અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલા અમદુપુરા-નરોડા રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. અરવિંદ મિલ સામે એક બેફામ ઝડપે દોડી આવેલી કાર ચાલકે એક આધેડ વ્યક્તિને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ભોગ બનનારને માથામાં તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમને ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.
આરોપી ફરાર થવાના પ્રયાસમાં હતો
આ ઘટના પછી કારચાલક બનાવ સ્થળ પરથી ફરાર થવાના પ્રયાસમાં હતો, પરંતુ સ્થાનિક નાગરિકોએ બહાદુરી દર્શાવતા તેને તાત્કાલિક પકડી લીધો અને પોલીસના હવાલે કર્યો. ઘટનાની જાણ થતાં શહેરકોટડા પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈને આરોપીને પકડી લીધા અને વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસે કાર્યવાહી હાથધરી
અકસ્માતમાં મૃત્યુ પામેલા આધેડની ઓળખ હજુ સુધી જાહેર કરાઈ નથી, પરંતુ પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી દેવામાં આવ્યો છે. આરોપી કારચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (IPC)ની કલમ 106, 281, તથા 125(a), 125(b) તેમજ મોટર વાહન અધિનિયમ (MVA) હેઠળ કલમ 177 અને 184 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. શહેરમાં વારંવાર બની રહેલા આવા બેફામ વાહન ચાલકના બનાવોને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે.