ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ કાગવડ સ્થિત ખોડલધામ મંદિરની મુલાકાત લીધી હતી. તેમની સાથે તેમના પુત્રી અનાર પટેલ પણ હાજર રહ્યાં હતા. આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલ સહિતના આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું.
માતાજીના મંદિરના શિખર પર ધ્વજારોહણ કરી
રાજ્યપાલ આનંદીબેન પટેલે મા ખોડલ મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. તેમણે સમાજ અને રાષ્ટ્રની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. મંદિર પરિસરમાં તેમણે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓની જાણકારી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન આનંદીબેન પટેલ અને તેમના પુત્રી અનારબેન પટેલના હસ્તે માતાજીના મંદિરના શિખર પર ધ્વજારોહણ કરી હતી.
ટ્રસ્ટની ભાવિ યોજનાઓ અને સામાજિક કાર્યો અંગે ચર્ચા કરી
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલે રાજ્યપાલની આ મુલાકાતને પ્રેરણાદાયી ગણાવી હતી. તેમણે ટ્રસ્ટની ભાવિ યોજનાઓ અને સામાજિક કાર્યો અંગે આનંદીબેન પટેલ સાથે ચર્ચા-વિચારણા કરી હતી. આ પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના અન્ય ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.