ICC Women's T20 World Cup 2026 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું ICC Women's T20 World Cup 2026માં અભિયાન ભલે ગ્રુપ સ્ટેજમાં જ સમાપ્ત થયું હોય, પરંતુ ટૂર્નામેન્ટની સૌથી મોટી મેચમાં ભારતની હાજરી ગૌરવભેર નોંધાશે. ભારતની મહિલા અમ્પાયર વૃંદા રાઠીને લોર્ડ્સ ખાતે રમાનારી Women's T20 World Cup 2026ની ફાઇનલમાં ઓન-ફીલ્ડ અમ્પાયર તરીકે નિયુક્ત કરવામાં આવી છે. આ સાથે તેઓ Women's T20 World Cupની ફાઇનલમાં મેદાન પર અમ્પાયરિંગ કરનાર પ્રથમ ભારતીય મહિલા બનવા જઈ રહી છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે એટલે કે 5 જુલાઈએ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાનારી આ મહામુકાબલાને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બંને ટીમોએ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી એકપણ મેચ ગુમાવ્યા વિના ફાઇનલ સુધીની સફર કાપી છે, જેના કારણે ખિતાબી મુકાબલો વધુ રોમાંચક બનવાની શક્યતા છે.
ICCએ જાહેર કર્યા મેચ ઓફિશિયલ્સ
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા મહિલા T20 World Cup 2026ની ફાઇનલ માટે મેચ ઓફિશિયલ્સના નામ જાહેર કરવામાં આવ્યા છે. ભારતની વૃંદા રાઠી સાથે વેસ્ટ ઈન્ડિઝની જેકલીન વિલિયમ્સ ઓન-ફીલ્ડ અમ્પાયર તરીકે ફરજ બજાવશે. જ્યારે ન્યૂઝીલેન્ડની કિમ કોટન ત્રીજા અમ્પાયર અને શ્રીલંકાની નિમાલી પેરેરા રિઝર્વ અમ્પાયરની ભૂમિકામાં રહેશે. મેચ રેફરી તરીકે ભારતની જીએસ લક્ષ્મી જવાબદારી સંભાળશે. જીએસ લક્ષ્મી માટે પણ આ વધુ એક મહત્વપૂર્ણ ઇન્ટરનેશનલ નિમણૂક છે. તેઓ અગાઉ પણ ICCની અનેક મોટી સ્પર્ધાઓમાં મેચ રેફરી તરીકે સેવા આપી ચૂક્યા છે અને મહિલા ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી સૌથી અનુભવી અધિકારીઓમાં સામેલ છે.
આ પણ ખાસ વાંચો : પૃથ્વી શો અને આકૃતિ અગ્રવાલના સંબંધોમાં તિરાડ? : કોઈનું પણ નામ લીધા વગર લખાયેલા શબ્દોએ સોશિયલ મીડિયા પર ઉભા કર્યા અનેક સવાલો
વૃંદા રાઠી માટે ઐતિહાસિક ક્ષણ
વૃંદા રાઠીની આ નિમણૂક માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ ભારતીય મહિલા અમ્પાયરિંગ માટે પણ એક ઐતિહાસિક સીમાચિહ્ન સમાન છે. તેઓ મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં મેદાન પર અમ્પાયરિંગ કરનાર પ્રથમ ભારતીય મહિલા બનશે. આ ઉપરાંત, ઓવરઓલ ICC વર્લ્ડ કપ ફાઇનલમાં ઓન-ફીલ્ડ અમ્પાયર તરીકે ઉભા રહેનારા માત્ર બીજા ભારતીય તરીકે પણ તેમનું નામ નોંધાશે. આ પહેલાં 1987ના પુરુષ વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં રામ બાબુ ગુપ્તાએ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે અમ્પાયરિંગ કર્યું હતું. ભારતીય ક્રિકેટ માટે આ સિદ્ધિ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ખેલાડી તરીકે નહીં પરંતુ અમ્પાયર તરીકે વિશ્વ ક્રિકેટના સૌથી મોટા મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળવી અત્યંત ગૌરવની બાબત માનવામાં આવે છે.
ખેલાડીથી અમ્પાયર સુધીની પ્રેરણાદાયક સફર
વૃંદા રાઠીની કારકિર્દી સંઘર્ષ અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે. તેઓ એક સમય મધ્યમ ગતિની બોલર તરીકે ક્રિકેટ રમતા હતા અને મુંબઈ યુનિવર્સિટીની મહિલા ટીમનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. જોકે સિનિયર સ્તરે લાંબી કારકિર્દી બનાવવાની તક તેમને મળી શકી નહોતી. રમત સાથેનો સંબંધ જળવાઈ રહે તે માટે તેમણે અમ્પાયરિંગ ક્ષેત્ર પસંદ કર્યું અને સતત મહેનત દ્વારા ઇન્ટરનેશનલ સ્તરે પોતાની આગવી ઓળખ ઉભી કરી. ક્રિકેટના મેદાનમાં ખેલાડી તરીકે અધૂરું રહેલું સપનું તેમણે અમ્પાયર તરીકે સાકાર કર્યું છે. આજે તેમની ગણના ICCની પ્રતિભાશાળી મહિલા અમ્પાયરોમાં થાય છે અને વિશ્વ ક્રિકેટમાં તેમનું સ્થાન સતત મજબૂત બનતું જઈ રહ્યું છે.
આ પણ ખાસ વાંચો : "હવે રજત પાટીદારને તક આપવાનો સમય આવી ગયો છે" : ભારતની ત્રીજી હાર બાદ પૂર્વ ક્રિકેટરે ઉઠાવ્યો મોટો સવાલ
ત્રણેય ફોર્મેટમાં અનુભવ ધરાવતી ભારતીય અમ્પાયર
વૃંદા રાઠી પાસે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં અમ્પાયરિંગ કરવાનો બહોળો અનુભવ છે. વર્ષ 2023માં મુંબઈમાં ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં અમ્પાયરિંગ કરીને તેઓ ટેસ્ટ મેચમાં અમ્પાયરિંગ કરનાર પ્રથમ ભારતીય મહિલા અમ્પાયર બની હતી. ઇન્ટરનેશનલ સ્તરે તેઓ અત્યાર સુધી 20 વનડે અને 77 મહિલા T20 ઇન્ટરનેશનલ મેચોમાં અમ્પાયરિંગ કરી ચૂક્યા છે. ઉપરાંત, તેઓ કોમનવેલ્થ ગેમ્સ સહિત અનેક પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ્સમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. આ અનુભવને કારણે જ તેમને હવે મહિલા T20 World Cupની સૌથી મોટી મેચ માટે પસંદ કરવામાં આવી છે. લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર યોજાનારી આ ફાઇનલ માત્ર ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ખિતાબી ટક્કર નહીં પરંતુ ભારતીય મહિલા અમ્પાયરિંગના ઇતિહાસમાં એક નવા અધ્યાયની શરૂઆત પણ સાબિત થવાની છે. ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સમાં ભારતની દીકરી વૃંદા રાઠી નિર્ણાયક ભૂમિકામાં જોવા મળશે, જે દેશના કરોડો ક્રિકેટપ્રેમીઓ માટે ગર્વ અને પ્રેરણાની ક્ષણ બની રહેશે.





