બોટાદ જિલ્લામાં પાળીયાદથી સાકરડી ગામ તરફ જતાં માર્ગ પર આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એક ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓનું ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયું છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે.
બસમાં 50થી વધુ મુસાફરો સવાર
આ લક્ઝરી બસમાં કુલ 50થી વધુ મુસાફરો સવાર હતા. અકસ્માત બાદ આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા અને ઘાયલ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતાં. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે બોટાદ અને ભાવનગરની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાળીયાદ અને બોટાદની સરકારી હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ શરૂ કરી છે. આ અકસ્માતને લઈ સમગ્ર વિસ્તારમાં દુઃખદ માહોલ છવાઈ ગયો છે.
બંને વાહનોની ઝડપ વધુ હોવાની શક્યતા
અહેવાલ અનુસાર અકસ્માતનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી, પરંતુ પ્રાથમિક રીતે એવી આશંકા વ્યક્ત થઈ રહી છે કે બંને વાહનોની ઝડપ વધુ હતી અને સામે સામેની ટક્કરથી ગંભીર નુકસાન થયું છે. અકસ્માતની ઘટનાના પગલે રસ્તા પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, જેના પગલે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા.
મૃતકોના નામ
વલ્લભભાઈ વશરામભાઈ ગોહિલ
અલ્પેશભાઈ બચુભાઈ વસાણી
મુકેશભાઈ બુધાભાઈ (તમામ રહે ઉમરાળા ગામ, તા.રાણપુર)