આજે 25 સપ્ટેમ્બરે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની આગેવાનીમાં ગુજરાત યુનિવર્સિટીમાં સફાઈ અભિયાન યોજવામાં આવ્યું હતું. યુનિવર્સિટીમાં સફાઇ અભિયાન દરમિયાન ઋષિકેશ પટેલને ખાલી દારૂની બોટલ મળી હતી. જે તેમને કુલપતિને પકડાવી દીધી હતી. આ પછી કુલપતિએ મીડિયાના કેમેરાથી બચીને દારુની ખાલી બોટલ કચરાપેટીમાં નાંખી દીધી હતી.
આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે. સૌથી પહેલો અને મોટો સવાલ એ છે કે શું ગુજરાતમાં ખરેખર દારુબંધી છે? શું ગુજરાત 'ડ્રાય સ્ટેટ' છે? જો 'હા' તો આ રીતે યુનિવર્સિટીમાંથી દારુની ખાલી બોટલનું મળી આવવું શું દર્શાવે છે.
ગુજરાત યુનિવર્સિટીમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિતે 'સ્વચ્છતા એ જ સંકલ્પ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે હાજરી આપી હતી.
ઋષિકેશ પટેલે યુનિવર્સિટી કેમ્પસમાં સફાઇ પણ કરી હતી. આ સફાઇ અભિયાન દરમ્યાન કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલ મળી આવી હતી. સફાઇ દરમ્યાન દારૂની ખાલી બોટલ મળતા આરોગ્યમંત્રી સતર્ક થયેલા જોવા મળે છે. તેઓ ખુબજ સાવચેતીથી મીડિયાના કેમેરાથી બચવા માંગતા હોય તે રીતે યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાને તે બોટલ ચૂપચાપ સરકાવી દે છે.