Captaincy left from IPL : IPL 2026 ની સિઝન વચ્ચે ક્રિકેટ જગતમાંથી એક સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે ટીમના સુકાની પદેથી રાજીનામું આપી દીધું છે. ટૂર્નામેન્ટમાં ટીમની સતત હાર અને નબળા પ્રદર્શનની નૈતિક જવાબદારી સ્વીકારતા પંતે આ મોટો નિર્ણય લીધો છે. ફ્રેન્ચાઇઝી દ્વારા સોશિયલ મીડિયા પર આ અંગેની ઔપચારિક જાહેરાત કરવામાં આવી છે અને મેનેજમેન્ટે પંતની આ વિનંતીનો તાત્કાલિક અસરથી સ્વીકાર કરીને તેમને કેપ્ટનશીપની ફરજોમાંથી મુક્ત કર્યા છે.
ફ્રેન્ચાઇઝીની સત્તાવાર જાહેરાત અને ટોમ મૂડીનું નિવેદન
લખનઉ સુપર જાયન્ટ્સે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ શેર કરીને આ મોટા ફેરફારની પુષ્ટિ કરી છે. ટીમના ક્રિકેટ ડિરેક્ટર ટોમ મૂડીએ સત્તાવાર નિવેદન જાહેર કરતાં જણાવ્યું કે, રિષભ પંતે પોતે ફ્રેન્ચાઇઝી મેનેજમેન્ટનો સંપર્ક કર્યો હતો અને કેપ્ટન પદ પરથી હટી જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેને મેનેજમેન્ટે સન્માનપૂર્વક સ્વીકારી લીધી છે. મૂડીએ ઉમેર્યું કે, "આવા નિર્ણયો લેવા ક્યારેય સરળ નથી હોતા. કેપ્ટન તરીકે રિષભે આ ડ્રેસિંગ રૂમમાં જે પણ સકારાત્મક ઉર્જા અને યોગદાન આપ્યું છે, તેના માટે અમે હંમેશા આભારી રહીશું. અમારું ધ્યાન હવે ભવિષ્યના સામૂહિક પુનર્નિર્માણ અને ટીમને સર્વશ્રેષ્ઠ ધોરણો સુધી પહોંચાડવા પર કેન્દ્રિત છે."
IPL ફાઇનલ પહેલાં અચાનક બદલાયા નિયમો: ખેલાડીઓ હવે આ વસ્તુનો નહીં કરી શકે ઉપયોગ
સિઝન 2026 નું શરમજનક પ્રદર્શન અને પ્લેઓફની રેસ
ચાલુ IPL સિઝન લખનઉ સુપર જાયન્ટ્સ માટે કોઈ દુઃસ્વપ્નથી ઓછી રહી નથી. ટીમ લીગ સ્ટેજની કુલ 14 મેચો રમી હતી, જેમાંથી તે માત્ર 4 મેચ જીતવામાં સફળ રહી હતી, જ્યારે 10 મેચોમાં તેને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ અત્યંત નબળા પ્રદર્શનના કારણે લખનઉ આ વર્ષે પ્લેઓફની દોડમાંથી બહાર થનારી સત્તાવાર રીતે પ્રથમ ટીમ બની હતી. સતત પરાજય અને ફેન્સના ભારે આક્રોશના કારણે ટીમની અંદર તેમજ કેપ્ટન પંત પર દબાણ સતત વધી રહ્યું હતું, જે આખરે આ રાજીનામાનું મુખ્ય કારણ બન્યું છે.
પંતનો ફ્લોપ શો અને કરોડોના રોકાણ સામે નબળા આંકડા
ઉલ્લેખનીય છે કે, IPL 2025 ની મેગા ઓક્શનમાં લખનઉ સુપર જાયન્ટ્સે રિષભ પંતને ₹27 કરોડની રેકોર્ડબ્રેક અને જંગી રકમ ચૂકવીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. ફ્રેન્ચાઇઝીને આશા હતી કે, પંત ટીમ માટે ગેમ-ચેન્જર સાબિત થશે, પરંતુ મેદાન પર આંકડા તદ્દન અલગ કહાની બયાન કરે છે. પંતની કેપ્ટનશીપ હેઠળ લખનઉ કુલ 28 મેચ રમ્યું, જેમાંથી તે માત્ર 10 મેચ જીતી શક્યું અને 18 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. ફક્ત કેપ્ટન તરીકે જ નહીં, પરંતુ એક બેટ્સમેન તરીકે પણ પંત ફ્લોપ રહ્યો હતો. તેને 2025 માં માત્ર 269 રન અને 2026 ની વર્તમાન સિઝનમાં 138 ના સ્ટ્રાઇક રેટથી માંડ 312 રન બનાવ્યા હતા. ટીમની છેલ્લી મેચ બાદ જ ટોમ મૂડીએ પ્રેસ કોન્ફરન્સમાં સંકેત આપ્યા હતા કે કેપ્ટનશીપના દબાણની અસર પંતની બેટિંગ પર પડી રહી છે અને મેનેજમેન્ટ આ બાબતે ગંભીર આત્મનિરીક્ષણ કરશે.
એકલા હાથે ઠોકી નાખ્યા હતા અધધ રન..., વૈભવે કર્યો ખુલાસો: સૂર્યવંશીની એ ઇનિંગ વિશે સાંભળીને પીટરસન પણ ચોંકી ઉઠ્યો!
ભવિષ્યની યોજના અને નવા કેપ્ટનની રેસના વિકલ્પો
કેપ્ટન પદ છોડ્યા બાદ હવે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે, શું રિષભ પંત આગામી સમયમાં લખનઉની ટીમમાં માત્ર એક ખેલાડી તરીકે રમવાનું ચાલુ રાખશે કે પછી ટીમથી કાયમ માટે છેડો ફાડી લેશે? ક્રિકેટ નિષ્ણાતોના મતે પંત આગામી સમયમાં ટીમ સાથે જળવાઈ રહે તેવી શક્યતા ઘણી ઓછી છે. બીજી તરફ, ફ્રેન્ચાઇઝી ડિસેમ્બર મહિનામાં થનાર ઓક્શનમાં કોઈ નવા કેપ્ટન પર દાવ લગાવશે કે પછી ટ્રેડિંગ વિન્ડો દ્વારા કોઈ અનુભવી ખેલાડીને ટીમમાં લાવશે તે જોવું રસપ્રદ રહેશે. હાલની સ્થિતિએ ટીમ પાસે મિશેલ માર્શ, એડન માર્કરામ અને નિકોલસ પૂરન જેવા ઇન્ટરનેશનલ સ્તરે કેપ્ટનશીપનો એક્સપિરિયન્સ ધરાવતા દિગ્ગજ ખેલાડીઓ ઉપલબ્ધ છે, જેમાંથી કોઈ એકને પંતના સ્થાને નવો સુકાની બનાવવામાં આવી શકે છે.






