Home Sports Rishabh Pant Test Vice Captaincy Team India Selection Committee Kl Rahul Afghanistan Test

શું ઋષભ પંત પાસેથી છીનવાઈ જશે વાઇસ કેપ્ટનશીપ? : ગુવાહાટીમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય, પંતની જગ્યાએ આ સીનિયર ખેલાડી રેસમાં મોખરે

Test Vice Captain Rishabh Pant, Team India,
Published by: Nirali Gohil
Last Updated: May 18, 2026, 05:51 AM IST

ભારતીય ક્રિકેટ જગતમાંથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતને ટૂંક સમયમાં જ મોટો ઝટકો લાગી શકે છે. સમાચાર એજન્સીના અહેવાલો અનુસાર, ભારતીય પસંદગી સમિતિ પંતને ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન (ઉપ-કેપ્ટન) પદેથી દૂર કરવા પર ગંભીરતાથી વિચારણા કરી રહી છે. આ નિર્ણય પાછળ કોઈ વિવાદ નથી, પરંતુ ટીમ મેનેજમેન્ટનું માનવું છે કે નેતૃત્વની વધારાની જવાબદારી પંતની નૈસર્ગિક બેટિંગ અને મેદાન પર નિર્ણય લેવાની ક્ષમતા પર પ્રતિકૂળ અસર કરી રહી છે. ક્રિકેટ બોર્ડ ઈચ્છે છે કે, પંત કોઈપણ દબાણ વગર પોતાની આક્રમક રમત રમે.

અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચ પહેલાં ભૂમિકા પર સવાલ

રોહિત શર્માના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ, યુવા બેટ્સમેન શુભમન ગિલને ભારતીય ટેસ્ટ ટીમની કમાન સોંપવામાં આવી હતી અને તેની સાથે ઋષભ પંતને વાઇસ કેપ્ટનની મહત્વની જવાબદારી મળી હતી. જોકે, આવતા મહિને અફઘાનિસ્તાન સામે યોજાનારી એકમાત્ર ટેસ્ટ મેચ પહેલા પંતની આ ભૂમિકા પર સવાલો ઊભા થવા લાગ્યા છે. પસંદગીકારોને લાગે છે કે, કેપ્ટનશીપ અથવા વાઇસ કેપ્ટનશીપનો ભાર પંતની પ્રાકૃતિક રમત શૈલીને પ્રભાવિત કરી રહ્યો છે. એક મીડિયા રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી જણાવાયું છે કે, "ભારતીય ક્રિકેટ ઋષભ પંત જેવા મેચ વિજેતા ખેલાડીને ગુમાવવાનું કોઈ પણ સંજોગોમાં પોસાય તેમ નથી. ભૂતકાળમાં જ્યારે પણ તેને વધારાની જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે તેની નકારાત્મક અસર તેની બેટિંગ પર સ્પષ્ટપણે જોવા મળી છે." તેથી જ પસંદગીકારો ઈચ્છે છે કે તે મુક્ત મને માત્ર પોતાની બેટિંગ અને વિકેટકીપિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે.

ગુવાહાટી ટેસ્ટની એ શરમજનક હાર અને પંતની કપ્તાની

ઋષભ પંતને નવેમ્બર 2025માં દક્ષિણ આફ્રિકા સામેની ગુવાહાટી ટેસ્ટ દરમિયાન શુભમન ગિલની ગેરહાજરીમાં પહેલી વાર ભારતીય ટીમનું નેતૃત્વ સંભાળવાની તક મળી હતી. જોકે, પંતના અંડરમાં રમાયેલી એ મેચમાં ટીમ ઈન્ડિયાને 408 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ મોટી હાર બાદથી જ તેની કેપ્ટનશીપની ક્ષમતા અને મેદાન પર લીધેલા નિર્ણયો અંગે સતત પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

આ પણ વાંચો: Rajasthan Royals vs Delhi Capitals: શું વૈભવ સૂર્યવંશી બદલી દેશે IPL ઈતિહાસ? ક્રિસ ગેલ વર્લ્ડ રેકોર્ડ હવે ખતરામાં

2025 માં પ્રદર્શન સારું રહ્યું, પણ દક્ષિણ આફ્રિકા સામે બેટ શાંત રહ્યું

વર્ષ 2025 માં ઋષભ પંતનું પ્રદર્શન એકંદરે સારું રહ્યું હતું. તેણે 7 ટેસ્ટ મેચોમાં 629 રન બનાવ્યા હતા, જેમાં બે સદી અને ચાર અડધી સદીનો સમાવેશ થાય છે. જોકે, ઈંગ્લેન્ડ સામેની બે મહત્વપૂર્ણ ઇનિંગ્સને બાદ કરતાં, તે બાકીની મેચોમાં અપેક્ષા મુજબનું સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી શક્યો નહોતો. ખાસ કરીને દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝમાં તેનું બેટ સંપૂર્ણપણે શાંત રહ્યું હતું, જ્યાં તેણે ચાર ઇનિંગ્સમાં અનુક્રમે 27, 2, 7 અને 13 રનનો જ સ્કોર કર્યો હતો.

પંતની જગ્યાએ કોણ બનશે નવો વાઇસ કેપ્ટન?

જો પસંદગી સમિતિ ઋષભ પંત પાસેથી વાઇસ કેપ્ટનશીપ પાછી લેવાનો નિર્ણય કરશે, તો સીનિયર ખેલાડી કેએલ રાહુલ ટીમ મેનેજમેન્ટ માટે પ્રથમ અને મુખ્ય વિકલ્પ બની શકે છે. રાહુલ પાસે ભૂતકાળમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરવાનો સારો અનુભવ છે અને વર્તમાન ટેસ્ટ ટીમમાં તેનું સ્થાન પણ લગભગ પાકું માનવામાં આવે છે.

આવતીકાલે મહત્વની બેઠક:

અજિત અગરકરના નેતૃત્વ હેઠળની ભારતીય પસંદગી સમિતિ 19 મેના રોજ ગુવાહાટીમાં એક મહત્વની બેઠક યોજવાની છે. આ બેઠકમાં અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવાની સાથે જ ઋષભ પંતના ભવિષ્ય અને વાઇસ કેપ્ટનશીપ અંગે સત્તાવાર નિર્ણય લેવામાં આવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now