પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીત નગર વિસ્તારમાં આવેલ ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં આજે ફરી એકવાર ગેસ લીકેજની ઘટનાથી હડકંપ મચી ગયો હતો. આ ઘટના કંપનીના CFC પ્લાન્ટમાં બની હતી, જ્યાંથી અચાનક ગેસ લીક થવા લાગ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સ્થિતિ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
અગાઉ ગેસ લીકેજની ઘટનામાં બેના મોત થયા હતા
સદ્દનસીબે ઘટનામાં કોઈપણ જાતની જાનહાની કે અસર થવાના સમાચાર મળ્યા નથી, જે એક રાહતની વાત છે. જોકે, થોડા દિવસ અગાઉ જ આવી જ ગેસ લીકેજની ઘટનામાં 2 લોકોના મોત થયા હતા અને 11 લોકોને અસર પહોંચી હતી, જેના કારણે આજની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
લોકોએ રોષ ઠાલવ્યો!
ઘટના સમયે કંપનીમાં અંદર 12 કામદારો હાજર હતા, પરંતુ કંપની મેનેજમેન્ટના દાવા અનુસાર તમામ કામદારો સલામત છે અને તેમને કોઈ નુકસાન થયું નથી. ગેસ લીકેજના સમાચાર મળી બહારના વિસ્તારના આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો કંપનીના ગેટ પર ભેગા થયા હતા, જેને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.