રાજ્યમાં મગફળીના ઊંચા ભાવો ન મળતાં ખેડૂતોમાં ભારે ચિંતાનું માહોલ છવાયો છે. મગફળીનો પાક તૈયાર થઇ ગયો છે, પરંતુ યોગ્ય ભાવ ન મળતા અને સરકાર તરફથી સ્પષ્ટતા ન મળતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે.
મગફળીનું રજીસ્ટ્રેશન ફરીથી શરૂ કરવાની માંગ
ખેડૂતોની માંગ છે કે, મગફળીનું રજીસ્ટ્રેશન ફરીથી શરૂ કરવું જોઈએ અને સમયમર્યાદા પણ વધારવી જોઈએ, જેથી જે ખેડૂતોએ સમયસર રજીસ્ટ્રેશન ન કર્યું હોય તેઓ પણ ટેકાના ભાવ હેઠળ પાક વેચી શકે. સાથે જ ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે, 100 ટકા મગફળીનો પાક ટેકાના ભાવે ખરીદવામાં આવે અને સેટેલાઈટ આધારિત મગફળી સર્વે રદ કરવામાં આવે, જેનાથી અનેક ખેડૂતોએ નુકસાન ભોગવવું પડ્યું છે.
કિસાન સંઘનું નિવેદન
ભારતીય કિસાન સંઘ ગુજરાતના મહામંત્રી આર કે પટેલે નિવેદન આપતાં કહ્યું કે, "ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે સરકાર હજુ સુધી કેટલો જથ્થો ખરીદશે તે જાહેર કર્યું નથી, જેને કારણે ખેડૂતોમાં અજ્ઞાનતા અને મૂંઝવણ છે." તેમણે જણાવ્યુ કે, "ગયા વર્ષ કરતાં મગફળીનો પાક પણ વધારે થયો છે અને રજીસ્ટ્રેશન પણ ડબલ થયું છે, છતાં સરકાર તરફથી કોઈ ચોક્કસ નક્કી કરેલી રણનીતિ જોવા નથી મળી."
'50 ટકા જથ્થો ટેકાના ભાવે ખરીદે તેવી માગણી'
કિસાન સંઘની સ્પષ્ટ માંગ છે કે, "સરકાર પકવેલી મગફળીમાંથી ઓછામાં ઓછું 50 ટકા જથ્થો ટેકાના ભાવે ખરીદે અને રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી થઇ ગઈ હોય તો ખરીદીની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવામાં આવે" વધુમાં જણાવ્યું કે, "દિવાળીના તહેવારોમાં ખેડૂતોને પૈસાની જરૂરિયાત રહે છે, તેથી જો સરકારે હવે પ્રક્રિયા ઝડપથી શરૂ ન કરી તો ખેડૂતોને આર્થિક દ્રષ્ટિએ મોટું નુકસાન ભોગવવું પડશે."