Home Gujarat Rajkot Congress Local Body Election Candidates Announcement Rajkot

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને મોટા સમાચાર : ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં, ઉમેદવારોની પસંદગી માટે તૈયાર કરી બ્લુપ્રિન્ટ, જાણો કોને આપશે ટિકી

Gujarat Congress
Published by: Viral Patel
Last Updated: Apr 02, 2026, 01:51 PM IST

Rajkot News: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો તેજ થઈ રહ્યો છે, ત્યારે રાજકોટ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર ઝોનની મહત્વની બેઠકમાં કોંગ્રેસ દ્વારા રણનીતિની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ઉમેદવારોની પસંદગી અને જાહેરાતને લઈ મહત્વની વિગતો મીડિયા સમક્ષ રજૂ કરી હતી.

5 એપ્રિલથી ઉમેદવારોના નામ જાહેર થશે

કોંગ્રેસ દ્વારા મળેલી માહિતી મુજબ, ઉમેદવારોની જાહેરાત તબક્કાવાર કરવામાં આવશે. 4 એપ્રિલથી 10 એપ્રિલ દરમિયાન ચૂંટણી સમિતીની બેઠકોનો દોર ચાલશે, જેમાં નામો પર આખરી મહોર મારવામાં આવશે. સૌથી પહેલા મહાનગરપાલિકાના ઉમેદવારોના નામ જાહેર થશે. ત્યારબાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. ઉમેદવારોના નામ જાહેર કરવાની પ્રક્રિયા 5 એપ્રિલથી શરૂ કરી દેવામાં આવશે.

નવા ચહેરા અને યુવાનો પર દાવ

આ વખતે કોંગ્રેસે ટિકિટ ફાળવણીમાં 'યુવા શક્તિ' પર ભરોસો મૂકવાનો નિર્ણય કર્યો છે. પક્ષના જણાવ્યા અનુસાર 50 ટકા ટિકિટ યુવા ઉમેદવારોને આપવામાં આવશે, જેથી સંગઠનમાં નવી ઊર્જા લાવી શકાય. સ્થાનિક આગેવાનોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે, જેથી જમીની સ્તરના પ્રશ્નો સમજતા નેતાઓ મેદાનમાં ઉતારી શકાય. અમિત ચાવડાએ ઉમેર્યું હતું કે અમે આ વખતે એવા મજબૂત ઉમેદવારો પસંદ કરી રહ્યા છીએ જે જનતાના અવાજને વાચા આપી શકે. ખાસ કરીને ૫૦ ટકા યુવાનોને તક આપીને અમે રાજકારણમાં પરિવર્તન લાવવા માંગીએ છીએ."

આ પણ વાંચો: જીતુ વાઘાણી અને અમિત ચાવડા વચ્ચે શાબ્દિક ટપાટપી: CMએ કહ્યું હોત કે જય શ્રીરામ બોલો તો હું બોલું પણ જીતુભાઈએ કહ્યું એટલે નહીં બોલું: અમિત ચાવડા

'ઓપરેશન લોટસ' સામે સુરક્ષા કવચ

ચૂંટણી પહેલા ઉમેદવારોને તોડવાના કે ડરાવવાના રાજકારણને રોકવા માટે પણ કોંગ્રેસે આક્રમક પ્લાન બનાવ્યો છે. અમિત ચાવડાએ સ્પષ્ટ કર્યું હતું કે, ચૂંટણી પહેલા કોઈ પણ ઉમેદવારને ડરાવી, લલચાવી કે ફોસલાવી ન શકાય તે માટે પક્ષ દ્વારા મજબૂત વ્યવસ્થા કરવામાં આવશે. ઉમેદવારોના મનોબળને ટકાવી રાખવા અને પક્ષ પ્રત્યેની વફાદારી જાળવી રાખવા માટે ખાસ દેખરેખ રાખવામાં આવશે.

રાજકોટમાં મળેલી આ બેઠક બાદ હવે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે 5 એપ્રિલના રોજ જાહેર થનારી પ્રથમ યાદીમાં કયા દિગ્ગજોના પત્તા કપાય છે અને કેટલા નવા ચહેરાઓને તક મળે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now