Navratri 2025: આ વખતની નવરાત્રિમાં REELSના વળગણે સંસ્કૃતિનું ધનોતપનોત વાળી દીધું. હિંદુ સંગઠનો, સાધુ-સંતો, ગરબા રસિકો અને વડીલો સૌ કોઈ નવરાત્રિમાં સામે આવેલી અશ્લીલ હરકતોનો વિરોધ કરી રહ્યાં છે. ખુદ સરકારે પણ આ બાબતને ગંભીરતાથી લઈને નવરાત્રિ દરમિયાન ગરબામાં જાહેરમાં આવી અશ્લીલ હરકતો કરીને આપણી સંસ્કૃતિને ઠેસ પહોંચાડનારાઓ સામે કાર્યવાહી કરવાની વાત કરી છે.
ગરબામાં અશ્લીલ હરકતો સામે આવતા યુનાઈટેડ વે ના આયોજક અતુલ પુરોહિતે ગરબા રમતા ખેલૈયાઓને કહેવું પડ્યુંકે, "પ્લીઝ બેટા, હું તમને વિનંતી કરું છું કે ગ્રાઉન્ડ પર આવી હરકતો ના કરશો, યુનાઈટેડ વે હોય, કે કોઈપણ ગ્રાઉન્ડ હોય. એ માતાજીનું મંદિર છે અને એની આમાન્યા જાળવો. આ બહુ દુ:ખદ બાબત છે. તમારી લાગણીઓને કાબૂમાં રાખો. કઈ જગ્યાએ તમે છો, એનું ધ્યાન રાખો. મારી કે બીજા કોઈની નહીં પરંતુ માતાજીની આમાન્યા રાખો. જેણે તમને ગરબા કરવા લાયક બનાવ્યા છે. તમારી એક ક્ષણની રીલના લીધે આખું ગ્રાઉન્ડ બદનામ થાય, હજારો ખેલૈયા બદનામ થાય છે.
વડોદરામાં ગરબા દરમિયાન ચુમ્માચાટીના કિસ્સાઓઃ
સંસ્કારી નગરી વડોદરામાં ગરબા દરમિયાન જાહેરમાં ચુમ્માચાટી અને અશ્લીલતા ફેલાવવાના કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. પહેલાં યુનાઇટેડ વેના ગરબામાં દુષ્કર્મ કેસના આરોપી વિલ્સન સોલંકીની પત્ની સાથેની રીલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે. આ ઉપરાંત શહેરના બીજા એક જાણીતે ગરબામાં પણ એક કપલે જાહેરમાં ચુંબન કરતી અશ્લીલ રીલ બનાવી વાયરલ કરી હતી. માતાજીની ભક્તિના પવિત્ર તહેવાર નવરાત્રિમાં કપલની શરમજનક હરકતથી હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો હતો. આ ઘટના બાદ સનાતન સંત સમિતિએ આયોજકો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.
"આયોજકો માટે ગરબા માત્ર પૈસા કમાવવાનો ધંધો છે, એમને ધાર્મિકતામાં કોઈ રસ નથી"
વડોદરાની માંજલપુર વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યુંકે, વડોદરા યુનાઇટેડ વેનાં ગરબામાં અશ્લીલતાની પરાકાષ્ઠા જોવા મળી છે. ગરબાના નામે અંગ પ્રદર્શન અને બીજી અશ્લીલ પ્રવૃત્તિઓ થાય તે ખોટું છે. નવરાત્રિમાં આવા બનાવો ખુબ જ ગંભીર બાબત છે. આયોજકો કોઈ ધ્યાન આપતા નથી. નવરાત્રિના મોટાભાગના આયોજકોને ધાર્મિકતા સાથે કોઈ લેવાદેવા નથી. આ લોકો તકનો લાભ લઈને પૈસા કમાવવા માંગે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જેમ હવે ગરબાની સ્થિતિ થઈ ગઈ છે.
"ગરબામાં અશ્લીલ હરકતો કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે"
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુંકે, નવરાત્રિમાં ગરબાના નામે કોઈપણ પ્રકારની અશ્લીલ હરકતો ચલાવી લેવાશે નહીં. આપણી હિંદુ સંસ્કૃતિને ઠેસ પહોંચાડે એવી હરકતો કરનાર સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. આયોજકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
મહત્ત્વનું છેકે, ગરબામાં નાના બાળકો પણ હાજર હોય છે તેઓ આ પ્રકારની અશ્લીલ હરકતો જોઈને શું શીખશે. ગરબામાં મોટી ઉંમરના વડીલો પણ હાજર હોય છે. તેમની હાજરીમાં યુગલો દ્વારા જાહેરમાં ચુમ્માચાટીનું વર્તન કેટલે અંશે યોગ્ય છે. જો આમને અત્યારે નહીં રોકવામાં આવે તો આગળ જતાં તેઓ આના કરતા પણ વધારે ખરાબ હરકત કરશે. વિદેશોમાં આ બધુ કોમન હોઈ શકે છે. પણ આ ભારત છે, અહીં સભ્યતા અને સંસ્કૃતિ છે.