન દેશમાં સરેરાશ 87 સેન્ટીમીટર વરસાદ થાય છે.
ઉત્તર-પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે, પરંતુ દેશના અન્ય વિસ્તારોમાં વરસાદની માત્રા સામાન્ય કરતાં ઓછી રહેવાની શક્યતા છે. ખાસ કરીને વરસાદ આધારિત ખેતી ધરાવતા વિસ્તારો માટે આ ચિંતાજનક સંકેત માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાવાની શક્યતા : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 48 કલાકમાં ભારે વરસાદની નવી આગાહી
પશ્ચિમી વિક્ષેપ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) સક્રિય છે. ઉપરાંત મધ્ય પાકિસ્તાન, પશ્ચિમ રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને કચ્છથી ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી તેમજ મધ્ય પ્રદેશ, ઉત્તર છત્તીસગઢ અને ઓડિશા સુધી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી રહી છે.
આ હવામાન પ્રણાલીઓના કારણે દેશના વિવિધ વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધ્યું છે અને વરસાદી પ્રવૃત્તિઓ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે. આગામી બે થી ત્રણ દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના વધુ વિસ્તારોમાં આગળ વધે તેવી શક્યતા છે.
દિલ્હી સહિત ઉત્તર ભારતમાં વરસાદી માહોલ
દિલ્હી-NCR વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોમાં વરસાદ અને ઠંડી પવનોના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે 2 જૂન સુધી આ પ્રકારનું હવામાન યથાવત રહેવાની આગાહી કરી છે.
દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જેના કારણે મહત્તમ તાપમાનમાં 5 થી 6 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. જોકે જૂનના બીજા સપ્તાહથી ફરી એકવાર ગરમીનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું છે કે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં 2 જૂન સુધી વરસાદ અને ગાજવીજની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ હવામાન પરિવર્તનના કારણે આગામી ચારથી પાંચ દિવસ સુધી લોકોને ગરમીમાંથી રાહત મળવાની શક્યતા છે.
દક્ષિણ અને ઉત્તર-પૂર્વ ભારતમાં ભારે વરસાદનું એલર્ટ
અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 4 જૂન સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. તે જ રીતે તમિલનાડુ, પુડુચેરી, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કેરળ અને લક્ષદ્વીપમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંડમાન-નિકોબાર દ્વીપસમૂહ અને સિક્કિમમાં પણ સમાન હવામાન રહેવાની આગાહી છે.
વાવાઝોડા અને વરસાદે મચાવી તબાહી
છેલ્લા 24 કલાક દરમિયાન ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં આવેલા વાવાઝોડા અને ભારે વરસાદના કારણે અનેક દુર્ઘટનાઓ સર્જાઈ છે. ઉત્તર પ્રદેશમાં આંધી અને વરસાદ સંબંધિત અકસ્માતોમાં 31 લોકોના મોત થયા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
બિહારમાં 17 લોકોના મોત નોંધાયા છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં પણ 7 લોકોના જીવ ગયા હોવાની માહિતી સામે આવી છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા, વીજ પુરવઠો ખોરવાયો અને પરિવહન વ્યવસ્થા પર અસર પડી છે. હવામાન વિભાગે લોકોને ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાનોમાં ન રહેવા, વૃક્ષોની નીચે આશરો ન લેવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.





