અમદાવાદ શહેરના નજીક આવેલા કમોડ ગામ પાસેથી દુઃખદ ઘટના સામે આવી છે. સાબરમતી નદી પાસે એક જ દિવસે બે વ્યક્તિઓના મૃતદેહ મળી આવતા સમગ્ર ગામમાં અને મૃતકોના પરિવારોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
એક દિવસમાં નદીમાંથી બે મૃતદેહ મળી આવ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રથમ મૃતદેહ કાળુભાઈ રબારી (ઉંમર 65), રહેવાસી ગામ કમોડના હતા. તેઓ પોતાની ભેંસોને ઘાસચારો ચરાવવા નીકળ્યા હતા. જે ભેંસોને ચરાવીને પરત ફરતી વખતે કાળુભાઈએ સમય બચાવવા નદીમાંથી શોર્ટ કટ લેવાનું નક્કી કર્યું અને ભેંસો સાથે પાણીમાંથી પસાર થવા લાગ્યા. પરંતુ પાણીનો પ્રવાહ વધારે હોવાને કારણે તેઓ નદીમાં તણાઈ ગયા હતાં. ઘટના બાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને શોધખોળ દરમિયાન તેમનું મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.
ગામમાં શોકની લાગણી છવાઈ
જ્યારે ફાયર વિભાગ કાળુભાઈનો મૃતદેહ બહાર કાઢી રહ્યા હતા, ત્યારે તેમને પુલના બીજી તરફ પણ પાણીમાં તરતો બીજો મૃતદેહ જોવા મળ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે આ મૃતદેહ પંકજ ઈશ્વર રાજપૂત (ઉંમર 40), રહેવાસી ગામ કમોડનો છે. પંકજની માતાએ માહિતી આપી હતી કે તેઓ છેલ્લા કેટલાક દિવસોથી માનસિક રોગથી પીડાતા હતા. પોલીસે બંને બનાવની વિગતો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. એક જ દિવસે કમોડ ગામના બે મૃતદેહ નદીમાંથી મળતાં આખા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ગામના લોકો અને પરિવારજનો આ અણધારી ઘટનાઓથી ખૂબ જ દુઃખમાં છે.