ગાંધીનગરમાં આગામી આસો સુદ નોમના દિવસે ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામ વરદાયિની માતાની પલ્લી ઉજવવામાં આવનાર હોય, તે અન્વયે કલેકટર મેહુલ કે. દવેના માર્ગદર્શન તથા પ્રાંત અધિકારી તેમજ ડેઝીગ્નેટેડ ઓફિસરના દિશા નિર્દેશ હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર વર્તુળ દ્વારા રૂપાલ ગામે ખાણી પીણીની પેઢીઓની તપાસ કરવામા આવી હતી.
13 જેટલી ખાણી પીણીની પેઢીઓની તપાસ કરી
ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા રૂપાલ ગામે આવેલ જુદી જુદી 13 જેટલી ખાણી પીણીની પેઢીઓની તપાસ કરી ભક્તોને શુધ્ધ, આરોગ્યપ્રદ, હાઇજેનિક ખોરાક મળી રહે તે માટે જરૂરી સૂચનો કરેલ છે. આ ઉપરાંત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સને પણ સતત ફરતી રાખીને પાછલા અઠવાડિયાંમાં 40 જેટલી પેઢીઓમાં તપાસ કરી ટીપીસી મશીનથી તળેલાં તેલની તપાસ તેમજ પીવાના પાણીની બોટલમાંથી pH મશીન થી pH ટેસ્ટની સ્થળ પર જ તપાસ કરવામાં આવી હતી.
દુકાનોમાંથી ઘીની તપાસ કરી
વધુમાં આગામી આસો સુદ નોમના પલ્લીના દિવસ દરમ્યાન ખોરાક અને ઔષધ નિયમન ગાંધીનગર તેમજ અન્ય જિલ્લાની ટીમો દ્વારા રૂપાલ ખાતે સતત ઉપસ્થિત રહી ઘીના વેચાણ કરતા ફેરિયાઓની, દુકાનોમાંથી ઘીની તપાસ કરી અને કાયદેસરના નમૂના લેવાની કામગીરી કરવામાં આવશે.