હાલમાં રાજ્યમાં જોરસોરથી નવરાત્રી ચાલી રહી છે, ત્યારે હવામાન વિભાગ તરફથી ખરાબ સમાચાર આવી રહ્યા છે. રાજ્યના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુસાર, રાજ્યમાં છૂટાછવાયાં સ્થળે બીજી ઓકટોબર સુધી વરસાદની શક્યતા દર્શાવી છે.
રાજ્યમાં આજે સવારથી કેટલીક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સુરત, નવસારી, તાપી સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છે. વરસાદના કારણે વૃક્ષ-દીવાલ ધરાશાયી થયા, શેડ ઊડી ગયા, ખેલૈયાની મજા ખરાબ થઈ રહી છે.
સુરતમાં રવિવારે વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે. જેની અસર નવરાત્રિના ગરબા આયોજનોમાં અડચણ ઊભી થઈ રહી છે. ત્યારે લાંબા સમયના વિરામ બાદ મહીસાગરના લુણાવાડા સંતરામપુર અને ગ્રામ વિસ્તારમાં હળવું વરસાદની શરૂઆત થઈ ગઈ છે. જેના નવરાત્રિ આયોજકોમાં ચિંતા જોવા મળી રહી છે.
નવસારીના ચીખલી ગામમાં સરકારી ગોડાઉનના પતરાના શેડ ઊડ્યાં
ગત રાત્રે વાવાઝોડું અને ભારે વરસાદના કારણે નવસારીના અનેક ગામોમાં ભારે તારાજી સર્જાઈ હતી. ભારે વરસાદ અને વાવાઝોડાના પરિણામે ચીખલીમાં સરકારી અનાજના ગોડાઉનની એકતરફથી દીવાલ ધરાશાયી થઈ અને ગોડાઉનમાં એક તરફના શેડના પતરા ઉડી ગયા. તેના કારણે અંદર મૂકાયેલ ઘઉં અને ચોખાનો 277 ટનથી વધુ જથ્થો વરસાદના પાણીમાં પલળી ગયો.
સ્ટેશન રોડ પર વૃક્ષો અને શેડ તૂટ્યા
વલસાડના સ્ટેશન રોડ રેલ્વે કોલોની પાસે ભારે વરસાદને કારણે ઘણા મહાકાય વૃક્ષો તૂટી પડ્યા, પરિણામે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા. આ ઉપરાંત, જૂની ઇમારત પરથી પતરાના શેડ તૂટી પડ્યા.