Home Sports IPL 2026 Riyan Parag Vaibhav Sooryavanshi Viral Dugout Incident Ipl 2026

પોતે ફ્લોપ રહ્યો, પણ વૈભવને પાઠ ભણાવવા પહોંચ્યો કેપ્ટન! : મેચ બચાવનારા 15 વર્ષીય સૂર્યવંશી પર કેમ ગર્જ્યો રિયાન પરાગ?

Riyan Parag and Vaibhav Suryavanshi
Image Credit: IPL/BCCI
Published by: Aryan Shah
Last Updated: May 30, 2026, 07:04 AM IST

Riyan Parag and Vaibhav Suryavanshi : IPL 2026 ની સિઝન હવે તેના અંતિમ પડાવ પર પહોંચી ગઈ છે અને રોમાંચ ચરમસીમાએ છે. ન્યૂ ચંદીગઢના મેદાન પર રમાયેલી હાઇ-વોલ્ટેજ ક્વોલિફાયર 2 મેચમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. આ મહત્વપૂર્ણ મેચમાં રાજસ્થાનની ટીમે વહેલી વિકેટો ગુમાવી દીધી હતી, પરંતુ 15 વર્ષના યુવા ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ શાનદાર અને તોફાની ઇનિંગ રમીને આખી ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી હતી. કમનસીબે, વૈભવ માત્ર 4 રન માટે પોતાની સેન્ચુરી ચૂકી ગયો હતો અને આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. જોકે, આ મેચ દરમિયાન મેદાન પર એક એવો વિવાદ સામે આવ્યો જેને સોશિયલ મીડિયા પર હોબાળો મચાવી દીધો છે. ટીમનો કેપ્ટન રિયાન પરાગ આ નાની ઉંમરના ખેલાડી પર લાઇવ કેમેરા સામે ખરાબ રીતે ગુસ્સે થતો જોવા મળ્યો હતો, જેના કારણે ક્રિકેટ જગતમાં નવી ચર્ચા શરૂ થઈ છે.

કેપ્ટનનો લાઇવ કેમેરા સામે ગુસ્સો

મેચ દરમિયાન જ્યારે વૈભવ સૂર્યવંશી 96 રન બનાવીને આઉટ થયો, ત્યારે તે પોતાની સેન્ચુરી ન પૂરી થવાના કારણે અને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકીને આઉટ થવાના કારણે ખૂબ જ નિરાશ અને ઉદાસ હતો. તે જ્યારે પેવેલિયન તરફ પાછો ફરી રહ્યો હતો ત્યારે ડગઆઉટમાં એક હેરાન કરનારું દ્રશ્ય જોવા મળ્યું હતું. રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગે વૈભવ તરફ આંગળી ચીંધીને જાહેરમાં પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. લાઇવ બ્રોડકાસ્ટના કેમેરામાં આ આખી ઘટના કેદ થઈ ગઈ હતી, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાતું હતું કે 15 વર્ષનો માસૂમ વૈભવ ખૂબ જ બેબસ અને લાચાર થઈને પાણી પી રહ્યો છે અને બીજી તરફ કેપ્ટન રિયાન પરાગ તેની સામે સતત બૂમો પાડીને તતડાવી રહ્યો હતો. કેપ્ટનનું આવું આક્રમક વલણ જોઈને મેદાન પર હાજર દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.સોશિયલ મીડિયા પર ચાહકોનો આક્રોશ

લાઇવ મેચમાં બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ક્રિકેટ ચાહકો રિયાન પરાગ પર જોરદાર ભડક્યા છે અને તેની ભારે ટીકા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ સતત પોસ્ટ કરીને કહી રહ્યા છે કે, જે 15 વર્ષના છોકરાએ મુશ્કેલ સમયમાં આખી ટીમને પોતાના ખભા પર સંભાળી, કેપ્ટન તેને પ્રોત્સાહન આપવાને બદલે સરેઆમ સજા આપી રહ્યો હોય તેમ વર્તી રહ્યો છે. આ સિવાય ચાહકોએ રિયાન પરાગના પોતાના પ્રદર્શન પર પણ સવાલો ઉઠાવ્યા છે. ફેન્સે આંકડા સાથે યાદ અપાવ્યું કે, રિયાન પરાગ પોતે આ મહત્વની મેચમાં માત્ર 11 રન બનાવીને સસ્તામાં આઉટ થઈ ગયો હતો. એટલું જ નહીં, આખી સિઝનમાં રિયાન પરાગ કેપ્ટન હોવા છતાં વૈભવના અડધા રન પણ બનાવી શક્યો નથી, તો પછી તેને આવા હીરો જેવા ખેલાડીને ઠપકો આપવાનો કોઈ હક નથી.

ફિલ્ડિંગ દરમિયાન પણ વિવાદ

રિયાન પરાગનો આ ગુસ્સો માત્ર વૈભવના આઉટ થવા સુધી કે ડગઆઉટ પૂરતો સીમિત નહોતો રહ્યો, પરંતુ બીજી ઇનિંગમાં ફિલ્ડિંગ દરમિયાન પણ પરાગનો પિત્તો ગયો હતો. ગુજરાત ટાઇટન્સની બેટિંગ દરમિયાન 18 મી ઓવરમાં મેચ ખૂબ જ રોમાંચક વળાંક પર હતી. ગુજરાતની ટીમને જીતવા માટે છેલ્લી 12 બોલમાં માત્ર 10 રનની જરૂર હતી. આ દબાણવાળી ક્ષણોમાં ફિલ્ડિંગ કરી રહેલા વૈભવ સૂર્યવંશીનું ધ્યાન મેદાન પર થોડું વિચલિત થયું હતું અને તેનું ફોકસ ક્યાંક બીજે હતું. બસ આ જ વાત પર કેપ્ટન રિયાન પરાગ ફરી એકવાર લાલચોળ થઈ ગયો હતો. તેને સ્ટેડિયમમાં હજારો દર્શકો અને કરોડો લાઇવ દર્શકોની સામે જ મેદાનની વચ્ચે જોરથી ચીસો પાડીને વૈભવ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો, જેનાથી ખેલાડીઓ વચ્ચેનો તણાવ સ્પષ્ટ દેખાઈ આવતો હતો.

ગુજરાત ટાઇટન્સે ઇતિહાસ રચ્યો: ત્રીજી વખત IPLની ફાઇનલમાં એન્ટ્રી, હવે RCB સામે મહામુકાબલો

મેચ બાદ પરાગે કર્યા વખાણ

મેદાન પર અને ડગઆઉટમાં આટલો બધો ગુસ્સો અને આક્રમકતા બતાવ્યા પછી, મેચ પૂરી થયા બાદ જ્યારે પ્રેઝન્ટેશન સેરેમની યોજાઈ ત્યારે રિયાન પરાગના સૂર તદ્દન બદલાયેલા જોવા મળ્યા હતા. કદાચ તેને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો અથવા તે મામલો શાંત કરવા માંગતો હતો. તેને માઇક પર વૈભવ સૂર્યવંશીની ક્ષમતાના મુક્તમને વખાણ કર્યા હતા. પરાગે જણાવ્યું કે, વૈભવ માત્ર ક્રિઝ પર આવીને આડેધડ બેટ ફેરવનારો ખેલાડી નથી, પરંતુ તે પરિસ્થિતિને સમજીને ખૂબ જ ગણતરીપૂર્વક અને પ્લાનિંગ સાથે ક્રિકેટ રમે છે. પરાગે આશ્ચર્ય વ્યક્ત કરતાં ઉમેર્યું કે, મને નવાઈ લાગે છે કે આટલી નાની ઉંમરમાં કોઈ ખેલાડી આટલી પરિપક્વતા કેવી રીતે લાવી શકે છે. રિયાને આશા વ્યક્ત કરી હતી કે વૈભવ ખૂબ જ જલ્દી ભારતીય ટીમની બ્લુ જર્સીમાં દેશ માટે રમે તે દિવસો દૂર નથી.

IPL ના સૌથી મોંઘા ખેલાડીએ જ છોડી કેપ્ટનશીપ!: 28 મેચ, 18 હાર... આખરે સ્વીકારી જવાબદારી અને છોડી કમાન

વૈભવની તોફાની અને શાનદાર ઇનિંગ

જો મેચની વાત કરીએ તો ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત અત્યંત ખરાબ અને નબળી રહી હતી. ટીમના સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલ માત્ર 1 રન અને ધ્રુવ જુરેલ માત્ર 7 રન બનાવીને પ્રથમ બે ઓવરમાં જ પેવેલિયન ભેગા થઈ ગયા હતા. ગુજરાતના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને કાગીસો રબાડાની ચુસ્ત બોલિંગ સામે શરૂઆતમાં રન બનાવવાનું ઘણું મુશ્કેલ હતું. વૈભવ સૂર્યવંશીએ પણ સંઘર્ષ કરવો પડ્યો હતો અને તેણે પોતાની ઇનિંગનો પહેલો સિક્સર 13 મા બોલે માર્યો હતો. પરંતુ ત્યાર પછી જે થયું તેનાથી આખી મેચનો નકશો બદલાઈ ગયો હતો. વૈભવે મોહમ્મદ સિરાજની એક જ ઓવરમાં 21 રન ઝૂડી કાઢીને રાજસ્થાનને મેચમાં મજબૂત વાપસી કરાવી હતી. તેને 31 બોલમાં IPL કરિયરની સૌથી ધીમી પણ મહત્વની અડધી સદી પૂરી કરી હતી. અડધી સદી બાદ તે વધુ વિસ્ફોટક બન્યો હતો અને બીજા છેડે સિનિયર ખેલાડી રવિન્દ્ર જાડેજા (45 નોટઆઉટ) ને સાથમાં રાખીને આગામી 15 બોલમાં જ તોફાની 46 રન ફટકારી દીધા હતા. અંતે 18 મી ઓવરમાં રબાડાના શોર્ટ બોલ પર અપર કટ મારવાના ચક્કરમાં તે થર્ડ મેન પર પ્રસિદ્ધ કૃષ્ણાના હાથે કેચ આઉટ થયો હતો. વૈભવે 47 બોલમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી શાનદાર 96 રન બનાવ્યા હતા. આ પહેલા એલિમિનેટર મેચમાં પણ તે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 29 બોલમાં 97 રન બનાવી નર્વસ નાઈન્ટીઝનો શિકાર બન્યો હતો.

મુંબઈમાંથી હાર્દિકની હકાલપટ્ટી કે પંડ્યાની પીછેહટ?: જાણો IPL ના સૌથી મોટા સમાચાર વિગતવાર

ગુજરાત ટાઇટન્સ ફાઇનલમાં પહોંચ્યું

15 વર્ષના વૈભવ સૂર્યવંશીની આવી અસાધારણ અને આક્રમક ઇનિંગ છતાં રાજસ્થાન રોયલ્સની ટીમ આ મેચ જીતવામાં અને ફાઇનલમાં પહોંચવામાં અસફળ રહી હતી. રાજસ્થાનના બોલરો ગુજરાતના બેટ્સમેનોને રોકવામાં નિષ્ફળ સાબિત થયા હતા. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે મોખરે રહીને શાનદાર કેપ્ટનશીપ ઇનિંગ રમી હતી અને 104 રનની અદભુત સદી ફટકારીને પોતાની ટીમને 7 વિકેટે આસાન જીત અપાવી દીધી હતી. શુભમન ગિલની આ સદીની મદદથી ગુજરાત ટાઇટન્સે IPL 2026 ની ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. હવે આગામી 31 મે ને રવિવારના રોજ રમાનારા ભવ્ય ફાઇનલ મુકાબલામાં ગુજરાત ટાઇટન્સનો સામનો ખિતાબ જીતવા માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now