ગુજરાત રાજ્યમાં કેફી અને માદક પદાર્થોના સેવન તથા હેરફેરને સદંતર રીતે નેસ્તનાબુદ કરવા એ.ટી.એસ.ના અધિક પોલીસ મહાનિર્દેશકના માર્ગદર્શન હેઠળ સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત ભુજ સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ પોલીસ દળોને કડક સૂચનાઓ આપી હતી કે નાર્કોટીક્સની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા તત્વો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે.
આ અનુસંધાને એસ.ઓ.જી. ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ 29 સપ્ટેમ્બર, 2025 ના રોજ શેખપીર ત્રણ રસ્તા નજીક વાહન ચેકિંગ દરમ્યાન અંજારથી ભુજ તરફ આવતી મારુતિ સુઝુકી બલેનો કારને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમ્યાન કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અડધી ભરેલી બોટલ (રૂ. 1000) તથા 11 ગ્રામ હેરોઇન (આંતરરાષ્ટ્રીય કિંમત રૂ. 5.50 લાખ) સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. સાથે જ કાર, બે મોબાઇલ ફોન, રોકડ રકમ, ડિજિટલ વજનકાંટો મળી કુલ રૂ. 8,59,560 નો મુદ્દામાલ કબ્જે લેવાયો.
આ કાર્યવાહી દરમ્યાન પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમાં શક્તિસિંહ રવિન્દ્રસિંહ ઝાલા અને શિવરાજ સુરેશભાઈ ગઢવીનો સમાવેશ થાય છે.
પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ તથા પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાઈ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ સફળ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે કચ્છ જિલ્લામાં નાર્કોટીક્સના ગેરકાયદેસર વેપાર અને સેવન સામે પોલીસ તંત્ર વધુ સજાગ બની અસરકારક પગલાં લઈ રહ્યું છે.