logo-img
Study Tour Of Rajasthan Journalists At Sou Ektanagar

SOU એકતાનગર ખાતે રાજસ્થાનના પત્રકારોની સ્ટડી ટૂર : રાજસ્થાન-ગુજરાત વચ્ચેના સાંસ્કૃતિક જોડાણની સમજણ મેળવી

SOU એકતાનગર ખાતે રાજસ્થાનના પત્રકારોની સ્ટડી ટૂર
Published by: Offbeat Team
| Last Updated: Sep 26, 2025, 01:28 PM IST

લોહપુરુષ, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' એકતા નગર ખાતે રાજસ્થાનના અગ્રણી પત્રકારોની ટીમ સ્ટડી ટૂર માટે આવી હતી. મીડિયાના વરિષ્ઠ પત્રકારો, ફોટોગ્રાફર્સ અને ડિજિટલ મીડિયા નિષ્ણાંતોની ટીમે અહીંના સ્વચ્છ અને શાંત વાતાવરણની અનુભૂતિ કરી હતી. એકતાનગર પરિસરમાં પર્યટકો માટે પર્યાવરણહિતેષી અભિગમ સાથે ઇ-વ્હીકલ્સની પણ પત્રકારોએ નોંધ લીધી હતી.

ઐતિહાસિક યોગદાન અંગે માહિતી મેળવી

ભારતની રાષ્ટ્રીય એકતા, સાંસ્કૃતિક વિવિધતા અને વિકાસના પ્રતિક તરીકે અંકિત થનારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના ભવ્ય દર્શન થતાં વરિષ્ઠ મીડિયાકર્મીઓ અભિભૂત થયા હતા. પત્રકારોની ટૂકડીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી ખાતેથી સરદાર સરોવર નર્મદા ડેમ, વિદ્યાંચલ-સાતપુડાની ગિરીમાળાઓ અને પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. સ્ટેચ્યુ પરિસરમાં મહેમાનોએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન, આદર્શો, વિચારધારા અને રાષ્ટ્રીય એકતા માટેના તેમના ઐતિહાસિક યોગદાન અંગે ગાઈડ પાસેથી વિસ્તૃત માહિતી મેળવી હતી.

રાજસ્થાન-ગુજરાત વચ્ચેના સાંસ્કૃતિક જોડાણની સમજણ

ટૂર દરમિયાન પત્રકારોએ એકતાનગરના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન વિષે જાણ્યું હતું, જેમાં પર્યાવરણ મૈત્રીપૂર્ણ પ્રવૃત્તિઓ અને પર્યટનને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. નોંધનીય છે કે, અહીંના સ્થાનિક વિકાસ માટે પણ એકતાનગરની મહત્વતા વિષે પત્રકારોએ માહિતી મેળવી હતી. રાજસ્થાનના પત્રકારો, જેમને રાજસ્થાન-ગુજરાત વચ્ચેના સાંસ્કૃતિક જોડાણની સમજણ છે, તેઓએ આ અનુભવને તેમના વાચકો સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

પત્રકારોનો સ્ટડી ટૂર

આ સ્ટડી ટૂર ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો. આ તકે, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેક્ટર ગોપાલ બામણીયા અને નારાયણ માધુએ રાજસ્થાનના પત્રકારો સાથે બેઠક કરી હતી. જ્યાં પત્રકારોના અનુભવ જાણીને તેમના પ્રતિભાવો મેળવી ઉચ્ચ અધિકારીઓએ પત્રકારોને પ્રેઝન્ટેશનના માધ્યમથી અહીંના પ્રોજેક્ટની વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. અંતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી તરફથી મહેમાનોને સ્મૃતિચિન્હ રૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ તકે અધિક કલેક્ટર દર્શક વિઠલાણી, નાયબ પોલીસ અધિક્ષક રિયાઝ સરવૈયા, મામલતદાર મનીષ ભોઈ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના PRO રાહુલ પટેલ સહિત ઓથોરિટીના ગાઈડ પણ જોડાયા હતા.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now