કેશોદ શહેરમાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામના વિરોધ પ્રદર્શન પર પોલીસ ફરિયાદ નોંધાતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. AAP નેતા પ્રવીણ રામે કેશોદના અંડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને તેમાં હોડી ચલાવી અને સાંકેતિક વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ આ પગલાં બાદ પોલીસ દ્વારા પાણીમાં હોડી ચલાવવાના મુદ્દે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
પ્રવીણ રામે પોલીસ પર કર્યા ગંભીર આક્ષેપ
પ્રવીણ રામે પોલીસ ફરિયાદ બાદ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, "હું દેશનો પહેલો એવો માણસ હોઈશ જેના પર હોડી ચલાવવાના મુદ્દે ફરિયાદ નોંધાઈ છે. આજે ભ્રષ્ટાચાર, બૂટલેગરો, ભૂમાફિયા, અને ગુનાખોરો સામે ફરિયાદ થતી નથી, પણ જે યુવાનો જનતાની લડત લડે છે તેમના પર તરત પોલીસ કાર્યવાહી કરે છે." તેમનું કહેવું છે કે આ ફરિયાદ ભાજપના રાજકીય દબાણ હેઠળ કરાવી છે.
''હું ન તો ડરવાનો છું, ન તો ઝૂકવાનો છું."
પ્રવીણ રામે વધુમાં કહ્યું કે, "ભાજપને જેટલી ફરિયાદો કરવી હોય એટલી કરે, હું ન તો ડરવાનો છું, ન તો ઝૂકવાનો છું." તેમણે સરકાર અને તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, "અંડરબ્રિજ તો હવે ઔપચારિક રીતે બંધ કરવો જોઈએ અને તેમાં હોડી મૂકી દેવી જોઈએ, કારણ કે સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે. મોટી વાત એ છે કે, 2 દિવસમાં જ લોખંડની જાળી તૂટી ગઈ, પાણી કાઢવાની મોટરો બંધ છે"
''દારૂથી લોકો મરી જાય છે...''
તેમણે તીખા શબ્દોમાં કહ્યું કે, "દારૂથી લોકો મરી જાય છે ત્યારે પોલીસ બચાવવા નથી જતી, અને અહિયાં શાંતિપૂર્ણ રીતે લોકોના હક્ક માટે લડીએ તો એમાં ફરિયાદ થાય છે." આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો ફેલાયો છે અને લોકોમાં પણ શાસક પક્ષની કામગીરી સામે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.