Home National Khalistanis Brainwash Youth Abandoning Fundamentalism Trapping Indians Glamour Emotional Traps

આતંકનું નવું અને ખતરનાક મોડેલ! : ખાલિસ્તાનીઓએ બદલી યુવાનોના બ્રેઈનવોશની રીત, કટ્ટરવાદ છોડી હવે 'ગ્લેમર અને ઈમોશનલ જાળ'માં ફસાવી રહ્યા છે ભારતીયોને

ISI Khalistan Punjab Security
Image Credit: Observer Research Found
Published by: Nirali Gohil
Last Updated: May 30, 2026, 07:27 AM IST

terrorism alert: પંજાબમાં ખાલિસ્તાની ગતિવિધિઓને લઈને ફરી એકવાર સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ગુપ્તચર એજન્સીઓના ઇનપુટ મુજબ, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના દબાણ હેઠળ કેટલાક ખાલિસ્તાની સંગઠનો પંજાબમાં પોતાની પ્રવૃત્તિઓ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખાસ કરીને છેલ્લા કેટલાક મહિનાઓમાં નાના પરંતુ વારંવાર થતા હુમલાઓએ સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી છે. અહેવાલો અનુસાર, અગાઉની સરખામણીએ હવે ખાલિસ્તાની સંગઠનોની કામગીરીની પદ્ધતિમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. મોટા હુમલાઓને બદલે હવે ઓછા ખર્ચે અને ઓછી શંકા ઊભી થાય તેવી રણનીતિ અપનાવવામાં આવી રહી છે. યુવાનોને સોશિયલ મીડિયા મારફતે પ્રભાવિત કરીને નાના હુમલાઓમાં સામેલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે.

પંજાબમાં નાના પરંતુ સતત હુમલાઓની રણનીતિ

સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, ખાલિસ્તાની સંગઠનો હવે નાના અને વારંવાર થતા હુમલાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ખાસ કરીને ગ્રેનેડ હુમલાઓમાં વધારો નોંધાયો છે, જેનાથી રાજ્યમાં ભયનું વાતાવરણ જાળવી રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એજન્સીઓનું માનવું છે કે, આ પ્રકારના હુમલાઓ ઓછા ખર્ચાળ હોય છે અને તેમાં સામેલ લોકોને શોધી કાઢવાની શક્યતાઓ પણ ઓછી રહે છે. હુમલાઓ માટે એવા યુવાનોની પસંદગી કરવામાં આવે છે જેઓ અગાઉ ક્યારેય સુરક્ષા એજન્સીઓના રડારમાં આવ્યા ન હોય.

બબ્બર ખાલસા ઈન્ટરનેશનલની ગતિવિધિઓ પર નજર

તાજેતરના મહિનાઓમાં ખાલિસ્તાની સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI) પંજાબમાં પોતાની પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું હોવાનું કહેવામાં આવે છે. સુરક્ષા એજન્સીઓ આ સંગઠનની દરેક ગતિવિધિ પર નજીકથી નજર રાખી રહી છે. અહેવાલો મુજબ, મોટા આતંકી હુમલાઓને બદલે નાના સ્તરે સતત અશાંતિ ઉભી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેથી લોકોમાં ડરનું વાતાવરણ જળવાઈ રહે અને સુરક્ષા તંત્ર પર દબાણ વધે.

આ પણ વાંચો: અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાવાની શક્યતા: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 48 કલાકમાં ભારે વરસાદની નવી આગાહી

યુવાઓને ટાર્ગેટ કરવા સોશિયલ મીડિયા બની રહ્યું છે હથિયાર

અધિકારીઓનું કહેવું છે કે, પંજાબની જૂની પેઢી હજુ પણ ખાલિસ્તાન આંદોલનના કડવા અનુભવને યાદ રાખે છે અને રાજ્યમાં ફરી તેવા દિવસો ન આવે તે ઈચ્છે છે. પરંતુ નવી પેઢી સાથે પરિસ્થિતિ અલગ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, યુવાઓને વિચારધારા કરતાં ‘ગ્લેમર’ અને સોશિયલ મીડિયા પર મળતી ઓળખ વધુ આકર્ષે છે. આ જ કારણ છે કે સંગઠનોએ હવે ભરતી માટેની રણનીતિ સંપૂર્ણપણે બદલી દીધી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રચાર, વીડિયો અને પ્રભાવશાળી મેસેજિંગ દ્વારા યુવાનોને પ્રભાવિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

સુરક્ષા એજન્સીઓ માટે વધ્યો પડકાર

પંજાબમાં બદલાતી આ પરિસ્થિતિ સુરક્ષા એજન્સીઓ માટે નવા પડકાર ઉભા કરી રહી છે. કારણ કે અગાઉથી રડારમાં ન આવેલા યુવાનોનો ઉપયોગ થવાને કારણે હુમલાઓને સમયસર અટકાવવું વધુ મુશ્કેલ બની શકે છે.

સુરક્ષા નિષ્ણાતોના મતે, માત્ર કડક કાર્યવાહી પૂરતી નહીં રહે, પરંતુ યુવાઓને યોગ્ય માર્ગદર્શન, રોજગારી અને સકારાત્મક પ્રવૃત્તિઓ સાથે જોડવા માટે પણ પ્રયાસો વધારવાની જરૂર છે, જેથી તેઓ કોઈપણ પ્રકારના કટ્ટરપંથી પ્રભાવથી દૂર રહી શકે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now