Neel City Club Garba Night in Rajkot: વર્ષોથી એક પ્રકારે રાજકોટને સૌરાષ્ટ્રનું પાયનગર માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છેકે, આ શહેરમાં સંસ્કાર અને સંસ્કૃતિનું જતન કરવામાં આવે છે. જોકે, આ વખતની નવરાત્રિમાં અહીં સંસ્કૃતિની ઐસીતૈસી કરીને ગરબાના નામે બિભત્સ ગીતો પર ઠુમકા લગાવાયા હોવાની ઘટના સામે આવી છે. રાજકોટના નામચીન નીલ સિટી ક્લબના ગરબા વિવાદનું કેન્દ્ર બન્યા છે. માતાજીની આરાધનાના આ પવિત્ર તહેવારમાં આયોજકોએ જાણે ભાન ભૂલીને ગુજરાતી સંસ્કૃતિ અને સભ્ય સમાજના મૂલ્યોને લાંછન લગાડ્યું હોય તેવું ચિત્ર ઊભું થયું છે. આ ઘટનાને પગલે હાલ સમગ્ર સંત સમુદાયમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે. રોષે ભરાયેલા જ્યોર્તિનાથ મહારાજે આયોજકો સામે પગલાં લેવાની માંગ કરી છે. તહેવારના પવિત્ર માહોલને ખરડતી ઘટનાઓની શ્રેણીથી નાગરિકોમાં ઉદ્વેગ અને રોષ જોવા મળી રહ્યો છે.
ભક્તિની જગ્યા બોલિવૂડના બીભત્સ ગીતો?
નવરાત્રીના નામે આયોજિત આ ગરબા પ્રસંગમાં, પરંપરાગત લોકસંગીત કે માતાજીના ભક્તિગીતોની જગ્યાએ, બોલિવૂડ અને અંગ્રેજી ગીતોના ડીજે પર યુવાનોના ઠુમકા જોવા મળ્યા હતા. ચિંતાજનક બાબત એ છે કે આ ગીતોમાં કેટલાક શબ્દો અને ભાવો એવા હતા કે, જેને સાંભળીને પણ શરમ આવે. માતાજીની આરાધનાના પવિત્ર તહેવારમાં આવા ગીતો અને નૃત્ય – એ માત્ર ભક્તિની નહીં, પણ ગુજરાતી સંસ્કૃતિની પણ અવગણના છે.
વારંવાર વિવાદ છતાં સુધારાનો અભાવ-
આ પહેલી વાર નથી કે ‘નીલ સિટી ક્લબ’ના આયોજકો વિવાદમાં આવ્યાં હોય. ગયા વર્ષે પણ નવરાત્રી દરમ્યાન દારૂના ગીતો વગાડવાના મુદ્દે આ જ ક્લબ વિવાદમાં આવી હતી. છતાં, આ વર્ષે પણ સમાન રીતે બેફિકરાઈપૂર્વક આયોજન કરવામાં આવવું એ દર્શાવે છે કે આયોજકોના મનમાં ન તો તહેવાર પ્રત્યે શ્રદ્ધા છે અને ન તો સંસ્કૃતિ પ્રત્યે જવાબદારી.
રાજકીય સંબંધો અને જવાબદારીનો અભાવ-
આયોજન પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુના ભાણેજ સમર્થ મહેતાએ કર્યું હોવાના કારણે, આ વિવાદે રાજકીય રંગ પણ ધારણ કર્યો છે. જે પરિવારો રાજ્ય અને સમાજ સામે જવાબદારી ધરાવે છે, તેમના સભ્ય દ્વારા આવા વિવાદાસ્પદ અને અનુચિત કાર્યક્રમો યોજાવા એ સારા સંકેત નથી. આ ઘટનાથી માત્ર સંસ્કૃતિને નહિ, પણ સમાજના નૈતિક ધોરણોને પણ ઠેસ પહોંચતી જોવા મળી છે.
સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ-
વિવાદ સર્જનાર સંગીતથી લઈને, લોકવિરોધી વ્યવહાર સુધી – વિવાદો અહીં પૂરતા નથી. ગઈકાલેGarba Night દરમિયાન મારામારી થઈ હોવાની ચર્ચાઓ પણ સોશિયલ મિડિયા અને સ્થાનિક મીડીયામાં ફરકી રહી છે. આવી ઘટનાઓ “ધાર્મિક અને સાંસ્કૃતિક” તહેવારના નામે થતી હોય ત્યારે, તે કાર્યક્રમના મેનેજમેન્ટ અને સુરક્ષા વ્યવસ્થાઓ પર ગંભીર સવાલો ઊભા કરે છે.
રાજકોટના સંસ્કૃતિપ્રેમી નાગરિકોએ આ ઘટના સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમની સ્પષ્ટ માંગ છે કે, નવરાત્રીના તહેવારને ભક્તિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે ઉજવવામાં આવે. આવા અનૈતિક આયોજન ઉપર કડક નિયંત્રણ મુકવામાં આવે. ભવિષ્યમાં આવા પ્રસંગોને મંજૂરી આપતી વખતે યોગ્ય સમીક્ષા થાય. ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારા કાર્યક્રમો સામે કાનૂની પગલાં લેવાય.