અમદાવાદના ચંડોળા તળાવમાં ગેરકાયદેસર બાંધકામને દૂર કરવાની ઓથોરિટીની ડ્રાઇવ દરમ્યાન લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહ મહમદ દ્વારા ચંડોળા તળાવમાં આવેલી સરકારી જમીન પર ગેરકાયદેસર ફાર્મ હાઉસ, પાણીનો બોર, વીજળી કનેક્શન, ગટર લાઈન વગેરે લઈ લીધા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેમાં તેઓની સામે DCB પોલીસ સ્ટેશને BNS અને ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.
પિતા પુત્ર બંને સહિત અન્ય બે આરોપી સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં મણિનગર સીટી મામલતદાર દ્વારા 08 મે ના રોજ સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ, ગેરકાદેસર ગટર કનેક્શન, ગેરકાયદેસર વીજ પુરવઠો અને પાણી કનેક્શન મેળવવા જેવા ગુના સંદર્ભે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ લલ્લા બિહારી વિરુદ્ધ 06 મેના રોજ ખાનગી ફરિયાદ નોંધાઇ હતી. જેમાં લોકોને ડરાવી ધમકાવીને તેમના વાહનો પડાવવા અને પૈસા ઉઘરાવતો હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી.
હાઈકોર્ટે પિતા-પુત્રના શરતી જામીન મંજૂર કર્યા
ઉપરોક્ત ફરિયાદ પૈકી બંને પિતા પુત્રને DCB પોલીસ મથક અને ઈસનપુર પોલીસ મથકે નોંધાયેલી એક ફરિયાદમાંથી સેશન્સ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. જ્યારે DCB પોલીસ મથકે નોંધાયેલી મુખ્ય ફરિયાદ સામે સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી. જેની સામે બંને હાઇકોર્ટ પહોંચ્યા હતા. જે જામીન અરજી હાઇકોર્ટે મંજૂર રાખી છે. જેમાં પોલીસ સ્ટેશને હાજરી, ભારત છોડશે નહીં જેવી શરતો મૂકાઇ છે. હવે બંને પિતા પુત્રે પોતાની સામે પાસા એક્ટ અંતર્ગત કાર્યવાહી થાય નહીં તે માટે હાઇકોર્ટમાં અરજી કરી છે. જેની ઉપર આગામી સમયમાં સુનવણી યોજાશે.