હાલમાં રાજ્યમાં જોરસોરથી નવરાત્રી ચાલી રહી છે, ત્યારે હવામાન વિભાગ તરફથી ખરાબ સમાચાર આવી રહ્યા છે. આવતીકાલથી રાજ્યના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુસાર, રાજ્યમાં છૂટાછવાયાં સ્થળે બીજી ઓકટોબર સુધી વરસાદની શક્યતા દર્શાવી છે. ત્યારે અમદાવાદમાં રવિવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે હાલ ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે, જે આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાશે, જેના પગલે રાજ્યમાં આવતીકાલથી છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદની શક્યતા છે.
દક્ષિણ ગુજરાત પર ખાસ નજર
આગામી 24 કલાક બાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્રને પણ સતર્ક કરવામાં આવ્યું છે. ગાજવીજ સાથે વરસાદ વરસવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા રહેલી છે, જેને લઈને નાગરિકોને સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે.