લોર્ડ્સમાં રમાઈ શકે છેલ્લી વન-ડે: ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઓપનર રોહિત શર્મા માટે 19 જુલાઈએ લોર્ડ્સ ખાતે ઈંગ્લેન્ડ સામે રમાનારી ત્રીજી અને અંતિમ વન-ડે આંતરરાષ્ટ્રીય મેચ ભારત માટેની તેમની છેલ્લી ODI સાબિત થઈ શકે છે. મીડિયા અહેવાલો મુજબ BCCIની સિનિયર પસંદગી સમિતિએ રોહિતને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ ટીમ હવે યુવા ખેલાડીઓ તરફ આગળ વધવા માંગે છે.
2027 વર્લ્ડ કપની યોજનામાં સ્થાન નહીં
અહેવાલો અનુસાર પસંદગીકારોએ મુખ્ય કોચ ગૌતમ ગંભીર સાથે ચર્ચા કર્યા બાદ રોહિત શર્માને જાણ કરી છે કે તેઓ 2027ના ODI વર્લ્ડ કપની યોજનાનો ભાગ નથી. ટીમ મેનેજમેન્ટ હવે યશસસ્વી જયસ્વાલ જેવા યુવા ખેલાડીઓને વધુ તક આપવા માંગે છે. જોકે અંતિમ નિર્ણય રોહિત શર્મા પર છોડી દેવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
ફિટનેસ પર મહેનત છતાં નિર્ણયથી નારાજ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે રોહિત શર્મા પોતાની ફિટનેસ પર સતત કામ કરી રહ્યા હતા અને તેઓ વન-ડે ક્રિકેટમાં આગળ રમવા ઈચ્છતા હતા. જોકે પસંદગી સમિતિના નિર્ણયથી તેઓ ખુશ નહોતા. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પણ તેમણે BCCIના કેટલાક અધિકારીઓ સાથે આ મુદ્દે ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું છે.
એક પછી એક ફોર્મેટને કહ્યું અલવિદા
રોહિત શર્માએ ભારતને 2024નો T20 વર્લ્ડ કપ જીતાડ્યા બાદ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ત્યારબાદ મે 2025માં ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ટેસ્ટ ક્રિકેટને પણ અલવિદા કહી દીધું હતું. જો હવે તેઓ વન-ડેમાંથી પણ વિદાય લે છે, તો ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટનો અને બેટરોમાંના એકના આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત આવશે.
હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે પુષ્ટિ કરવામાં આવી નથી
જોકે, રોહિત શર્માના ભવિષ્યને લઈને સામે આવેલા આ અહેવાલો અંગે ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) અથવા રોહિત શર્મા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે પુષ્ટિ કરવામાં આવી નથી. તેથી 2027 વર્લ્ડ કપની યોજનામાં તેમને સ્થાન નહીં મળે અથવા લોર્ડ્સમાં રમાનારી વન-ડે તેમની ભારત માટેની છેલ્લી મેચ હશે તે અંગે હાલ કોઈ સત્તાવાર નિર્ણય જાહેર થયો નથી.
ભારતીય ક્રિકેટમાં રોહિતનું યોગદાન યાદગાર
રોહિત શર્માના નેતૃત્વમાં ભારતે 2023ના ODI વર્લ્ડ કપની ફાઇનલ સુધીનો પ્રવાસ કર્યો હતો અને ટીમે આક્રમક બેટિંગની નવી શૈલી અપનાવી હતી. ત્યારબાદ 2024ના T20 વર્લ્ડ કપમાં પણ ભારતે તેમના નેતૃત્વમાં ખિતાબ જીત્યો હતો. ODI ક્રિકેટમાં ત્રણ બેવડી સદી સહિત અનેક રેકોર્ડ ધરાવતા રોહિત ભારતીય ક્રિકેટના સર્વશ્રેષ્ઠ વન-ડે બેટરોમાં ગણાય છે.
આ પણ વાંચો: CSKના નવા કોચ કોણ? : અશ્વિને લીધું આ ક્રિકેટરનું નામ, કહ્યું- 'તેમનાથી શ્રેષ્ઠ વિકલ્પ કોઈ નથી'
તાજેતરમાં બેટિંગમાં જોવા મળ્યો સંઘર્ષ
ઈંગ્લેન્ડ સામેની ચાલુ વન-ડે શ્રેણીમાં રોહિત શર્માનું બેટ અત્યાર સુધી ખાસ બોલ્યું નથી. કાર્ડિફમાં રમાયેલી મેચમાં તેમણે 47 બોલમાં માત્ર 26 રન બનાવ્યા હતા. તાજેતરના પ્રદર્શનને કારણે પણ પસંદગીકારો ભવિષ્યને ધ્યાનમાં રાખીને યુવા ખેલાડીઓને તક આપવા તરફ આગળ વધી રહ્યા હોવાનું માનવામાં આવે છે.





