Home Gujarat Chief Minister Presented The Ucc Bill In The Gujarat Vidhansabha

જીતુ વાઘાણી અને અમિત ચાવડા વચ્ચે શાબ્દિક ટપાટપી : CMએ કહ્યું હોત કે જય શ્રીરામ બોલો તો હું બોલું પણ જીતુભાઈએ કહ્યું એટલે નહીં બોલું: અમિત ચાવડા

જીતુ વાઘાણી અને અમિત ચાવડા વચ્ચે શાબ્દિક ટપાટપી
Published by: Viral Patel
Last Updated: Mar 24, 2026, 12:01 PM IST

Gandhinagar News: ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં આજે એક મહત્વપૂર્ણ દિવસ રહ્યો હતો. મુખ્યમંત્રી દ્વારા ગૃહમાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જોકે, બિલની રજૂઆતની સાથે જ ગૃહમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. એક તરફ સત્તાપક્ષમાં ઉત્સાહનો માહોલ હતો, તો બીજી તરફ વિપક્ષે તેને આગામી ચૂંટણીઓને લક્ષમાં રાખીને લેવાયેલું પગલું ગણાવ્યું હતું.

ગૃહમાં ગુંજ્યા 'જય શ્રી રામ'ના નારા

જેવા મુખ્યમંત્રીએ ગૃહમાં UCC બિલ રજૂ કરવાની જાહેરાત કરી, તે સાથે જ સત્તાપક્ષના ધારાસભ્યોએ બાંકડા થપથપાવીને 'જય શ્રી રામ'ના નારા લગાવ્યા હતા. આ ઘટનાએ ગૃહમાં એક અલગ જ વાતાવરણ ઊભું કર્યું હતું. આ દરમિયાન ભાજપના નેતા જીતુ વાઘાણી અને કોંગ્રેસના અમિત ચાવડા વચ્ચે નારા લગાવવા બાબતે શાબ્દિક ટપાટપી પણ જોવા મળી હતી.

"ચૂંટણી નજીક આવતા જ UCC કેમ યાદ આવ્યું?" : અમિત ચાવડા

કોંગ્રેસના ધારાસભ્ય અને નેતા અમિત ચાવડાએ સરકારના આ પ્રસ્તાવ સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા. તેમણે સરકારની દાનત પર શંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જ્યારે પણ ચૂંટણીઓ નજીક આવે છે, ત્યારે જ સરકારને UCC જેવા મુદ્દાઓ કેમ યાદ આવે છે? ફેબ્રુઆરી 2025માં કમિટી બની અને માર્ચમાં રિપોર્ટ આપી દીધો. આટલી ઉતાવળ પાછળનો હેતુ માત્ર રાજકીય લાભ ખાટવાનો છે. કમિટીને 1 લાખથી વધુ સૂચનો મળ્યા હતા, પરંતુ આ રિપોર્ટ હજુ સુધી જાહેર જનતા માટે કેમ મૂકવામાં આવ્યો નથી?

ભેદભાવ અને અપારદર્શકતાના આક્ષેપો

અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે આ બિલમાં ભેદભાવની ભાવના છુપાયેલી છે. તેમણે ઝવેરી કમિશન (OBC અનામત) ના રિપોર્ટનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જેમ એ રિપોર્ટ હજુ સુધી સાર્વજનિક થયો નથી, તેમ UCC કમિટીના રિપોર્ટને પણ ગુપ્ત રાખીને ભાજપ પોતાનો રાજકીય એજન્ડા ચલાવી રહી છે. તેમણે ઉમેર્યું કે, "કોઈપણ કાયદો બનાવતી વખતે દરેક ધર્મના આગેવાનોને જોડવા જોઈએ જેથી કોઈની લાગણી ન દુભાય."

'મુંહ મેં રામ, બગલ મેં છુરી' : નારા પર રાજકારણ

ગૃહમાં જ્યારે જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે તેઓ 'જય શ્રી રામ' નથી બોલતા, ત્યારે અમિત ચાવડાએ વળતો પ્રહાર કર્યો હતો. ચાવડાએ કહ્યું જો મુખ્યમંત્રીએ મને કહ્યું હોત તો હું જરૂર 'જય શ્રી રામ' બોલત, પણ જીતુભાઈ કહે એટલે નહીં બોલું. એમનું તો એવું છે કે 'મુંહ મેં રામ, બગલ મેં છુરી'. મને એમ હતું કે આ બિલ હર્ષ સંઘવી રજૂ કરશે, પણ મુખ્યમંત્રીએ રજૂ કર્યું એટલે મારું ભાષણ બદલાઈ ગયું છે."

કાયદો અને વ્યવસ્થા પર સવાલ

ચાવડાએ સરકારને ઘેરતા અન્ય આંકડાઓ પણ રજૂ કર્યા હતા. તેમણે દાવો કર્યો કે છેલ્લા 5 વર્ષમાં પોક્સો (POCSO) હેઠળના 31,617 કેસ પેન્ડિંગ છે. માત્ર વર્ષ 2025માં જ 5,135 કેસ બાકી છે. સરકાર મૂળભૂત કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહી છે અને માત્ર ચૂંટણી જીતવા માટે નવા બિલો લાવી રહી છે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ બિલને વર્તમાન સ્વરૂપમાં સમર્થન આપતા નથી. વિપક્ષની માંગ છે કે આ બિલ પર વિસ્તૃત ચર્ચા થવી જોઈએ અને તેને આગામી સત્રમાં લાવવું જોઈએ. હવે જોવાનું એ રહેશે કે આગામી 2027ની ચૂંટણીઓ પહેલા આ 'માસ્ટરસ્ટ્રોક' ગણાતું બિલ ગુજરાતના રાજકારણમાં કેવો વળાંક લાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now